Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
કર્યા એવી નોંધ છે. જ્યારે ભરત રાજાએ શ્રી ઋષભદેવના સંસ્કાર-સમર્પણની ભૂમિ પર ત્રણ ગાઉ ઊંચો અને જાણે મોક્ષ મંદિર વેદિકા હોય તેવો સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણથી વાર્ષિકી રત્ન પાસે કરાવ્યો. તેવી ગાથા સાંપડે છે. આમાં જ ઉલ્લેખ મળે છે કે “ચૈત્યની ભીંતોમાં વિચિત્ર મણિમય ગોખલા રચ્યા હતા.”
વળી, અહીં એક ઉલ્લેખ મળે છે કે “ચૈત્યના પૃષ્ઠ ભાગ ઉપર વિચિત્ર ચેષ્ટાથી મનોહર લાગતી માણેકની પૂતળીઓ ગોઠવેલી હતી, તેથી અપ્સરાઓથી અધિષ્ઠિત મેરુ પર્વતની જેવું તે શોભતું હતું.'
એ પછી એક વિસ્તૃત અતિ મહત્ત્વનો ઉલ્લેખ આ પ્રમાણે છે.
ત્યાં(અષ્ટાપદ) આવનારા પુરુષો ગમનાગમન વડે એની આશાતના ન કરે એવું ધારીને લોઢાના યંત્રમય આરક્ષક પુરુષો તે ઠેકાણે ઊભા રાખ્યા. એ યંત્રમય લોઢાના પુરુષોથી જાણે મર્યલોકની બહાર તે સ્થાન રહ્યું હોય એમ મનુષ્યોને અગમ્ય થઈ પડ્યું. પછી ચક્રવર્તીએ દંડરત્ન વડે તે પર્વતના દાંતા પાડી નાખ્યા, તેથી સરળ અને ઊંચા સ્તંભની પેઠે એ પર્વત લોકોને ન ચડી શકાય તેવો થઈ ગયો. પછી મહારાજાએ એ પર્વતની ફરતા મેખલા જેવા અને મનુષ્યોથી ઉલ્લંઘન થઈ શકે નહિ એવા એક એક યોજનને અંતરે આઠ પગથિયા બનાવ્યાં. ત્યારથી એ પર્વતનું નામ અષ્ટાપદ પડ્યું. અને લોકોમાં તે “હિમાદ્રિ', “રજતાદ્રિ', “કેલાસ” અને “સ્ફટિકાચલ” એવા નામથી પણ ઓળખાવા લાગ્યો.”
બલદેવ-વાસુદેવ બલદેવ, વાસુદેવ. આ બંને ભાઈઓનાં રૂપ હોય છે. નવ બલદેવ, નવ વાસુદેવ તથા નવ પ્રતિવાસુદેવ, આ પ્રમાણે સત્તાવીશ વિશિષ્ટ વ્યક્તિ હોય છે. વાસુદેવ અર્ધચક્રી હોય છે. તે ત્રણ ખંડના અધિપતિ હોય છે. તેઓને ઉત્તમ પુરુષ માનવામાં આવ્યા છે. તે ઓજસ્વી, તેજસ્વી, બળવાન અને સ્વરૂપવાન હોય છે. તેઓ કાન્ત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શી હોય છે. તે મહાબલી, અપ્રતિહત અને અપરાજિત હોય છે. શત્રુઓનું સારી રીતે મર્દન કરનારા હોય છે. તેઓ હજારો શત્રુઓના માનને એક ક્ષણમાં નષ્ટ કરી નાંખે છે. તેઓ દયાળુ, અમત્સર, અચપલ અને પ્રચંડ હોય છે. એમનો સ્વભાવ ખૂબ જ મધુર હોય છે. એમની વાણી ગંભીર, મૃદુ તથા સત્ય હોય છે. એમના શરીર પર અનેક શુભ લક્ષણો હોય છે. તેઓ ચંદ્રની જેમ સૌમ્ય, સૂર્યની જેમ પ્રચંડ, પ્રકાંડ, દંડનીતિજ્ઞ, સમુદ્ર સમાન ગંભીર, યુધ્ધમાં દુર્ધર તથા ધનુર્ધર હોય છે. તે રાજવંશમાં તિલક સમાન હોય છે. બલદેવના હાથમાં તલ હોય છે અને વાસુદેવ ધનુષ્ય રાખે છે. વાસુદેવ શંખ, ચક્ર, ગદા, શક્તિ અને નન્દક ધારણ કરે છે. એમના
235