Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ખાનાર બંને ખડખડાટ હસી પડ્યા. અભયકુમારનો ખેલ જોઈને લોકો ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. અભયકુમારે નિરંતર પાંચ દિવસ સુધી આ પ્રક્રિયા કરી, તેથી ત્યાર પછી બજારના લોકો કુમારની આ ક્રીડા સમજીને હસતા હતા પરંતુ કોઇ પણ માણસ તેને છોડાવવા માટે જતા નહિ.
છઠ્ઠા દિવસે મોકો જોઇને અભયકુમારે રાજા ચંદ્રપ્રદ્યોતનને બાંધી લીધા અને બળપૂર્વક રથમાં બેસાડીને તેના શિર પર જૂતા મારતો તે મધ્ય બજારથી નીકળ્યો. રાજા બૂમાબૂમ કરે છે. “અરે! દોડો! પકડો! અભયકુમાર મને જૂતા મારતો મારતો લઈ જાય છે. લોકોએ જોયું પણ પ્રતિદિનની જેમ અભયકુમારનું મનોરંજન સમજીને હસતા હતા. કોઈ પણ રાજાને છોડાવવા ન ગયા. એ રીતે નગરની બહાર નીકળીને અભયકુમારે પવન વેગે રથને દોડાવ્યો. રાજગૃહ આવીને જ દમ લીધો. યથા સમયે તે પોતાના પિતાની સમક્ષ ચંદ્રપ્રદ્યોતનને ઉપસ્થિત કર્યો. ચંદ્રપ્રદ્યોતન અભયકુમારના ચાતુર્યથી માર ખાઈને અત્યંત લજ્જિત થયો. લજ્જિત વદને તે શ્રેણિક રાજાના પગમાં પડ્યો અને પોતે કરેલા અપરાધની ક્ષમા માંગી. રાજા શ્રેણિકે તે ક્ષણે ચંદ્રપ્રદ્યોતનને ક્ષમા આપી, પછી રાજસી સન્માન પ્રદાન કરીને ફરી ઉજ્જયિનીમાં પહોંચાડી દીધો. ત્યાં તે પોતાનું રાજ્ય ન્યાયપૂર્વક કરવા લાગ્યો. રાજગૃહ નગરના લોકોએ અભયકુમારની મુક્ત કંઠે પ્રશંસા કરી. આ અભયકુમારની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨) ચાણક્ય - પાટલિપુત્રના રાજા નિંદે કુપિત થઈને એકવાર ચાણક્ય નામના બ્રાહ્મણને પોતાના નગરથી બહાર નીકળી જવાની આજ્ઞા આપી. ચાણક્ય સંન્યાસીનો વેષ ધારણ કરીને ત્યાંથી રવાના થયો. ફરતા ફરતા તે મૌર્ય દેશમાં પહોંચ્યો. ત્યાં એક ગામમાં કોઈ એક ક્ષત્રિયાણીને ચંદ્રપાન કરવાનો દોહદ ઉત્પન્ન થયો. દોહદ પૂર્ણ ન થવાથી ક્ષત્રિયાણી દિન પ્રતિદિન દૂબળી થવા લાગી. તેના પતિએ પત્નીને પૂછ્યું તું દૂબળી કેમ દેખાય છે? કાંઈ દઈ થયું હોય તો વાત કર. પત્નીએ દોહદની વાત કરી. તેણીની વાત સાંભળીને તેનો પતિ પણ ચિંતામાં પડી ગયો. તેણીની આ ઈચ્છા હું કઈ રીતે પૂર્ણ કરી શકીશ? દોહદ પૂર્ણ નહિ થવાથી તેણી અતિ દૂબળી થવા લાગી. તેનો પતિ વિચાર કરે છે કે જો આ સ્ત્રીનો દોહદ પૂર્ણ નહિ થાય તો તે મરી જશે. આ અરસામાં સંન્યાસી ચાણક્ય ફરતો ફરતો એ ગામમાં આવ્યો. તે સમયે ક્ષત્રિય ઘરની બહાર ઉદાસ બેઠો હતો. ચાણક્ય તેની ઉદાસીનું કારણ પૂછ્યું. ક્ષત્રિયે તેની પત્નીના દોહદની વાત બતાવી. એ વાત સાંભળીને ચાણક્ય કહ્યું- હું તેણીની ઈચ્છા પૂર્ણ કરી દઈશ.
ચાણક્ય તે સ્ત્રીની ઇચ્છા પૂર્ણ કરવા માટે નગરની બહાર એક તંબૂ બનાવ્યો.
132