Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પરંપરાઓમાં અનુક્રમે શ્રેણિક ભિંભિસાર અને શ્રેણિક બિંબિસાર નામ મળે છે. જેના દષ્ટિએ શ્રેણીઓની સ્થાપના કરવાના કારણે તેનું નામ શ્રેણિક પડ્યું. આ આગમમાં દસ અધ્યયન છે, તેમાં નરકગામી દસ જીવોનું વર્ણન છે. જેનો સાર નીચે મુજબ છે. શ્રેણિક રાજાના પુત્રો (૧)કાલ, (ર)સુકાલ, (૩)મહાકાલ, (૪)કૃષ્ણ, (૫)સુકૃષ્ણ, (૬)મહાકૃષ્ણ, (૭)વીરકૃષ્ણ, (૮)રામકૃષ્ણ, (૯)પ્રિયસેનકૃષ્ણ, (૧૦)મહાસેનકૃષ્ણ.
શ્રેણિક અને ચેલ્લણા રાણીનો પુત્ર કોણિક આ ભાઇઓની મદદથી શ્રેણિકને જેલમાં પૂરી ગાદીએ બેસે છે. આવી દશાથી ઉદાસીન રાણી ચેલ્લણાએ એકદા કોણિક સમક્ષ તેના જન્મ પ્રસંગનું સાવંત વર્ણન કર્યું. જેમ કે કોણિક ગર્ભમાં હતો ત્યારે માતાને રાજાના કાળજાનું માંસ ખાવાનો દોહદ થયો. તેથી ગર્ભનાશ કરવાના ઉપાયો કર્યા. પરંતુ તે નિષ્ફળ જતા જન્મતાં જ તેને અશોકવાટિકામાં જઈને એકાંત સ્થાનમાં ઉકરડા પર ફેંકાવી દીધો. રાજાને ખબર પડતા દુર્ગછા કર્યા વગર તેને ઉકરડામાંથી લાવી કુકડાએ કરડેલી આંગળી પોતાના મુખમાં લઈ પિતૃ-વાત્સલ્ય ભાવે તેની વેદના શાંત કરી. કુકડાએ આંગળી કરડી ખાવાથી તે સંકુચિત થઇ જતાં તેનું ગુણનિષ્પન્ન નામ કૂણિક રાખવામાં આવ્યું.
આ વર્ણનથી કોણિકનું અંતર દ્રવિત થયું. પાશ્ચાતાપપૂર્વક પોતાના પરમ ઉપકારક પિતાને મુક્ત કરવા તે સ્વયં કુહાડી લઈને શ્રેણિક પાસે ગયા. શ્રેણિકે પોતાની પાસે તેને આવતા જોઇને પોતાના પુત્રને પિતૃહત્યાના દોષમાંથી બચાવવા પોતાની અંગૂઠીમાં રહેલ તાલપુર ઝેર ચૂસીને મરણને શરણ થયા.
આ ઘટનાથી શોકમગ્ન કોણિક મનની શાંતિ માટે રાજગૃહી નગરી છોડી ચંપાનગરીમાં રહેવા સપરિવાર ચાલ્યા ગયા. ત્યાર પછી રાજ્યના અગિયાર ભાગ કરી ભાઇઓમાં વહેંચી લીધા. પરંતુ કર્મની ગતિ ન્યારી છે. કોણિકની રાણી પદ્માવતીની કાન ભંભેરણીથી પોતાના ભાઈ વિહલ્લ પાસેથી પિતાઓ આપેલ દિવ્ય હાર અને સચેનક ગંધ હાથી મેળવવા ભયંકર યુધ્ધ કર્યું. એમાં દસે કુમારો માર્યા ગયા અને નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી વૈરાગ્યવાસિત બની, દીક્ષા લઈ ઉત્કૃષ્ટ ચારિત્ર ધર્મ પાળશે અને નિર્વાણ પામી સિધ્ધ, બુધ્ધ અને મુક્ત થશે. એ દસે કુમારોનું વર્ણન નિરયાવલિકા આગમ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
શ્રી પૂષ્ફચૂલિયા-પૂ૫ચૂલિકા સૂત્ર તીર્થકરોએ આપેલું જ્ઞાન આગમ કહેવાય છે. ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરી સર્વજ્ઞ-સર્વદર્શી થયા પછી મોક્ષ અને મોક્ષના
110.