Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
સુધન બનેલી હકીકત અને કૌતુકનું વર્ણન કરતાં જણાવે છે: “મહારાજ! કુરુદેશના વિભૂષણ સમી ઋદ્ધિ સિદ્ધિથી છલોછલ ભરેલી હસ્તિનાપુર નામની નગરીથી હું અહીં આવી રહ્યો છું. ત્યાં રત્નસંચય નામના મહાન ધર્માત્મા શ્રેષ્ઠી રહે છે. તેમને લક્ષ્મીના અવતાર સમી સુમંગલા નામની સ્ત્રી છે. તેમને ત્યાં પુણ્યનિધાન એવા એક પુત્રનો જન્મ થયો, જેનું નામ ગુણસાગર પાડવામાં આવ્યું. ખરેખર! તે ગુણનો સાગર હતો.
તેની માતાએ સ્વપ્નમાં એક શ્રેષ્ઠ સાગરનું પાન કર્યું, તેથી તેને અનુરૂપ એનું ગુણસાગર એવું નામ પાડવામાં આવ્યું. ખરેખર! એ ગુણનો સાગર જ છે. લાલન પાલન કરાતો એ મોટો થયો, અને એને યુવાનીમાં પગરણ માંડ્યા. જેમ અલંકારથી શરીર શોભી ઉઠે, તેમ એ અવનવી વિદ્યાથી વિભૂષિત બન્યો, અને પ્રૌઢ કળાનો સ્વામી બન્યો.
યુવાની માણસને ઉન્મત્ત બનાવે છે, પરંતુ ગુણસાગરમાં એ વિકૃતિ પ્રકૃતિથી જ નહોતી. જેમ કમળ પાણીથી ન લેપાય તેમ આ સ્ત્રીઓના હાવ, ભાવ, કટાક્ષ અને વિભ્રમથી જરાય લેપાયો ન હતો. એ સંસ્કારી અને આધ્યાત્મપ્રિય હતો.
તે જ નગરમાં એક મહાન શ્રીમંત રહેતો હતો. ઋદ્ધિ-સિદ્ધિ તો તેનાં પગમાં આળોટતી હતી. તેમને આઠ કન્યાઓ હતી. જાણે સ્વર્ગપુરીની પરીઓ જોઈ લ્યો! તે કન્યાઓએ એક વખત રાજમાર્ગથી પસાર થતાં ગુણસાગરને જોયો અને તેના રૂપમાં સૌ મુગ્ધ બની. કુમાર જેમ ગુણસંપન્ન હતો, તેમ રૂપસંપન્ન પણ હતો. આવા સૌભાગ્યશાળી કુમારને નિહાળી તેઓ કામાતુર બની. જાણે મદને બાણ માર્યું હોય તેમ તેમનાં હદય કામબાણથી વીંધાઈ ગયાં. સૌ આકુળ-વ્યાકુળ બની અને એમણે મનથી નિશ્ચય કર્યો કે આપણે આની સાથે જ લગ્ન કરવાં. એ વાત જાણી માતપિતાને ઘણી ખુશી થઇ કે કુમારિકાઓનો રાગ યોગ્ય સ્થાને છે. કન્યાઓનાં માતાપિતાએ રત્નસંચય શેઠને વાત કરી. રત્નસંચય શેઠ પણ તેમની વાત શ્રવણ કરી પ્રસન્ન થયા કે દૂધ અને સાકરની જેમ બન્નેનો યોગ યોગ્ય છે.
રત્નસંચય શેઠે માગણીનો સ્વીકાર કર્યો. આમ આઠ કન્યા સાથે ગુણસાગરના વિવાહ કરવામાં આવ્યા. અને પાન બીડા આપવામાં આવ્યા.
કુમાર ગુણસાગર રાજમહેલના ઝરૂખામાં ઊભો ઊભો ચારે કોર નજર ફેરવે છે. આમ દષ્ટિપાત કરતાં કુમારે એક ટ્વેત વસ્ત્રધારી સાધુ મુનિરાજને જોયા અને તેનું ચિત્ત વિચાર વમળમાં પડ્યું. તે ઉહાપોહ કરવા લાગ્યો અને તે જ ક્ષણે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આમ પૂર્વભવનું જ્ઞાન થતાં જ હાથમાં રહેલ નિર્મળ જળ જેમ સ્પષ્ટ દેખાય તેમ તે પોતાના પૂર્વભવને નિહાળવા લાગ્યો અને તે જ ક્ષણે
203