Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
વાસિત બની પોતાના ધનભાગ્ય સમજવા લાગી.
પૃથ્વીચંદ્રના માતાપિતા એમ સમજતા હતા કે કુમાર લગ્નગ્રંથીથી જોડાયા પછી મોહાધીન, વિષયાધીન અને સંસારાસક્ત થઈ સ્ત્રીઓના મોહમાં પડી જશે. પણ તેઓ સમજી ગયા કે બધી સ્ત્રીઓ તો ઉલટી કુમારને વશ થઈ ગઈ છે, એનું ગાયું ગાય છે, એને અનુકૂળ બની ગઈ છે. એટલે તેઓ વિચારમાં પડ્યા: “હવે શું કરવું? હવે તો એને જલ્દી રાજગાદી આપવી જોઈએ. રાજકાજમાં ગુંથાશે તો કુમારની આ સૂનમૂનતા ટળી જશે.”
પુત્રની ઈચ્છા ન હોવા છતાં પિતાએ દઢ આગ્રહ કરી પુત્રને રાજગાદી અર્પણ કરી. પૃથ્વીચંદ્ર રાજા બન્યા, પરંતુ જેમ કમળ કીચડમાં પેદા થાય, પાણીમાં વધે અને બંનેને ત્યજી ઉપર આવીને રહે, તેમ કુમાર પણ જળમાં કમળની જેમ નિર્લેપ રહે છે. એને કોઈ વસ્તુ લોભાવી શકતી નથી. અમૃતને ઢોળીને વિષપાન કોણ કરે? રત્નોની ખાણમાંથી કાંકર કોણ ભરે? આ માનવભવ રત્નની ખાણ છે. એમાં વિષયના કાંકરા ભરવાના ન હોય! આત્માને અધ્યાત્મ રંગે રંગી નિજગુણને વિકસાવવાના હોય!
પૃથ્વીચંદ્રકુમારનાં રાજ્યારોહણ પછી સમસ્ત પ્રજા ધર્મકર્મમાં રત બનવા લાગી. આ નૂતન રાજવીએ અમારી પડહ વગડાવ્યો તથા પ્રજાને કર મુક્ત કરી બીજાં કષ્ટો પણ દૂર કર્યા, એટલે પ્રજાજનો પણ ભારે સંતુષ્ટ બન્યા. સાત વ્યસનને દેશવટો આપવામાં આવ્યો. વિકથાઓને વર્જી ધર્મકથામય વાતાવરણ સર્વત્ર ફેલાયું. “યથા રાજા તથા પ્રજા” એ ઉક્તિ ચરિતાર્થ થઇ.
રાજા પ્રજા સૌ આનંદમગ્ન બન્યા. મહારાજા વૈરાગ્ય ભાવના ભાવે છે; અલિપ્ત અને નિર્લેપ થઈ રાજ્યની ધુરાને વહન કરે છે અને ક્યારે સદ્ગુરુનો સંયોગ મળે અને તેના સાનિધ્યમાં આત્મકલ્યાણ કરું, એવી ભાવના ભાવી રહ્યા છે.
રાજસભા ભરાઇ છે, મહારાજા સિંહાસન પર બિરાજ્યા છે. ત્યાં દ્વારપાળે વિનંતિ કરી; “પ્રભો! દૂર દેશથી સુધન નામનો વ્યાપારી આપનાં દર્શન માટે ઉત્સુક છે, આપની આજ્ઞાની જ વાર છે.” રાજાએ હુકમ કર્યો: “એને આવવા દ્યો.' સુધન રાજસભામાં પ્રવેશ કરે છે, રાજાને પ્રણામ કરે છે. રાજા તેને પૂછે છેઃ “કેમ શેઠ? કંઈ નવીન છે? ત્યારે વ્યાપારી સુધન જણાવે છે કે “રાજ! આ જગતમાં અનેક કૌતુકો મેં જોયા છે પણ ન દીઠું, ન સાંભળ્યું ભારે કૌતુક મેં નજરે જોયું છે. મહારાજ ! શું વર્ણન કરું! કૌતુક તો મેં ઘણાય જોયાં, પણ આ તો ભારે આશ્ચર્યની વાત છે. યાદ આવે છે અને રૂંવાડા ખડા થાય છે.” સુધનની વાત કર્ણગોચર કરી રાજા અને પ્રજા સી વિસ્મય પામ્યા, સૌની ઉત્કંઠા વધી પડી અને સુધનની સામે નિર્નિમેષ દૃષ્ટિથી સૌ આતુર બનીને આલોકવા લાગ્યા.
202