Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૮૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વિચારણાઓ માંગી લે તેવી છે...પ્રાયઃ બધી જગ્યાએ સાધારણ ખાતું તોટામાં છે. દર વર્ષે એ તોટાને પૂરો કરવા માટે પૂજનીય ત્યાગી ગુરુભગવંતો સારી એવી પ્રેરણા કરે છે...અને એ પ્રેરણાના પ્રતાપેઠીકઠીક રકમ એકઠી થઈ જાય છે. પરંતુ આ સ્થિતિમાં લાંબુ કયાં સુધી ચાલશે...? નૂતન ઉપાશ્રયના નિર્માણમાં કે પ્રાચીન ઉપાશ્રયના જીર્ણોદ્ધારમાં જરૂરી રકમલાવવી ક્યાંથી? જે ગામડાઓમાં જૈનોનાં ઘરો જ રહ્યાં નથી એવાં ગામડાંઓનાં દેરાસરોના-ઉપાશ્રયોના નિભાવની રકમ ક્યાંથી ઊભી કરવી? વૈયાવચ્ચ ખાતાના તોટાને પણ ગામડાના લોકો પૂરો શી રીતે કરે? નબળા સાધાર્મિકોને ધર્મમાં સ્થિર કરવા માટે તેની જરૂરિયાતો પૂરી કરવી હોય તો તે અંગેની વ્યવસ્થા શી? આવા અનેક પ્રશ્નો આજે આપણી સામે છે.'
વર્તમાનમાં આ પ્રશ્નોના નક્કર ઉપાયો હલ ન થતા હોવાથી કોક કોક જગ્યાએ દેવદ્રવ્યની રકમ પણ સાધારણ ખાતામાં વપરાતી હોય તેવા પ્રસંગો જોવા મળે છે તથા તેવી વાતો સાંભળવા મળે છે...
મને પોતાને એમ લાગે છે કે શ્રી જિનમંદિરો અને શ્રી જિનમૂર્તિઓની સુરક્ષા ખાતર પૂર્વાચાર્યોએ જેમ સુપનાની ઉછામણીની પ્રથા દાખલ કરીને એ બંને ક્ષેત્રોને સુરક્ષિત કરી લીધાં છે, તેમ વર્તમાનમાં તમામ પૂજનીય ગીતાર્થ આચાર્ય ભગવંતો સાધારણ ખાતાને સદ્ધર કરે તેવી કોઈ શાસ્ત્રસાપેક્ષ નવી પ્રથાને જો અમલી બનાવે તો સાધારણ ખાતાના તોટાનો આ વિકટ પ્રશ્ન સરળતાથી હલ થઈ જવા સંભવ
છે.
જો આવું કંઈ નહિ બને તો કો'ક અપવાદને બાદ કરતાં મોટા ભાગનો વર્ગ ન છૂટકે પણ દેવદ્રવ્યનો ઉપયોગ સાધારણ ખાતામાં કરવા લાગશે અને તેના કારણે આખા ને આખા સંઘો એ દોષના ભાગીદાર બનશે...
અલબત્ત, ધર્મી અને સમજુ શ્રાવક વર્ગ આ બાબતમાં જાગ્રત થઈ જાય તો ઘણાય પ્રશ્નો હલ થઈ જાય તેવા છે. પરંતુ અત્યારે ચારેય બાજુની સ્થિતિ જોતાં
એ શક્યતા નહિવત્ છે...અને એટલે જ આ ખાતાની સુરક્ષા કોઈ નક્કર 'વિચારણા માંગી લે છે..
- મુનિ રત્નસુંદરવિજય