Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
૧૨મી સદી વિ.સં.૧૧૭૦
ભવભાવના પ્રકરણ ભાગ-૧-૨
આ ગ્રંથમાં અનિત્યાદિ બાર ભાવનાઓનું વર્ણન છે. પણ સંસાર ભાવનાનું વર્ણન વિસ્તારથી હોવાથી આ ગ્રંથનું નામ ભવભાવના છે.
મહામહિમ શાસ્ત્રકાર પરમર્ષિ મલધારી પૂજ્યપાદ આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ ચારેય ગતિના દારૂણ દુઃખનો ચિતાર ‘ભવભાવના' ગ્રંથમાં સૂત્ર સહિત ટીકા સાથે રજૂ કર્યો છે. આ ગ્રંથનું સર્જન કરીને આપણા જેવા સંસાર રસિક આત્માઓનો સંસાર પ્રત્યેનો રસ નીચોવી નાંખ્યો છે.
આ ગ્રંથ મૂળ પ્રાકૃત ભાષામાં છે. પાંચસો એકત્રીશ ગાથારૂપી વિચિત્ર રત્નોથી સૂત્રને અનુગત એવી આ શ્રેષ્ઠ રત્નમાળા રચાઇ છે. આ ગ્રંથ ભણનારા સમસ્ત જનના કંઠ અને હૃદયનું આભુષણરૂપ હોવાથી રત્નાવલી સમાન છે. ગ્રંથ ઉપર સંસ્કૃત ટીકા છે. ટીકામાં આવેલી કથાઓ મોટા ભાગે પ્રાકૃતમાં અને ક્યાંક ક્યાંક સંસ્કૃત ભાષામાં
છે.
સૂત્ર સહિત ટીકા રચવાની શરૂઆત કરાઇ અને તેઓ વડે જ વિક્રમ પછી ૧૧૭૦ વર્ષ ગયા ત્યારે શ્રાવણ મહિનાની પાંચમે રવિવારે પૂર્ણ થઇ. પ્રત્યેક અક્ષરની ગણતરી કરીએ તો આ ગ્રંથ ૧૨૯૫૦ અનુષ્ટુપ શ્લોક પ્રમાણ થાય છે.
આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજયરાજશેખર સૂરીશ્વરના શિષ્યરત્ન ફર્મ સાહિત્ય સર્જક પ.પૂ.આ.ભ.ના શિષ્ય પૂ.મૂનિરાજ શ્રી સુમતિશેખરવિજય વડે થયું છે.
મલધારી આચાર્ય હેમચંદ્રસૂરિ જીવન ઝલકઃ
આચાર્ય અભયદેવસૂરિના ઉપદેશથી તેઓ વૈરાગ્ય પામ્યા. સુખ સાહ્યબી અને મંત્રીપદ છોડી દીક્ષા લીધી. તેઓ વધુ પ્રમાણમાં ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા’નું વ્યાખ્યાન આપતાં. ત્યારથી જ એ કથા વધુ પ્રચલિત બની. રાજા સિધ્ધરાજ જયસિંહ તેમનાં વ્યાખ્યાન સાંભળતો અને અવારનવાર તેમનાં દર્શન માટે આવતો. એકવાર તેણે આચાર્યને પોતાના રાજમહેલમાં પધરાવ્યા. ત્રણવાર આરતી ઉતારી પંચાગ નમસ્કાર કર્યા તેમજ ચાર પ્રકારનો આહાર વ્હોરાવ્યો.
આચાર્યશ્રી એ ઘણી ધર્મ પ્રભાવના કરી અને લગભગ ૧ લાખ શ્લોક પ્રમાણ ગ્રંથોની રચના કરેલી છે. આચાર્ય સાત દિવસનું અનશન કરી પાટણમાં સ્વર્ગે ગયા.
209