Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પોટીલાએ શરત સ્વીકારી. તે દીક્ષિત થઇ ગઇ. સંયમ પાળી આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ઉત્પન્ન થઇ.
તેતલીપુર નગરનો કનકરથ રાજા સત્તામાં લોલુપ હતો. તેનો દીકરો યુવાન થતાં રાજ્ય ન ઝૂંટવી લે તેથી જન્મતાં જ બાળકોને વિકલાંગ કરી નાખતો. તેની આ ક્રૂરતા રાણી પદ્માવતીથી સહન ન થઇ. જ્યારે તે ગર્ભવતી થઇ ત્યારે ગુપ્ત રીતે તેતલીપુત્રને અંતઃપુરમાં બોલાવી ભવિષ્યમાં થનાર બાળકની સુરક્ષા માટે મંત્રણા કરી. અંતે નક્કી કર્યું કે પુત્ર હોય તો રાજાની નજર ચૂકવી તેતલીપુત્રના ઘરે જ પાલનપોષણ કરવામાં આવશે.
સંયોગવશ જે દિવસે રાણી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો તે જ દિવસે તેતલીપુત્રની પત્નીએ મૃત કન્યાને જન્મ આપ્યો. પૂર્વકૃત નિશ્ચય અનુસાર તેતલીપુત્રે સંતાનની અદલાબદલી કરી. પત્નીને બધી વાતથી વાકેફ કરી. રાજકુમાર મોટો થવા લાગ્યો. તેનું નામ કનકધ્વજ હતું.
કાલાંતરે કનકરથ રાજા મૃત્યુ પામ્યો. અને રાજ સિંહાસન પર કનકધ્વજને બેસાડવામાં આવ્યો.
આ તરફ પોટીલદેવે પોતાની પ્રતિજ્ઞા અનુસાર તેતલીપુત્રને પ્રતિબોધ કરવા અનેક ઉપાયો કર્યા. પરંતુ રાજા દ્વારા સન્માન મળતાં તે પ્રતિબોધ ન પામ્યા. ત્યારે દેવે રાજા આદિને તેનાથી વિરુધ્ધ કર્યા. પરિવારજનોને તેનાથી વિરુધ્ધ કર્યા. ત્યારે તેતલીપુત્ર આપઘાત કરવાનું વિચારે છે. પણ દેવની માયાના ચોગે સફળતા ન સાંપડી. જ્યારે તેતલીપુત્ર આત્મઘાત કરવામાં સફળ ન થયા ત્યારે પોટીલદેવ પ્રગટ થયા. દેવે સારભૂત ઉપદેશ આપ્યો. તે સાંભળી તેતલીપુત્રને જાતિ સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું.
તેણે જાણ્યું કે, હું પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં મહાપર્વ નામનો રાજા હતો- સંયમ અંગીકાર કરી યથા સમયે અનશન કરી મહાશુક્ર દેવલોકમાં ઉત્પન્ન થયો હતો. ત્યાર પછી અહીં જન્મ લીધો.
તેમને નૂતન જીવન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અનેક વર્ષ કેવળી પર્યાયમાં રહી સિધ્ધ થયા.
ઉપદેશ:- પ્રતિજ્ઞાબધ્ધ દેવ ધર્મક્રિયામાં સહાયક બને છે. તેમજ અનુકૂળ વાતાવરણ કરતા પ્રતિકૂળ વાતાવરણમાં શીઘ્ર બોધ થાય છે.
68