Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૨ સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે : અગત્યના પત્ર વ્યવહારો
(આ પત્ર વ્યવહાર પૂ.આ.કનકચંદ્રસૂરિજી મ.સા.ના “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” આ પુસ્તકમાંથી લીધેલ છે.)
નોંધઃ અત્રે એક મહત્ત્વનો અને સમસ્ત ભારતભરના શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘને હંમેશને માટે શાસ્ત્રાનુસારી માર્ગદર્શન પ્રાપ્ત થાય તે એક શુભ ઉદ્દેશથી નીચેનો પત્ર વ્યવહાર પ્રસિદ્ધ થઈ રહેલ છે.
તેનો ઇતિહાસ આ મુજબ છે. વિ.સં. ૧૯૯૪ની સાલમાં શાંતાક્રુઝ ખાતે પૂ. પાદ સિદ્ધાંતમહોદધિ, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાથી પૂ. મુનિવરો શ્રી પર્યુષણ પર્વની આરાધના માટે શ્રી સંઘની વિનંતિથી પધાર્યા હતા. તે સમયે સંઘના કેટલાક ભાઈઓની ભાવના સાધારણ ખાતાના ખર્ચને પહોંચી વળવા સુપનની બોલીમાંના ઘીના ભાવ વધારીને તે ભાવ વધારો સાધારણમાં લઈ જવાની થઈ. તે વાત સંઘમાં જ્યારે ઠરાવરૂપે મૂકાઈ ત્યારે તે ચાતુર્માસમાં શ્રી પર્યુષણાપર્વની આરાધના કરાવવા શ્રી સંઘની વિનંતિથી પધારેલા પૂ.મુનિ મહારાજાઓએ તેનો સારી રીતે વિરોધ કરતાં જણાવ્યું કે “આ વસ્તુ વ્યાજબી થતી નથી. શાસ્ત્રાનુસારી તથા વ્યવહારૂ પણ નથી. સ્વપ્નાની બોલીમાં આમ સાધારણ ખાતાની ઉપજ ભેળવી દેવાય નહિ. અમારો આને અંગે સ્પષ્ટ વિરોધ છે, ને વધુમાં તેઓએ જણાવ્યું કે, સંઘે આવી બાબતમાં નિર્ણય લેતાં પહેલાં વર્તમાન કાલમાં જૈન સંઘમાં બિરાજમાન પૂ. સુવિદિત શાસનમાન્ય આચાર્ય ભગવંતોને પૂછી જોવું જોઈએ ને ત્યારબાદ તેઓશ્રીની સમ્મતિથી જ, આ વિષયમાં નિર્ણય લઈ શકાય.”
આથી તે વખતે શ્રી શાંતાક્રુઝ સંઘના પ્રમુખ સુશ્રાવક જમનાદાસ મોરારજી જે.પી.એ આ હકીકતને માન્ય કરીને સમસ્ત ભારતમાંથી જૈન શ્વે. મૂ. પૂ. સંઘમાં તેમાંયે તપાગચ્છ શ્રી સંઘમાં વિદ્યમાન પૂ. આચાર્ય ભગવંતોને આ વિષયમાં પત્ર લખેલ, ને તેના જે જે પ્રત્યુત્તર પ્રાપ્ત થયેલ તે બધું સાહિત્ય વિ.સં. ૧૯૯૫ના મારા લાલબાગ-જૈન ઉપાશ્રયના ચાતુર્માસ દરમ્યાન મને સુશ્રાવક નેમિદાસ અભેચંદ-માંગરોલ નિવાસી તરફથી પ્રાપ્ત થયેલ. તે મેં પ્રથમ “કલ્યાણ' માસિકમાં પ્રસિદ્ધ કરવા આપેલ અને આજે ફરીથી તે પત્ર વ્યવહાર ગ્રંથસ્થ થાય તેમ અનેક સુશ્રાવકોની ભાવનાને સ્વીકારીને અત્રે તે પ્રસિદ્ધ થઈ રહેલ છે. - સંપાદક