Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૫૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સ્પષ્ટીકરણ :
—પંચાશક અને લલિતવિસ્તરા ગ્રંથમાં સ્વવિભવાનુસાર = સ્વસંપત્તિ અનુસારે જિનપૂજા કરવાનું કહ્યું છે. તેનાથી સ્પષ્ટ ફલિત થાય છે કે, શ્રાવકે જિનપૂજા શક્તિ અનુસારે સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ.
– લલિતવિસ્તરાકારે કહ્યું કે, શ્રાવકે સ્વવિભવાનુસાર અનુષ્ઠાન કરવું એ પ્રધાન-મુખ્ય છે.
– સ્વસંપત્તિ અનુસાર દ્રવ્યપૂજાદિ કરવામાં શ્રાવકનું તત્ત્વદર્શીપણું છે. કારણ કે, શ્રીજિનની પૂજા વિભવ (સ્વસંપત્તિ) અનુસારે કરવાનું શાસ્ત્રવચન છે.
– શ્રીજિનપૂજા વિભવ અનુસારે અર્થાત્ શક્તિ અનુસારે સ્વદ્રવ્યથી કરવાનું શાસ્ત્રવચન છે.
--
શ્રાવક જિનપૂજાને શાસ્રવચનના સહારે સ્વકર્તવ્યરૂપે જાણે છે. મારે મારા કર્મબંધનો કાપવા છે અને એ માટે શ્રીજિનપૂજા એ શ્રેષ્ઠ આલંબન છે. માટે જિનપૂજા મારા માટે ૫૨મકર્તવ્ય છે અને એ સ્વકર્તવ્યરૂપે જાણીને સ્વવિભવ અનુસારે પ્રભુપૂજા કરે છે.
– અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વનિર્દિષ્ટ બંને ગ્રંથોમાં શ્રાવકને પોતાના વિભવાનુસાર જ પ્રભુપૂજા કરવાનું જણાવ્યું છે. પરંતુ વૈભવ (સંપત્તિ) ન હોય તો પારકા (બીજાના) દ્રવ્યથી કે દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજાનું સ્વકર્તવ્ય કરવામાં વાંધો નથી, એવું જણાવ્યું નથી.આથી દેવદ્રવ્યથી સ્વકર્તવ્યરૂપ પ્રભુપૂજા કરવાનું કહેવું એ શાસ્રવચનથી વિરુદ્ધ છે અને એમાં દેવદ્રવ્યના ભક્ષણરૂપ દોષ છે.
→ તદુપરાંત, પૂર્વોક્ત પાઠમાં ‘વિભવાનુસાર’ જિનપૂજાનું વિધાન કર્યું છે. પરંતુ વિભવ (સંપત્તિ) હોવા છતાં પણ ભાવના ન હોય તો દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરી લેવાનું કહ્યું નથી. અર્થાત્ શક્તિસંપન્ન પણ ભાવનાહીન શ્રાવક સ્વસંપત્તિને ઘરમાં રાખી મૂકી દેવદ્રવ્યથી