Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१३८६
* ટૂંકસાર
: શાખા - ૧૦ :
દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદાભેદની વિચારણા કરી. હવે દ્રવ્યના પ્રકારો જણાવાય છે. (૧૦/૧) તે વિભિન્ન પ્રકારોના યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા દ્વારા અંતરંગ મોક્ષપુરુષાર્થ કરવો. (૧૦/૨) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા - એમ છ દ્રવ્યો શાશ્વત જાણવા. આમ શાશ્વત આત્મતત્ત્વને જાણીને નિર્ભયતાપૂર્વક ઉપસર્ગાદિમાં સ્થિર રહેવું. (૧૦/૩)
લોકમાં જીવની અને જડની ગતિનું અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે. મન-વચન-કાયયોગની પ્રવૃત્તિમાં પણ ધર્માસ્તિકાય સહાયક હોવાથી તેના પ્રત્યે કૃતજ્ઞતા કેળવી આત્મશુદ્ધિના પ્રયત્નો કરવા. (૧૦/૪)
જીવને અને પુદ્ગલને સ્થિર રહેવામાં અધર્માસ્તિકાય સહાયક છે. ધ્યાન માટે કાયિક સ્થિરતા અને ચિત્તસ્થિરતા જરૂરી છે. તે માટે અધર્માસ્તિકાયનો ઉપકાર માની નમ્રભાવે ધ્યાનસાધનામાં આગળ વધવું. (૧૦/૫)
મુક્ત જીવની ગતિમાં સ્વાભાવિક રીતે ધર્માસ્તિકાય સહાયક છે. (૧૦/૬)
જેમ ગતિમાં ધર્માસ્તિકાયને તેમ સ્થિતિમાં અધર્માસ્તિકાયને કારણ માનવાનું છે. (૧૦/૭) આકાશ જેમ ભેદભાવ વિના જીવ-અજીવને રહેવાની જગ્યા આપે છે. તેમ આપણે કોઈ પણ જાતના પક્ષપાત વિના સર્વ જીવોને મૈત્રીભાવે આપણા હૃદયમાં સ્થાન આપવું. (૧૦/૮)
લોકાકાશ અને અલોકાકાશ પરમાર્થથી એક જ છે. તેમ સંસારી જીવો અને સિદ્ધના જીવો પરમાર્થથી એકસ્વરૂપ જ જાણી સિદ્ધત્વની સાધના માટે ઉત્સાહ જગાવવો. (૧૦/૯)
કાળ દ્રવ્ય નથી, પર્યાય છે. પરંતુ તેમાં દ્રવ્યનો ઉપચાર કરીને ‘કાળ અનંત છે' – તેવું બોલાય છે. વર્તનાપર્યાયસ્વરૂપ કાળનો સાધકે સાધના દ્વારા સદુપયોગ કરી લેવાનો છે. (૧૦/૧૦)
સિદ્ધાંતમાં ‘જીવ અને અજીવ એ જ કાળ છે' - આવું બતાવેલ છે. તેથી આપણે આપણો કાળ સુધારવા સતત જાગૃત રહેવું. (૧૦/૧૧)
મતાંતરે જ્યોતિશ્ચક્રની ગતિ દ્વારા દ્રવ્યાત્મક કાળતત્ત્વનો નિર્ણય થાય છે. સ્થૂલલોકવ્યવહારસિદ્ધ કાલદ્રવ્ય અપેક્ષારહિત સમજવું. (૧૦/૧૨-૧૩)
મંદગતિથી એક આકાશપ્રદેશમાંથી બીજા આકાશપ્રદેશમાં પરમાણુ જેટલા કાળમાં સંચરે તેટલો કાળ ‘સમય’ કહેવાય. આ દિગંબર મત શ્વેતાંબરો પણ સ્વીકારે છે. અહીં વિશાળ દૃષ્ટિકોણથી બીજાની વાતનો યોગ્ય રીતે સમન્વય કરવાનું સૂચવેલ છે.(૧૦/૧૪-૧૫)
દિગંબરમતે અસંખ્ય કાલાણુદ્રવ્ય ઊર્ધ્વતાપ્રચયસ્વરૂપ છે, તિર્યક્પ્રચય સ્વરૂપ નથી. અહીં ગ્રંથકારશ્રીએ દિગંબરમતની સમીક્ષા પણ કરેલ છે. (૧૦/૧૬-૧૭-૧૮)
વાસ્તવમાં કાળ વર્તનાપર્યાયરૂપ છે છતાં ઉપચારથી તેને ‘દ્રવ્ય’ કહેલ છે. કાળમાં અનેક પ્રદેશ નથી તેની સંગતિ માટે ‘કાલ અણુ છે' - આવું જણાવેલ છે. દ્રવ્યસંખ્યાપૂર્તિ માટે કાળનો ઉપયોગ થયો તેમ આપણો ઉપયોગ કર્મસત્તા મનુષ્યની સંખ્યાની પૂર્તિ માટે ન કરે તે જરૂરી છે. (૧૦/૧૯) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વગેરે પુદ્ગલના લક્ષણ જાણવા. ચેતના, અરૂપીપણું વગેરે જીવના લક્ષણ જાણવા. જીવનું પુદ્ગલથી અલગ સ્વતંત્ર અસ્તિત્વ પ્રગટે તે માટે દરેકે જાગૃત થવું.(૧૦/૨૦-૨૧)