Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૧૦૫
થતાં પુણ્યની પ્રાપ્તિ અન્યને (તે ધન જેનું છે તેને) થાય એવી ભાવના ભાવે તો જ એની ચિત્તની નિર્મલતા થાય છે અને એમ થતાં એ ધર્મકાર્યથી સમ્યગ્દર્શનાદિ આત્મિક લાભો પ્રાપ્ત થાય છે. જો અન્યના ધનથી થતાં પુણ્યની પ્રાપ્તિ અન્યને થવાની ભાવના ન ભાવે તો તે સાચી પ્રામાણિકતા નથી અને એ વિના ચિત્તની નિર્મલતા થતી નથી અને એ વિના પૂર્વનિર્દિષ્ટ આત્મિક લાભો પણ પ્રાપ્ત થતા નથી. આથી આત્માર્થી જીવ ધર્મકાર્યમાં અન્યનું ધન સ્વીકારે નહીં. શ્રાદ્ધવિવિધ ગ્રંથમાં પણ આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આગળ જણાવાશે.”
– ષોડશક ગ્રંથનું આ વિધાન પણ પરદ્રવ્યથી ધર્મકાર્ય કરવાની ના જ પાડે છે અને જો પારકા દ્રવ્યથી પુણ્ય કરવાના વિચાર અયોગ્ય હોય, તો દેવદ્રવ્યથી પૂજા કરવાનો વિચાર તો અનુચિત જ કહેવાય ને ?
બીજી વાત, ગરીબ માણસ રોટલો ખાતો હોય અને બાજુના ઘરમાં લાડું ખવાતા હોય, તો ગરીબ માંગે કે મને લાડું આપો ? ન જ માંગે. પરંતુ તે સુખી માણસ તેમને જમવાનું આમંત્રણ આપે તો જાય કે નહીં ? જાય જ. તેવી જ રીતે શ્રાવક પોતાની શક્તિ મુજબ પૂજા કરે અને તેવી શક્તિ ન હોવાથી પૂજા ન કરી શકે તો દેરાસરનું અન્ય કર્તવ્ય કરે તેમ છતાં અન્ય કોઈ સાધર્મિક આગ્રહ કરીને કહે કે, મને લાભ આપો, તો લાભ પણ આપે, પરંતુ બીજાનું દ્રવ્ય લઈને પૂજા કરવાનો વિચાર પણ ન કરે, તો દેવદ્રવ્યથી પૂજા કરવાનો વિચાર તો આવે જ ક્યાંથી ?
→> અહીં અભયંકરશ્રેષ્ઠીના બે નોકરની વિચારધારા...ઉલ્લેખનીય
છે...
એકવાર એ બન્ને નોકરો એકલા બેઠા બેઠા વાતો કરતા હતા. તેમાં પોતાના શેઠની વાત નીકળી. બન્ને જણા વિચારવા લાગ્યા કે ‘આપણા શેઠ બહુ ભાગ્યશાળી ! આપણા શેઠના ત્રણેય ભવ સારા ! કેમ કે, પૂર્વભવમાં આપણા શેઠે સારા કાર્યો કરેલાં, એટલે આ ભવમાં આપણા શેઠ પુણ્યનો ભોગવટો કરી રહ્યા છે અને આ ભવમાં શેઠ એવાં કાર્યો કરે છે કે, જેથી તે આવતા ભવમાં પણ સુગતિ પામીને સુખને જ ભોગવનારા બનવાના !' પોતાના શેઠ અંગે આવો વિચાર કરવાની સાથે એ