Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
આગળ જતા નંદના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. રોગ મુક્ત કરનાર ચિકિત્સકોને યોગ્ય પુરસ્કાર આપવાની ઘોષણા કરાવી.પણ સફળતા ન મળી. અંતે નંદમણિયાર આર્તધ્યાનમાં મૃત્યુ પામી વાવડીની આસક્તિને કારણે ત્યાં જ દેડકાની યોનિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ લોકોના મુખથી નંદની પ્રશંસા સાંભળી તેને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પાશ્ચાતાપ કરી શ્રાવકવ્રત અંગીકાર કર્યા.
ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં સમોસર્યા. દેડકાને તે સમાચાર જાણવા મળતા તે પણ ભગવાનના દર્શન કરવા રવાના થયો. રસ્તામાં જ શ્રેણિક રાજાના એક ઘોડાના પગ નીચે તે દબાઇ ગયો. જીવનનો અંત નજીક જાણી અંતિમ સમયની વિશિષ્ટ આરાધના કરી, મૃત્યુ પામી દેવપણે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનથી જાણી તુરત ભગવાનના સમવસરણમાં આવ્યો.
દેવગતિનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી ચરિત્ર અંગીકાર કરી મુક્તિપદને મેળવશે. ઉપદેશ:- તિર્યંચ યોનિમાં પણ જાતે જ શ્રાવકવ્રત ધારણ કરી શકાય તેમજ અંતિમ સમયની આરાધના કેવી રીતે કરવી તે પણ આ અધ્યયનથી જાણી શકાય છે. અધ્યયન-૧૪માં તેટલીપુત્ર પ્રધાન અને પોટીલાની કથા છે.
તેતલપુર નગરના રાજા કનકથના પ્રધાનનું નામ તેતલીપુત્ર હતું. તે જ નગરમાં મૂષીકાદારક નામનો સોની રહેતો હતો. એક વખત તેટલીપુત્રે તે સોનીની સુપુત્રી પોટીલાને ક્રીડા કરતાં જોઈ અને જોતાં જ તે તેણીમાં આસક્ત બન્યો. પત્નીના રૂપે માંગણી કરી. શુભ મુહર્ત બંનેના લગ્ન થઇ ગયા.
ઘણા સમય સુધી બંને પરસ્પર અનુરાગી રહ્યા પણ કાલાંતરે સ્નેહ ઘટવા માંડયો. એવી પરિસ્થિતિ થઇ કે તેટલીપુત્રને પોટીલાના નામથી ધૃણા થવા લાગી. પોટીલા ઉદાસ અને ખિન્ન રહેવા લાગી. તેનો નિરંતર ખેદ જાણી તેટલીપુત્રે કહ્યું- તું ઉદાસીનતા છોડી દે અને પુણ્ય ઉપાર્જન કર. પોટીલાએ તે પ્રમાણે કર્યું.
સંયોગવશાત એક વખત તેતલપુરમાં સુવ્રતા આર્યાનું આગમન થયું. તેઓ તેટલીપુત્રના ઘરે પધાર્યા. પોટીલાએ સઘળી વાત કરી. સાધ્વી સુવ્રતાએ ધર્મોપદેશ આપ્યો. તે સાંભળી પોટીલાએ શ્રાવિકાધર્મ સ્વીકાર્યો. ધીમે ધીમે સંયમ લેવાની રુચિ થઇ. તેટલીપુત્ર પાસે અભિલાષા વ્યક્ત કરી. ત્યારે તેતલીપુત્રે કહ્યું-તમે સંયમ પાળી આગામી ભવમાં અવશ્ય દેવલોકમાં જશો. ત્યાંથી મને પ્રતિબોધ કરવા આવજો. આ વચન સ્વીકારો તો હું તમને દીક્ષાની અનુમતિ આપીશ.