Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
રાજપુરૂષો શ્રી સુદર્શનનો ગજબનો ફજેતો કરે છે. શ્રી સુદર્શન બધું જ જુએ છે અને સાંભળે છે, છતાં પોતાનાં કર્મોની નિર્જરાને સાધવામાં ધીર અને વીર બનેલા એ મહાપુરૂષ, એક હરફ પણ ઉચ્ચારતા નથી.
એમની ધર્મપત્ની મનોરમાને કાને આ વાત જાય છે. એ નિર્ણય કરે છે કે-‘મારા સ્વામીમાં આ સંભવે જ નહિ.’ તરત જ તે પણ જ્યાં સુધીને માટે પોતાના પતિનો છૂટકારો થાય નહિ, ત્યાં સુધીને માટેના કાયોત્સર્ગનો સ્વીકાર કરે છે.
રાજપુરૂષો શ્રી સુદર્શનને નગરમાં ફેરવીને નગર બહાર લઇ ગયા અને શ્રી સુદર્શનને શૂલીએ ચઢાવ્યા. ત્યાં તો શ્રી સુદર્શનના પુણ્યબળે આકર્ષાએલી શાસનદેવીએ શૂલીનું સ્વર્ણમય સિંહાસન બનાવી દીધું.
પૂર્વ ભવોમાં કરેલા અશુભ કર્મના ઉદયથી, શ્રી સુદર્શન જેવા તદ્ન નિર્દોષ અને શીલસંપન્ન પુરૂષની ઉપર પણ આવી આફત આવવા પામી; પરન્તુ એ મહાપુરૂષ વિવેકી હતા, તો તેમણે આ આફતને એવા સમભાવથી વેઠી કે-એથી એ પાપકર્મ ખપી જવા સાથે, બીજાં ઘણાં ઘણાં પાપકર્મોની થોકબંધ નિર્જરાને તેઓ સાધી
શકયા.
આ નિમિત્તે, તેમના વિરાગભાવને ખૂબ જ ઉત્તેજિત કર્યો, તેમનું રાજાએ તો ઘણું બહુમાન કર્યું, પરન્તુ તેમણે તો સંયમનો જ સ્વીકાર કર્યો. એ મહાપુરૂષે એવી સાધના કરી કે- કેવલજ્ઞાનને ઉપાર્જીને આયુષ્યને અંતે એ મુક્તિ એ પહોંચ્યા.
તેમની ધર્મપત્ની શ્રીમતી મનોરમા પણ, સંયમને સાધી, કેવલજ્ઞાનને ઉપાર્જી, મોક્ષે પહોંચ્યાં.
ભગવાન મહાવીરની ઐતિહાસિકતા જણાવતા શ્રી મૂળશંકર પ્રા.ભટ્ટઃ
“આચારાંગમાં સ્પષ્ટ કર્યું છે કે ભગવાન મહાવીરનો જીવ અષાઢ સુદી છઠ્ઠને દિવસે ઉ.ફા.નક્ષત્રમાં પ્રાણત નામના દેશમાં દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ કરી બ્રાહ્મણ કુળમાં દેવાનંદા કુક્ષિમાં ચ્યવન પામે છે.’૧
‘કલ્પસૂત્ર’માં જણાવ્યા મુજબ ભગ.મહાવીર આ સમયે મતિ, શ્રુત, અવધિ ત્રણે જ્ઞાન ધરાવતા હતા. આ વાત બધા તીર્થંકરો માટે સમજવી.
દેવનેન્દ્ર મુનિ શાસ્ત્રીના ગ્રન્થ ‘ભ.મહાવીરઃ એક અનુશીલન'માં જણાવ્યું છે કે જૈન પરંપરામાં તીર્થંકરનો જન્મ ક્ષત્રિય કુળમાં થાય છે અન્ય કુળમાં નહિ.
‘ત્રિષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર’માં કહેવાયું છે કે દેવાનંદા શયનાગારમાં આરામથી સૂતી હતી ત્યારે ૧૪ મગંલકારી સ્વપ્ન તેનાં મુખમાંથી બહાર સરી પડ્યા. આથી તે
348