Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
નિષ્કરુણાની પુત્રી ‘હિંસા’ સાથે મારું લગ્ન કરાવી દીધું. આ કુસંગતિથી મેં ખૂબ શિકાર ખેલ્યા અને અસંખ્ય જીવોનો શિકાર કર્યો. ચોરી, દ્યુત આદિ વ્યસનોમાં પણ મેં કુખ્યાતિ પ્રાપ્ત કરી. યોગ્ય સમયે હું મારા પિતાનો ઉત્તરાધિકારી રાજા બન્યો. આ દર્પમાં મેં અનેક ઘોર કર્મો કર્યા, એટલે સુધી કે એક રાજદૂતને તેના માતા-પિતા, સ્ત્રી, બંધુ અને સહાયકો સાથે મરાવી નાખ્યો. એકવાર એક યુવક સાથે મારે લડાઇ થઇ અને અમે બંનેએ એકબીજાને વીંધી મારી નાખ્યા. પછી અમે બંને અનેક પાપયોનિઓમાં ઉત્પન્ન થયા અને પાછા સિંહ-મૃગ, બાજ-કબૂતર, અહિ-નકુલ આદિ રૂપે એકબીજાના ભક્ષ્ય-ભક્ષક બનતા રહ્યા. પછી હું રિપુદારુણ નામનો રાજકુમાર થયો. તથા શૈલરાજ અને મૃષાવાદ મારા મિત્ર બન્યા. તેમના પ્રભાવના કારણે મને પુણ્યોદયને મળવાનો અવસર ન મળ્યો. પિતાના મૃત્યુ પછી હું રાજા બન્યો. મેં પૃથ્વીના સમ્રાટની આજ્ઞા માનવાનો ઇનકાર કરી દીધો. એકવાર એક જાદુગરે મને ઉતારી પાડ્યો. અને મારા જ સેવકોએ મારો વધ કરી નાંખ્યો. મારાં પોતાના દુષ્કૃત્યોને પરિણામે હું પછીના જન્મોમાં નરક-તિર્યંચ યોનિઓમાં ભટકી છેવટે મનુષ્યગતિમાં જન્મ્યો અને શેઠ સોમદેવનો પુત્ર વામદેવ બન્યો. ‘મૃષાવાદ, માયા અને સ્તેય’ મારા મિત્રો બન્યા. એક શેઠને ત્યાં ચોરી કરવાને કારણે મને ફાંસી થઇ અને હું પાછો નરક અને તિર્યંચ લોકમાં ભટક્યો. હું ફરી એકવાર શેઠના પુત્ર તરીકે જન્મ્યો. આ વખતે ‘પુણ્યોદય’ અને ‘સાગર’(લોભ) મારા મિત્ર બન્યા. સાગરની મદદથી હું અતુલ ધનરાશિ કમાયો. મેં એક રાજકુમાર સાથે દોસ્તી કરી, તેની સાથે સમુદ્રયાત્રા કરી અને લોભવશ તેને મારી તેનું ધન પડાવી લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સમુદ્ર દેવતાએ તેની રક્ષા કરી અને મને સમુદ્રમાં ફેંકી દીધો. ગમે તેમ કરી હું તટે પહોંચ્યો અને દુર્દશામાં જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. એકવાર જ્યારે હું ધન દાટવા ઇચ્છતો હતો. ત્યારે મને એક વૈતાલ ખાઇ ગયો. પુનઃ નરક અને તિર્યંચ લોકમાં ભ્રમણ કરીને હું ધનવાહન નામે રાજકુમાર થયો અને મારા પિતરાઇ ભાઇ અકલંક સાથે ઉછરવા લાગ્યો. અકલંક ધર્માત્મા જૈન બની ગયો અને તેના દ્વારા હું સદાગમ આચાર્યના સંપર્કમાં આવ્યો પરંતુ મહામોહ અને પરિગ્રહ સાથે દોસ્તી થઇ ગઇ અને હું તેમનાથી પૂરેપૂરો વશીભૂત થઇ ગયો. પરિણામે હું નિર્દય શાસક બની ગયો પરંતુ મારી દુર્નીતિને કારણે મને રાજગાદી પરથી ઉઠાડી મૂક્યો અને હું દુઃખી બની મરી ગયો. મેં ફરી નરક અને તિર્યંચ લોકનું ભ્રમણ કર્યું. ત્યાર બાદ સાકેત નગરીમાં અમૃતોદર નામનો મનુષ્ય થયો, અને સંસારી જીવનના ઉચ્ચ સ્તર પર ચાલવા લાગ્યો. એક સમ્યગ્દર્શન સાથે મારી મિત્રતા બંધાઇ. પરિણામે હું ધર્માત્મા શ્રાવક અને સારો શાસક બન્યો અને મારા લગ્ન ક્ષમા, મૃદુતા, ઋજુતા, સત્યા, સૂચિતા આદિ કુમારીઓ સાથે થયા તેથી મેં ન્યાયનીતિથી રાજ્ય કર્યું ને છેવટે મુનિવ્રત ધારણ કરી મરીને દેવ થયો. ફરી પાછો મનુષ્ય તરીકે જન્મ્યો. હવે હું તે જ સંસારી જીવ અનુસુન્દર સમ્રાટ છું. આ
185