Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
તેના પ્રત્યુતરમાં ભગવાને તુંબડીનું દૃષ્ટાંત આપ્યું. જેમ તુંબડી પાણી ઉપર તરે છે પણ તેની ઉપર કોઈ વ્યક્તિ માટી, ઘાસનો લેપ કરી તડકામાં સૂકવી દે તો તુંબડી પાણી ઉપર ન કરી શકે. પણ જેમ જેમ માટીનો લેપ પાણીમાં ઓગળે તેમ તેમ તુંબડુ પાણી ઉપર તરવા લાગે.
આ પ્રકારે જીવ ૧૮ પાપનું સેવન કરી આઠ કર્મનો બંધ કરી, કર્મથી ભારે બની, અધોગતિમાં, નરકમાં જાય છે. જેમ જેમ કર્મથી હલકો બને તેમ તેમ ઉર્ધ્વગમન કરતા છેવટે શાશ્વત સિધ્ધ સ્થાનમાં સ્થિર થઈ જાય છે. ઉપદેશ:- આમ સાધકે કર્મથી હલકા બની ઉર્ધ્વગતિ તરફ ગતિ કરવી જોઇએ. અધ્યયન-૭માં ધન્ય સાર્થવાહ અને તેની ચાર પુત્રવધુનું દૃષ્ટાંત છે.
રાજગૃહ નગરમાં ધન્ય સાર્થવાહ રહેતા હતા. તેને ચાર પુત્રો હતા. ધનપાલ, ધનદેવ, ધનગોપ, ધનરક્ષિત હતા. તેમની પત્નીઓના નામ અનુક્રમે- ઉચ્છિતા, ભક્ષિકા, રક્ષિકા, રોહિણી હતા.
ધન્ય સાર્થવાહ વૃધ્ધ થયા ત્યારે તેમને વિચાર આવ્યો કે મારી હાજરીમાં કુટુંબની જે વ્યવસ્થા છે તેવી જ વ્યવસ્થા મારા મૃત્યુ પછી જળવાય તેવું કરવું જોઈએ.
આમ વિચારી તેણે તેની ચારે પુત્રવધૂને બોલાવી, દરેકને પાંચ દાણા ડાંગરના આપી કહ્યું, “હું જ્યારે માંગુ ત્યારે આ પાંચ દાણા અને પાછા આપજો.'
પહેલી પુત્રવધૂએ વિચાર્યું- “સસરાની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ છે.” માટે દાણાને તુચ્છ માની કચરામાં ફેંકી દીધા.
બીજી પુત્રવધૂએ વિચાર્યું-“ભલે દાણાનું મૂલ્ય નથી પણ સસરાની પ્રસાદી છે. તેને ફેંકાય નહિ.” એમ વિચારી દાણા ખાઈ ગઈ.
ત્રીજી પુત્રવધૂએ વિચાર્યું-“મારા સસરા ખૂબ જ વ્યવહાર કુશળ, અનુભવી, સમૃધ્ધશાળી છે. તેમનો કોઈ વિશિષ્ટ અભિપ્રાય હોવો જોઈએ.” તેમ વિચારી દાણા સુરક્ષિત જગ્યાએ મૂકી દીધા.
ચોથી પુત્રવધૂએ પાંચ દાણા પિયર મોકલી અને તેને વાવવાનું કહ્યું. પાંચ વર્ષમાં તો કોઠાર ભરાઈ ગયા.
પાંચ વર્ષ વ્યતીત થયા બાદ સસરાએ દાણા પાછા માંગ્યા ત્યારે પહેલી પુત્રવધૂએ કોઠારમાંથી પાંચ દાણા કાઢી આપ્યા. શેઠે ત્યારે તેણે સત્ય હકીક્ત કહી દીધી. તે સાંભળી શેઠે તેને સફાઈ કામ સોંપ્યું.
61