Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
નિર્માણ અને યદુવંશીઓનો પ્રભાવ અદ્ભુત રસનો પ્રકર્ષ છે. નેમિનાથનો વૈરાગ્ય અને બલરામનો વિલાપ કરૂણ રસથી ભરપૂર છે. આ કાવ્યનો અંત શાંતરસમાં થાય છે. પ્રકૃતિ ચિત્રણરૂપ ઋતુ વર્ણન, ચંદ્રોદય વર્ણન આદિ અનેક ચિત્ર કાવ્યશૈલીમાં આલેખવામાં આવ્યા છે.
ઐતિહાસિક દૃષ્ટિએ હરિવંશ પુરાણ પોતાના સમયની કૃતિઓમાં નિરાળી કૃતિ છે. શક સંવત ૭૦૫માં સૌરાષ્ટ્રના વર્ધમાનપુરમાં ગ્રંથ પૂર્ણ થયો. આ ગ્રંથમાં પુરાણ, મહાકાવ્ય, વિવિધ વિષયોનું પ્રતિપાદન કરનાર વિશ્વકોશ તથા રાજનૈતિક અને ધાર્મિક ઇતિહાસનું એક સાથે દર્શન થાય છે. ગ્રંથકારે આ ગ્રંથના સંબંધમાં કહ્યું છે કે જે હરિવંશપુરાણ શ્રધ્ધાથી વાંચશે તેની કામનાઓ અલ્પ યત્ને પૂરી થશે તથા ધર્મ, અર્થ અને મોક્ષને તે પ્રાપ્ત કરશે.
ગ્રંથકાર પરિચયઃ- આ ગ્રંથની પ્રશસ્તિ પરથી જાણવા મળે છે કે પ્રસ્તુત કૃતિના સર્જક પુન્નાટ સંઘીય જિનસેન છે. આ જિનસેન મહાપુરાણના કર્તા મૂલસંઘીય સેનાન્વયી જિનસેનથી ભિન્ન છે. આ જિનસેનના ગુરુનું નામ કીર્તિષેણ અને દાદાગુરુનું નામ જિનસેન હતું. પુન્નાટએ કર્ણાટકનું પ્રાચીન નામ છે. આ દેશમાંથી નીકળેલા મુનિસંઘનું નામ પુન્નાટસંઘ પડ્યું. આ ગ્રંથની રચના (વિ.સ.૮૪૦) શક સં.૭૦૫માં કરી હતી. આ ગ્રંથની રચના નન્નરાજવસતિ પાર્શ્વનાથ મંદિરમાં બેસી કરવામાં આવી હતી.
re
ગ્રંથકર્તા દિગંબર સંપ્રદાયના હતા છતાં અંતિમસર્ગમાં ભગવાન મહાવીરના વિવાહની વાત લખી છે જે દિગંબર સંપ્રદાયના અન્ય ગ્રંથોમાં નથી. લાગે છે કે આ માન્યતા શ્વેતાંબર યા યાપનીય સંપ્રદાયના કોઇ ગ્રંથમાંથી લેવામાં આવી છે.
જિનસેનના આ હરિવંશ પુરાણના આધાર પર રચાયેલ બીજું હિરવંશ પુરાણ ૪૦ સર્ગનું છે. તેમાં ૨૨મા તીર્થંકર નેમિનાથ અને શ્રીકૃષ્ણ તથા તેમના સમકાલીન પાંડવો અને કૌરવોનું વર્ણન છે. તેના પ્રથમ ૧૪ સર્ગની રચના ભટ્ટારક સકલકીર્તિ અને બાકીના સર્ગોની રચના તેમના શિષ્ય બ્રહ્મ જિનદાસે કરી છે. તેમાં રવિષેણ અને જિનસેનનો ઉલ્લેખ છે.
સકલકીર્તિએ સંસ્કૃત ભાષામાં- મૂલાચાર પ્રદીપ, આદિપુરાણ, પ્રશ્નોત્તરોપાસકાચાર, ઉત્તરપુરાણ, શાંતિનાથચરિત્ર, વર્ધમાનચરિત્ર, મલ્લિનાથ ચરિત્ર, યશોધરચરિત્ર, ધન્યકુમારચરિત્ર, સુકુમાલચિરત્ર, સુદર્શનચરિત્ર, જંબૂસ્વામીચરિત્ર, શ્રીપાલચરિત્ર, પાર્શ્વનાથ પુરાણ, સદ્ભાષિતાવલી, વ્રતકથા કોશ આદિ અનેક ગ્રંથોની રચના કરી.
179