Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પોતાના હાથે સુંદર પકવાન જમાડે છે. પ્રિયદર્શનાના મુખ પરની ખુશી જોઈને વર્ધમાનને સંતોષ થાય છે. આ પરથી ખ્યાલ આવે છે કે વર્ધમાન એક ઉત્તમ પિતા પણ હતા. જેમણે સાધના દરમ્યાન પુત્રી માટેની ફરજો પણ પૂરી કરી.
કાળચક્ર અવિરામ ગતિએ ફરે છે. મહાવીરનો બે વર્ષનો કાળ પૂર્ણ થાય છે અને લક્ષ્મપૂર્તિની ઘડી નજદીક આવે છે.
૩૦ વર્ષની ઉમરે માગશર વદ-૧૦, વિજય મુહૂર્ત, ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં ભગવાન ક્ષત્રિય કુંડની ઇશાન દિશાએ આવેલા જ્ઞાતખંડના ઉદ્યાનમાં આવેલ અશોકવૃક્ષના ઝાડ નીચે પોતાના હાથે પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા સ્વીકારે છે. તે જ વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. દીક્ષા વખતે તેમને છઠ્ઠનો તપ હતો. દીક્ષાના બીજા દિવસે કોલ્લાગ નગરમાં ક્ષીરથી પારણું કરે છે. મહાવીરે ગૃહત્યાગ કર્યા બાદ ૧૩ માસ વસ્ત્ર ધારણ કર્યા. પછી અચેલક રહ્યા. ભગવાનને દીક્ષાના પ્રથમ છ વર્ષ થયેલા ઉપસર્ગ વિશે ગોપાળભાઈ જીવાભાઇ પટેલ આચારાંગ અને કલ્પસૂત્ર પ્રમાણે કહે છે કે,
દીક્ષા પહેલાં અભિષેક વખતે લગાડેલ ચંદનાદિ સુગંધી દ્રવ્યોથી ભમરાનો ઉપસર્ગ થાય છે. નાની ઉંમરના જુવાનિયા તથા શરીર સોંદર્યથી કામમોહિત થયેલી સ્ત્રીઓનો ઉપસર્ગ થાય છે. પૂર્વભવમાં (૧૮મા) શય્યાપાલકના કાનમાં ગરમ સીસુ રેડાવ્યું હતું. જે ભગવાનના અંતિમ ભાવમાં ભરવાડ તરીકે જન્મ્યો હતો. જેણે ભગવાનના કાનમાં ખીલા ઠોક્યા હતા. તાપસ આશ્રમમાં કુલપતિએ આપેલ સૂચન પોતાની સાધનામાં બાધારૂપ લાગતા અપ્રીતિ થાય તેવા સ્થાને ન જવાનો લીધો. શૂલપાણિ યક્ષે મહાવીર ભગવાનને શિર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પૃષ્ઠ, નવ એવા સાત સ્થાને મરણાંતિક વેદના કરી, જે ગમે તે માણસને કંપાવી મૂકે. આમાં મહાવીરની શારીરિક સહન શક્તિ કે તિતિક્ષાની પરાકાષ્ઠા જોવા મળે છે. ચંડકૌશિક સર્પ પ્રભુ મહાવીરને જોતાં જ ફંફાડા મારતો કરડવા દોડ્યો. પરંતુ મહાવીરના શાંત, નિર્ભય સ્નેહાન્દ્ર સ્વરૂપ પર નજર પડતા સ્તબ્ધ થઈ ગયો. પ્રભુ મહાવીરે તેને પ્રેમથી સંબોધતા કહ્યું, ચંડકૌશિક! આ શું? હવે તો સમજ અને તેને આગળના ભવોનું પૂર્વ જ્ઞાન થાય છે અને કરડવાનું છોડી દે છે.”
પ્રભુ મહાવીરનું બીજું ચોમાસું અને ગોશાલકનો સંપર્ક થયો. ગોશાલક પ્રભુ સાથે ૬ વર્ષ રહ્યો. ત્યાર બાદ મહાવીરથી છૂટો પડ્યો અને પોતાનો આજીવક સંપ્રદાય સ્થાપ્યો. પ્રભુ મહાવીરને તેજલેશ્યા છોડ્યા બાદ સાત દિવસમાં તે મૃત્યુ પામે છે. લાઢ દેશની યાતનાઓનું આચારાંગમાં હદયદ્રાવક વર્ણન છે.
316