Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
૩૨
૧૬.શ્રી શાંતિનાથ ચરિત્ર સર્ગ ૧ થી ૫ પર્વ પાંચમું
પ્રથમ ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં રત્નપુર નગરમાં શ્રીષેણ રાજા હતા.
બીજો ભવઃ- ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલ રૂપે (યુગલિક) જન્મ્યા.
ત્રીજો ભવઃ- સૌધર્મ દેવલોકમાં દેવપણાને પ્રાપ્ત કરે છે.
ચોથો ભવઃ- અમિતતેજ નામે વિદ્યાધર થયા.
પાંચમો ભવઃ- દશમા દેવલોકમાં વીશ સાગરોપમના આયુષ્યવાળા દિવ્યફૂડ નામે દેવતા થયા.
છઠ્ઠો ભવઃ- અપરાજિત નામે બળદેવ થયા.
સાતમો ભવઃ- અચ્યુત દેવલોકમાં ઇંદ્ર થયા.
આઠમો ભવઃ- વાયુધ નામે ચક્રવતી થયા.
નવમો ભવઃ- ત્રીજા ત્રૈવેયકમાં પચવીશ સાગરોપમની સ્થિતિ નિર્ગમન કરી.
દશમો ભવઃ- મેઘરથ રાજા તરીકે જન્મ લે છે. તેઓ અત્યંત દયાળુ હતા. એક વખત ઇન્દ્ર મહારાજાએ પોતાની રાજસભામાં મેઘરથ રાજાની પરમ દયાની પ્રશંસા કરી. ત્યારે બે દેવોને આ વાતમાં શંકા થઇ. તેઓ બંને રાજાની પરીક્ષા કરવા આવ્યા. તેમાંથી એક દેવે કબૂતર અને બીજા દેવે બાજ પક્ષીનું રૂપ ધારણ કર્યું. કબૂતર ઉડીને રાજાના ખોળામાં બેસી ગયું. એની પાછળ બાજ પક્ષી આવ્યું. અને રાજાને કહેવા લાગ્યું, હે રાજન! મારો શિકાર મને આપી દો, ત્યારે રાજાએ પોતાને શરણે આવેલા કબૂતરને બચાવવા માટે બાજને કહ્યું, ‘તારે જોઇએ તો મારું માંસ લે પરંતુ કબૂતર તને નહિ આપું.' આખરે નક્કી કર્યા પ્રમાણે કબૂતરના વજન જેટલું પોતાનું માંસ આપવા માટે મેઘરથ રાજા પોતાના પગમાંથી માંસ કાપીને આપવા લાગ્યા. બંને પગો કાપવા છતાં દેવમાયાથી કબૂતરનું વજન વધતું ગયું. એટલે ખુદ સ્વયં મેઘરથ રાજા ત્રાજવામાં બેસી ગયા અને એક જીવને બચાવવા ખાતર પોતાની સમગ્ર જાતનું બલિદાન આપવા તૈયાર થયા. ત્યારે કબૂતર અને બાજે પોતાનું મૂળ દેવનું રૂપ પ્રગટ કર્યું અને રાજાની પ્રશંસા કરતા સ્વસ્થાને ગયા. મેઘરથ રાજા સંયમ લે છે. અને ૧ લાખ પૂર્વનું આયુષ્ય પાળે છે. વીશ સ્થાનક વિધિ સેવીને તીર્થંકર નામકર્મ બાંધ્યું.
283