Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
અન્યાય કરે છે અને હિંસક બળોને પ્રોત્સાહન આપે છે. તેથી તેના રાજ્યમાં અપરાધી તત્ત્વોમાં વૃદ્ધિ થાય છે. આ સૂત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે કે પ્રદેશ રાજાના રાજ્યમાં પાપી પ્રવૃત્તિઓનું કેટલું ઊંડુ સ્થાન હતું. સારે નસીબે પ્રદેશ રાજાના મંત્રી ચિત્તસારથિ ખૂબ ધાર્મિક વૃત્તિનો, આસ્તિક અને બુધ્ધિશાળી હતો. આ મંત્રી એવા કોઈ પ્રબળ અને પરાક્રમી મહાત્માની શોધમાં છે, જે રાજાની નાસ્તિકતાને દૂર કરી તેને આસ્તિક બનાવે.
પ્રધાનમંત્રી ચિત્તસારથિ જ્યારે શ્રાવસ્તી નગરી આવ્યો અને કેશીકુમાર શ્રમણના દર્શન થયા ત્યારે બુધ્ધિશાળી પ્રધાન પોતાના નાસ્તિક અને હિંસક રાજાને સુધારવા માટે કેશીકુમાર શ્રમણને પોતાના દેશમાં લઈ જવાનો સંકલ્પ કર્યો.
આટલી વાર્તા રાજપ્રશ્નીય સૂત્રની પૃષ્ઠભૂમિ છે. ત્યાર બાદ કેશી શ્રમણ ત્યાં પહોંચ્યા. ચિત્તસારથિએ ભક્તિ અને ચાલાકી પૂર્વક રાજાની સાથે તેમનો મેળાપ કરાવ્યો. કેશીકુમાર શ્રમણ અને પ્રદેશ રાજા વચ્ચે સફળ વાર્તાલાપ થયો. રાજાનો માનસિક પરાજય થયા પછી તેના મનમાં આસ્તિકતાનો ઉદય થયો. સંપૂર્ણ રાજ્યમાં નીતિની સ્થાપના થઈ. આ રીતે રાજાનું જીવન પરિવર્તન થયું અને પૂરા રાજ્યનું પણ
પરિવર્તન થયું.
અંતમાં રાજા મહાન તપની સાધના કરી પરલોકવાસી થયા. ત્યાં સુધીની કથા અતિરોચક અને પ્રેરણાદાયી છે. રાજાની રાણી “સૂર્યકાંતા”ને રાજાનું આ પરિવર્તન અયોગ્ય લાગતાં વિષ આપી રાજાને મારી નાંખે છે ને પોતાનું જીવન હિંસાથી કલંકિત કરી દુર્ગતિને પામે છે.
જેવી કરણી તેવી ભરણી જેવા કર્મો કર્યા હોય તેવા ફળ મળ્યા તે વાત આ સૂત્રમાં સૂત્રકારે સમજાવી છે. કર્મનો સિધ્ધાંત સર્વને માટે એક સરખો જ છે. રાજા હોય કે રંક હોય, પુરુષ હોય કે નારી હોય સહુએ પોતે કરેલા કર્મોના ફળ ભોગવવા જ પડે છે. તે બાબતને આ સૂત્રમાં સમજાવી છે.
પ્રભુ મહાવીરે ઉચ્ચ કક્ષાના સાધકોની સાધક દશા કેવી હોય છે તે રાજપ્રમ્નીય સૂત્રમાં દર્શાવ્યું છે. રાયપાસેણીય સૂત્ર રાજા પ્રદેશીનું જીવન દર્શન કરાવતું આગમ છે. આ સૂત્ર આત્મજ્ઞાનને પ્રગટ કરતું આગમ છે. આ સૂત્ર રાજા પ્રદેશીની આત્મસિધ્ધનું કારણ છે. પ્રભુ મહાવીરે આ આગમ દ્વારા અનેક અજ્ઞાનીઓને સાચો માર્ગ બતાવ્યો છે. સંત સમાગમ વ્યક્તિ પર કેવો મહાન ઉપકાર કરે છે અને તેને દેવલોકના સુખ અપાવી શકે છે. એક જ ભવમાં પરમાત્મપદ અપાવી શકે છે, એ હકીકત આ આગમમાં ખૂબ રસમય રીતે આલેખન પામી છે.
106