Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૩
૩૫૫ ધર્મના ચારે ય આમ્નાયો ઉપર ત્રાટકી રહ્યું છે. મુહપત્તિ, મંદિર, સંવત્સરી, મુક્તિ, તીર્થ સંબંધિત મતભેદોને દફનાવી દેવાની વાતો દ્વારા મુહપત્તિ આદિ અંગના સિદ્ધાંતોને જ દફનાવી દેવાના હેતુથી, એણે ભારે ગોકીરો મચાવ્યો છે.
સિદ્ધાંતના ભોગે મતભેદો દૂર થતા હોય કે કજિયા ઓછા થતા હોય તો ય તે ખોટું છે. ફ્લેશોનું ઉન્મેલન જરૂર સુંદર છે. પરંતુ સિદ્ધાન્તનો ભોગ લઈને કદાપિ નહિ.
લેણદાર પાસે સો રૂપિયા લેવાના નીકળે છે અને પ્રથમ તબક્કામાં જ તેની માંડવાળ કરી નાંખીને તેની સાથે ક્લેશ પતાવી દેવાનું કામ કોઈ પણ શાણો વેપારી કરતો નથી.
દેશ ઉપરના આક્રમણ વખતે શત્રુની માંગણી પૂરી કરી આપીને યુદ્ધનાં બજતાં નગારાં બંધ કરી દેવાનું એલાન આપનાર સેનાપતિ નિર્માલ્ય ગણાય છે.
તિજોરી લૂંટીને જતા ચોર સાથે ક્લેશના ભયથી કશો ય મુકાબલો નહિ કરનાર માણસ મર્દ ગણાતો નથી, મુડદાલ ગણાય છે.
એકતા કે સંગઠન અત્યંત જરૂરી છે, પણ બધાં કપડાં ઉતારી આપીને જો એકતા કે સંગઠન કરવાનાં હોય તો તે હરગિજ મંજૂર નથી. (શ્રમણ સંમેલનમાં એકેય કપડાં ઉતારવામાં બાકી રાખ્યું છે?) એમાં ય ધર્મ તો સમગ્ર વિશ્વના સર્વ જીવોના હિતની જીવાદોરી છે. એના સિદ્ધાંતોનો આડેધડ ભોગ આપી દઈને એકતાઓ કરવાનો આપણને શો અધિકાર ? એવી એકતાઓ સસ્તી કીર્તિ કમાઈ લેવા સિવાય બીજું કયું ફળ આપે છે? વળી એવી સિદ્ધાંતહીન એકતાઓનું આયુષ્ય પણ કેટલું ? અંતે તો એકતાથી જ અનેકતા.... યાદવાસ્થળી સર્જાય છે. નામ જ એકતાનું પણ પરિણામ લડાઈનું...વધુ દૂર જવાનું...વધુ વેર ઊભું કરવાનું.
જો આટલી જ વાત બધાયને સમજાઈ જાય તો મને લાગે છે કે બુદ્ધિવાદનાં તોફાનો સામે પ્રત્યેક જૈન સપ્ત શબ્દોમાં બોલતો થઈ જાય. (જો આપને જ આજે આપની વાત ન સમજાઈ શકતી હોય તો અન્ય પાસે શી અપેક્ષા ?)
યાદ રાખો કે ધર્મ તો એના મૂળભૂત સ્વરૂપે જ પ્રકાશે અને વિસ્તરે ભલે પછી તેનું ક્ષેત્ર કદાચ નાનું પણ હોય.