Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ન હોય, તેવું નાટક સૂત્ર છે. સૂત્રના કે કથાના મુખ્ય પાત્રો સળંગ એક સજીવ ભૂમિકા ભજવે છે. દરેક પાત્ર પોતપોતાની રીતે ખૂબ જ સુંદર રીતે મૂર્તિમંત બની નિર્માણ થયા છે. શાસ્ત્રકાર પાત્રો દ્વારા પોતાની કથાવસ્તુ કે તત્ત્વ નિરૂપણને હૂબહૂ આલેખિત કરે છે. કથા શાસ્ત્રો દ્વારા શાશ્વત તત્ત્વો હીરા મોતીની જેમ ચમકી રહ્યા છે.’
♦૨૨
સૂચડાંગ સૂત્ર નામના બીજા અંગનું બીજું ઉપાંગ રાયપસેણીય છે. આ સૂત્રમાં ત્રણ અધિકાર છે. (૧)સૂર્યાભદેવનો (૨)પ્રદેશીરાજાનો (૩)દેઢપ્રતિજ્ઞ કેવળીનો. આ ત્રણે અધિકાર એક જ જીવાત્માના છે.
શ્રી નંદીસૂત્રમાં અંગબાહ્ય ઉત્કાલિક શ્રુતની પરિગણનામાં પ્રસ્તુત આગમનું નામ ‘રાયપસેણીય’ જોવા મળે છે. તેનું સંસ્કૃત રૂપાંતરણ રાજપ્રશ્નીય છે. આ આગમ એક જિજ્ઞાસુ રાજાના પ્રશ્નો સાથે સંબંધ ધરાવે છે. તેથી તેનું નામ રાજપ્રશ્નીય રાખવામાં આવ્યું છે. કેશીશ્રમણ અને પ્રદેશીરાજા વચ્ચે થયેલી પ્રશ્નચર્ચા આ આગમનું મહત્ત્વનું અંગ છે. કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાના પ્રશ્નોના આપેલા ઉત્તર આત્મસ્વરૂપને સમજવા માટે ઉપયોગી થાય તેવા છે. આ પ્રશ્નોત્તરથી જ પ્રદેશીરાજા અરમણીયમાંથી રમણીય, અધાર્મિકતામાંથી ધાર્મિક, નાસ્તિકમાંથી આસ્તિક, વિષયગામીમાંથી સત્ પથગામી બન્યા. તેના જીવનનું પરિવર્તન કરાવનાર સંવાદ જ આ આગમનું હાર્દ છે. આમ, આ નામ સાર્થક છે.
આ સૂત્રની ૨૦૭૮ ગાથા છે. આ સૂત્રમાં પ્રદેશી રાજાએ કેશી ગણધરને પૂછેલા દશ પ્રશ્નો અને તેના કેશીશ્રમણે આપેલા સચોટ ઉત્તરો નોંધપાત્ર છે. તે ઉપરાંત ૩૨ દેવતાઇ નાટકોનું સુંદર પરિચયાત્મક વર્ણન, પ્રાચીન વિવિધ સંગીત વાદ્યોના પ્રકારોનું વર્ણન, સંગીતશાસ્ત્ર, નાટયશાસ્ત્ર આદિની માહિતી તથા વાસ્તવવાદી ગૂઢ પ્રશ્નોનું નિરાકરણ નોંધપાત્ર છે.
સૂત્રકારે ચિત્તસારથિ, પ્રદેશી રાજા અને કેશીકુમાર શ્રમણ આ ત્રણ પાત્રની આસપાસ જ આગમ કથાની રચના કરી છે.
આ આગમમાં પ્રદેશી રાજા મુખ્ય પાત્ર છે. સૂત્રકારે પ્રદેશી રાજાના માધ્યમ દ્વારા વિપરીત માન્યતા, તેના પરિણામે સર્જાતા વૃત્તિના તાંડવો અને સાચી વાત સમજ્યા પછી વૃત્તિઓનું ઊર્મીકરણ, સાધના કર્યા બાદ જીવનનું ઉર્ધ્વગમન કેવી રીતે કરી શકાય તેનું નિરૂપણ સૂત્રકારે આ આગમમાં કર્યું છે.
પ્રદેશી રાજા નાસ્તિકતાને કારણે ખૂબ જ હિંસક પગલાં ભરે છે. તે પોતાના રાજ્યમાં નીતિ-ન્યાયને સ્થાન આપતો નથી તે પાપાચારને વેગ આપે છે. પાપના ફળ બૂરા હોય તેવું તે માનતો નથી. રાજ્યમાં કર્મચારીઓને તથા પ્રજાને ઘણો
105