Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૩
૩૫૧ સવાલઃ (૪૨) દેવદ્રવ્યની રકમની સીદાતા સાધર્મિકોને લોન આપવામાં આવે તો તે યોગ્ય ખરું કે નહિ?
જવાબ: ના.. જરાય નહિ. ઘણું કરીને આવો પ્રશ્ન કરનારા ઠીકઠીક સુખી એવા શ્રીમંતો જ હોય છે. આવી વાતો કરવાની તેમણે હવે આદત પડી ગઈ છે. દેવું કશું નહિ અને વાતો કરીને સાધર્મિકોના બેલી બની જવાનો જશ ખાટવાના રાજકારણમાં તેમણે કુશળતા મેળવી લીધી છે. એક અત્યંત શ્રીમંત ભાઈએ જ ખૂબ લાંબીપહોળી કરીને મને આ વાત કરી હતી. સાધાર્મિકો માટે કાંઈક કરવું જ જોઈએ....એમ જોરજોરથી તે બોલતા હતા. જ્યારે થાકીને શાન્ત પડ્યા ત્યારે મેં ધીમા અવાજે ઠાવકા મોંએ તેમને એટલું જ કહ્યું કે સાધર્મિક ભક્તિની તમારી આંગળીમાં રહેલી ઝવેરાતની આ વીંટીથી જ આરંભ કરો.
અને...ખડખડાટ હસી પડતા, કપડાં ખંખેરતા એ ભાઈ ઊભા થઈને સડેડાટ ચાલ્યા જ ગયા !
જો શ્રીમંતો પોતે જ પોતાના પગ ઉપર કુહાડો મારે તો આ આખો પ્રશ્ન ક્યારનો ય ઊકલી જાય, પરંતુ માત્ર વાતોના ફડાકા મારીને આ જ લોકોએ આ પ્રશ્નને ખૂબ જ ગંભીર બનાવી દીધો છે.
પોતાની સંપત્તિની સુરક્ષા માટે એમણે હવે દેવદ્રવ્યની રકમ ઉપર નજર કરવાનું પાપ આચર્યું છે.
ભારતભરમાં જિનમંદિરોના દેવદ્રવ્યની સંપત્તિ છે તે બધી સંપત્તિ જો જિનમંદિરોના જીર્ણોદ્ધારમાં વાપરી નાંખવાની તમામ કાર્યવાહકો નિર્ણય લે તો પણ માંડ વીસ-ત્રીસ ટકા જેટલાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર થઈ શકે અને બાકીનાં તો જેમનાં તેમ પડી રહે.
આ કાર્ય કરવાની કોઈની ટહેલ નથી અને ઉપરથી એ રકમનું વહેણ બદલી નાખવાની કમનસીબ વાતો કરવામાં આવે છે. જો ખરેખર આ રીતે વહેણ બદલાઈ જાય તો રહ્યાં-સહ્યાં પ્રાચીન જિનમંદિરો પણ થોડા જ સૈકાઓમાં-મરામતના અભાવે ખંડિયેર બનીને ધારાશાયી બની જાય. પાડ માનીએ તે શાસ્ત્રકાર ભગવંતોને, કે જેમણે દેવદ્રવ્યની સુંદર અને અફર વ્યવસ્થાનું વિધાન કરીને અઢળક મંદિરોની મરામતનું કાર્ય જીવંત રખાવ્યું છે.