Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
દેવ અને એના પૂર્વભવમાં અત્યંત સમૃધ્ધ રાજા હતો. એ ભવમાં એણે દીક્ષા લીધી હતી. પૂર્વભવના સંસ્કાર જાગૃત થયા અને એને દીક્ષાના ભાવ થયા. માતા-પિતા પાસે જઈ આજ્ઞા માંગી અને કહ્યું કે, “આ સંસાર જીવના માટે મહાદુઃખનું કારણ છે. જન્મ, જરા, રોગ અને મૃત્યુની પીડા જીવાત્માને સતત હેરાન કરે છે. સંસારમાં ક્ષણિક સુખ આપવાવાળા ભોગ સુખ છે. પરંતુ એના પરિણામ ભયંકર છે.''
પુત્રની તીવ્ર અભિલાષા જોઇ માતા-પિતા એ એને સમજાવતા કહ્યું કે, “બેટા! તું દીક્ષાની વાત કરે છે પરંતુ સંયમ ધર્મનું પાલન બહુ કઠીન છે. મહાદુષ્કર પંચ મહાવ્રતોનું પાલન કરવું પડે છે.”
આમ, આ અધ્યયનમાં સંયમ માટે અભિલાષી બનેલ મૃગાપુત્ર અને તેમના માતા-પિતાનો સુંદર વાર્તાલાપ છે. જે સંસારની અનિત્યતા સમજાવી ચારિત્રધર્મ ધારણ કરવા પ્રેરણા આપે છે. છેવટે બધાની રજા લઈ મૃગાપુત્ર દીક્ષા ગ્રહણ કરે છે. અને સંયમ જીવન પાળી મોક્ષપદને પ્રાપ્ત કરે છે. (૯) આ રમું મહાનિગ્રંથીય અધ્યયન છે. આમાં અનાથી મુનિની કથા છે.
મગધના સમ્રાટ શ્રેણિકને શિકારનો બહુ શોખ હતો. એકવાર તે શિકાર માટે મંડિતકુક્ષી નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં એમણે અદ્ભુત રૂપ લાવણ્યવાળા નવયૌવન વયના અત્યંત તેજસ્વી મહાત્માને કર્યોત્સર્ગ કરતા જોયા. શ્રેણિકને ખૂબ આશ્ચર્ય થયું. આથી મહાત્માને પૂછ્યું કે, “આ ઉમરમાં કેમ સંસાર ત્યાગ કર્યો?” ત્યારે મહાત્માએ જવાબ આપ્યો. “અનાથ છું” શ્રેણિક આશ્વાસન આપી કહે છે કે હું તમારો નાથ બનું તમે મારા મહેલમાં ચાલો. ત્યારે મહાત્માએ કહ્યું, “રાજન! તું સ્વયં અનાથ છે તો તું મારો નાથ કયાંથી બને ?” શ્રેણિકે પોતાનો પરિચય આપ્યો ત્યારે મહાત્માએ પોતાની આત્મકથા કહી કે, “હું કૌશાંબી નગરીનો વાસી, સમૃધ્ધ પરિવારમાં જન્મેલ-યૌવન વયે મારા શરીરમાં ભયાનક વ્યાધિ ઉત્પન્ન થયો. અનેક ઉપચાર કરવા છતાં મટ્યો નહિ. આ મારી અનાથતા હતી. મારા માતા-પિતા ભાઇ, બહેન, પત્ની કોઇપણ મારો વ્યાધિ લઈ ન શકે, આ મારી અનાથતા હતી, આટલો વૈભવ, આટલી સમૃધ્ધિ છતાં મારો વ્યાધિ મારે જ સહન કરવો પડ્યો. આ મારી અનાથતા હતી અને મને વૈરાગ્ય ઉત્પન્ન થયો. મેં સંકલ્પ કર્યો. મારો વ્યાધિ શાંત થઈ જાય તો હું દીક્ષા લઇશ અને તત્કાળ મારો વ્યાધિ શાંત થઈ ગયો.'
આ સાંભળી સમ્રાટ શ્રેણિકને યથાર્થ સ્વરૂપનો ખ્યાલ આવ્યો અને અભિમાન ઓગળી ગયું અને જિનધર્મનો અનુરક્ત બની ગયો.
84