Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
માંગીએ છીએ.” સગર ચક્રવર્તીએ તેઓને સંમતિ આપી. તેઓ પિતાજીના સ્ત્રીરત્ન સિવાયના સર્વ રત્નો સાથે લઈને નીકળ્યા.
તેઓ ઠેર ઠેર ફરતા ફરતા અષ્ટાપદ પર્વત પાસે આવ્યા. પર્વત પાસે આવીને મંત્રી પાસેથી તે પર્વત વિશેની બધી માહિતી જાણી લીધી. પર્વત સાથેનો પોતાના પૂર્વજોનો ઇતિહાસ સાંભળીને સગરના તે ૬૦ હજાર પુત્રો ખુશ થઈ ગયા. અતિ હર્ષોલ્લાસ સાથે સર્વ પરિવાર લઈને તેઓ અષ્ટાપદ ચડ્યા. પ્રભુ ભક્તિ કરી.
મોટા ભાઇ જન્દુકુમારના પ્રસ્તાવથી અષ્ટાપદ પર્વતના રક્ષણ માટે તેને ફરતી ઊંડી ખાઈ ખોદવાનું બધાએ નક્કી કર્યું. ચક્રવર્તીના દંડ વડે તેઓએ એક હજાર યોજન ઊંડી ખાઇ ખોદી. ખાઇ ખોદતાં નીચે આવેલ નાગકુમારોના ભવનો તૂટવા લાગ્યા. નાગકુમાર કોપાયમાન થઈ સગર પુત્રો પાસે આવ્યો. જન્દુકુમાર માફી માંગે છે અને નાગરાજ શાંત થઈ ગયા નાગલોકમાં ચાલ્યા ગયા.
નાગરાજના ગયા પછી તેઓએ ખાઈને પાણીથી ભરવા ગંગાનદીને અષ્ટાપદ તરફ ખેંચી. ખાઇ પાણીથી ભરાઈ ગઈ અને વધેલું જળ નાગકુમારોના સ્થાનોમાં પેઠું. તેથી નાગકુમારો ત્રાસી ગયા. ભયંકર ક્રોધ સાથે નાગરાજ સગરપુત્રો પાસે આવ્યો. અને કોપાયમાન દષ્ટિથી ૬૦ હજાર પુત્રોને ભસ્મીભૂત કરી પાતાળ લોકમાં ચાલ્યો ગયો.
એક સાથે ૬૦ હજાર પુત્રોને રાખ થઈ ગયેલા જોઈ આખું સૈન્ય અને અંતઃપુરની સ્ત્રીઓ કાળો કલ્પાંત કરવા લાગી. આખું વાતાવરણ શોકમય થઈ ગયું. અને રાજાને કેવી રીતે જણાવશું તેમ તેઓ વિચારતા હતા ત્યાં એક બ્રાહ્મણ ત્યાંથી પસાર થતો હતો. તેણે બધાને અસ્વસ્થ જોયા. કારણ પૂછ્યું અને બધાને શાંત કર્યા.
આશ્વાસન આપી કહ્યું કે તમારા સ્વામી સગર ચક્રવર્તીને હું શોક મુક્ત કરીશ. અને અનાથ મડદું ઉચકીને ચક્રવર્તીની પાસે પહોંચ્યો અને આંસુ પાડતો પોક મૂકીને રડતો કહેવા લાગ્યો કે, “જેના ઘરમાં કોઈ જ મૃત્યુ પામ્યા ન હોય તે ઘરમાંથી માંગલિક અગ્નિ લઈ આવે તો હું તારા પુત્રને જીવતો કરીશ.” આપ મારા પુત્રને જીવતો કરવા માંગલિક અગ્નિ મંગાવી આપો.
સગર રાજાએ કહ્યું કે, પ્રથમ તીર્થકર ઋષભદેવ સ્વામી પણ કાળના યોગે મૃત્યુ પામ્યા. કોઇ જ પૂર્વજ મરણથી બચી શક્યા નથી માટે આવો અગ્નિ હું લઈ આવવા અસમર્થ છું. જે જન્મે તે અવશ્ય મૃત્યુને ભેટે છે. માટે શોક ન કર. ચક્રવર્તીની વાત સાંભળી બ્રાહ્મણ સ્વસ્થ થયો અને કહ્યું કે જીવોના ભવસ્વરૂપને જાણતો હતો છતાં પુત્રનો વિયોગ થયો ત્યારે વિવેક ભૂલી ગયો. પણ તમે તમારા પુત્રોના વિયોગ વખતે વિવેક ચૂકશો નહિ. એમ કહી અને તેણે તેના પુત્રોના મરણના સમાચાર આપ્યા.
Rા.
252