Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પંડિતોએ કરેલો છે. તે સર્વમાં મુખ્ય નાયક રામચંદ્ર જ છે. પરંતુ તેના લેખમાં અતિશયોક્તિ, પરસ્પર વિરોધ તથા નાયકનો સદોષ ચિતાર વિગેરે દોષો રહેલા છે. તે આ ગ્રંથમાં અલ્પમાત્રામાં પણ નથી.
રામાયણના પ્રારંભમાં રાક્ષસવંશની મૂળ ઉત્પત્તિ તરીકે શ્રી અજિતનાથજીના સમયમાં થયેલા સગર ચક્રવર્તીનું તથા તે પ્રસંગે અજીતનાથ પ્રભુના સમવસરણમાં જ ભીમ નામના રાક્ષસ નિકાયના ઈંદ્ર ધનવાહન નામના વિદ્યાધરને પોતાના પૂર્વભવના પુત્રપણાના સ્નેહથી રાક્ષસદ્વીપનું, લંકા નગરીનું તથા પાતાળ લંકાનું રાજ્ય આપ્યું અને પોતાનો નવરત્નોનો હાર તથા રાક્ષસી વિદ્યા આપી તેની હકીકત લીધેલી છે.
આ પર્વના પ્રારંભમાં અજિતનાથ પ્રભુના વખતમાં થયેલી રાક્ષસ વંશની સ્થાપનાનું અને તેના મૂળ પુરુષ તરીકે ધનવાહનનું નામ માત્ર સૂચવીને પછી અગ્યારમા શ્રેયાંસ પ્રભુના તીર્થમાં રાક્ષસ વંશમાં થયેલા કીર્તિધવળ રાજાની હકીકત આપવામાં આવી છે. એ કીર્તિધવળ રાજાના વખતમાં વાનરદ્વીપમાં શ્રીકંઠ રાજાએ કિકિંધા નગરીમાં નિવાસ કર્યો ત્યારથી વાનરવંશની ઉત્પત્તિ થઈ છે અને ત્યારથી ઘણા કાળ પર્યત રાક્ષસવંશ અને વાનરવંશ વચ્ચે પરસ્પર પ્રીતિભાવ ચાલ્યો આવ્યો છે. તેમાં પણ કાંઇક રાક્ષસવંશના રાજ્યકર્તાઓએ વાનરવંશના રાજ્ય કર્તા ઉપર હાથ રાખેલો દષ્ટિગોચર થાય છે.
કીર્તિધવળને શ્રીકંઠનું ચરિત્ર કહ્યા બાદ એ હકીકતને મુનિસુવ્રત સ્વામીના તીર્થ ઉપર લઈ જવામાં આવેલ છે. તે પ્રભુના તીર્થમાં રાક્ષસવંશમાં તડિતકેશ અને વાનરવંશમાં ધનોદધિ રાજા થયેલ છે. ત્યારપછીની હકીકત અવિચ્છિન્ન લખાયેલી છે. ત્યારપછી રાક્ષસદ્વીપનું અને વાનરદ્વીપનું રાજ્ય બે વખત રાક્ષસો તથા વાનરોના હાથમાંથી જાય છે, તે પાછું રાવણનો જન્મ થયા બાદ તે પોતાને સ્વાધીન કરે છે. વાનરવંશમાં વાલી નામે બહુ પરાક્રમી વિદ્યાધર રાજા થાય છે. તે રાવણને પણ પરાસ્ત કરે છે. પરંતુ તરત જ તેને વૈરાગ્ય થવાથી તે દીક્ષા લે છે અને તેનો ભાઈ સુગ્રીવ રાજ્ય પર આવે છે.
ત્રીજા સર્ગમાં આવેલા ચરિત્ર ઉપરથી ઘણા સાર ગ્રહણ કરવા યોગ્ય છે, તેમ જ પાંચમા ને છઠ્ઠા સર્ગમાં આવેલી રામચંદ્રના વનવાસની હકીકત પણ અપૂર્વ શિક્ષણ આપે છે.
રામચંદ્રની ઉત્પત્તિ કાંઈ વાનરવંશમાં થયેલી નથી. વાનરદ્વીપના નિવાસી હોવાથી જ વાનર તરીકે ઓળખાતા સુગ્રીવાદિ અનેક વિદ્યાધરો તેના ભક્તિવાન થયેલા હોવાથી તેના લકરમાં બહોળો ભાગ તેનો છે. બાકી રામલક્ષ્મણનો જન્મ તો
217