Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
બની હતી. આ રીતે સંયમની વિરાધના કરી, તેની આલોચના કર્યા વિના જ તે ૨૦૬ સાધ્વીઓ કાળધર્મ પામીને દેવીરૂપે ઉત્પન્ન થઇ.
ગૃહસ્થ પોતાની ઇચ્છા પ્રમાણે સાંસારિક પ્રશ્ન મુનિને પૂછે ત્યારે મુનિએ પોતાની સંયમ મર્યાદા અનુસાર ઉચિત હોય તો જ ઉત્તર આપવો જોઇએ તેવું સ્પષ્ટ વિધાન પોઢ઼િલા અને સુકુમાલિકાના અનુસંધાનમાં છે.
૧૬મા અમરકંકા દ્રૌપદી નામક અધ્યયનમાં ધર્મઘોષ સ્થવિર નાગશ્રી બ્રાહ્મણનું રહસ્ય ખોલે છે. સામાન્ય રીતે શ્રમણો પોતાના ઉપર મરણાંતિક કષ્ટ આવવા છતાં કષ્ટ આપનારને ઉઘાડા પાડતા નથી. પરંતુ અહીં ઝેરના પરિણામ વાળું મૃત કલેવર જોઇને લોકોના મનમાં કુશંકાઓ ન થાય તે લક્ષ્ય સ્પષ્ટીકરણ કરવુ પડ્યું. એ અપવાદમાર્ગ છે.
પંચ મહાવ્રતધારી સાધુને પંચાંગ વંદન થાય છે, તે રીતે ગૃહસ્થને વંદન થતા નથી. નારદ સંચમી ન હોવા છતાં પાંડુરાજાએ સપરિવાર ત્રણવાર પ્રદક્ષિણા કરીને વંદન કર્યા. તેનું કારણ તે વિશિષ્ટ કોટિના વિદ્યાધર પુરુષ હતા, બ્રહ્મચારી હતા.
જ્ઞાતાધર્મકથા સાહિત્યની દષ્ટિએ તો ઉત્તમ છે જ પણ તે સમયના નગરોની રચના, મકાનોની રચના અને સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર આ કથાઓમાં વર્ણિત છે. જીવન જીવવાનાં મૂલ્યો અને જીવન શૈલીનો માપદંડ પણ દર્શાવ્યો છે.
અહીં કેટલાક મનોવૈજ્ઞાનિક રહસ્યોનું ઉદ્ઘાટન થયું છે. જેમ કે શ્રીકૃષ્ણ યુધ્ધ કરવા જતી વેળાએ આત્મવિશ્વાસથી કહે છે હું જીતીશ અને તેમ જ થાય છે. આ હકારાત્મક વિચારણાની વાત છે.
બે મિત્રોને મોરનાં ઈંડાં મળે છે. પહેલો મિત્ર ચિંતવે છે કે આ ઇંડામાંથી એક સુંદર બચ્ચું જરૂર બહાર આવશે. બીજાને વિશ્વાસ નથી. તે વિચારે છે કે કદાચ બચ્ચું બહાર ન પણ આવે. પરિણામે પહેલાને મોરનું સુંદર બચ્ચું મળે છે, જેને શંકા છે તેને બચ્ચું મળતું નથી. આ નકારાત્મક વિચારોનું પરિણામ દર્શાવે છે.
આમ, જ્ઞાતાધર્મ કથામાં સંયમને દઢ બનાવતી કથાઓ મધપૂડાં જેવી રસસભર છે. તેમાંથી એક એક મધુ બિંદુરૂપી અધ્યયનમાંથી જુદો જુદો વૈરાગ્યરસ નીતરે છે. ઇંડા કહે છે શ્રધ્ધા રાખો, કાચબા કહે છે-ધીરજ રાખો, ઘોડા કહે છે વૈરાગ્ય રાખો, ચંદ્ર કહે છે અપ્રમતભાવ રાખો, તૂંબડુ કહે છે- નિર્લેપભાવ રાખો, દાવદ્રવ કહે છે-સહિષ્ણુતા રાખો, નંદીફળ કહે છે- અનાસક્ત ભાવ રાખો. દુષ્ટાંત અને લોકભોગ્ય કથાઓ દ્વારા દીધેલો બોધ ઘીથી લથપથ રસાળ શીરાની જેમ ગળે ઉતરી જાય તેવું જ્ઞાતાધર્મકથામાં જ્ઞાત થાય છે.
55