________________
૯૨
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬ જીવોનો આરંભ થાય, જીવોને પીડાની પ્રાપ્તિ થાય તેવી ક્રિયા તે જીવ વિષયક આરંભક્રિયા છે. વળી જે પાટલા અથવા અજીવ સાધનો એક સ્થાનથી અન્ય સ્થાને મૂકવા લઈ જવા તે અજીવ વિષયક આરંભક્રિયા છે. આ ક્રિયા કરતી વખતે જેટલો આરંભ-સમારંભનો સંભવ છે અને તેની ઉપેક્ષા કરીને આરંભ-સમારંભ કરવાનો પરિણામ છે તેને અનુરૂપ સાંપરાયિક આશ્રવ છે. (૨૨) પરિગ્રહક્રિયા -
પારિગ્રહિકીક્રિયા બે પ્રકારની છે : જીવપરિગ્રહક્રિયા અને અજીવપરિગ્રહક્રિયા. જે જીવો દાસ, દાસી, કુટુંબ પરિવારની વૃદ્ધિવાળા છે તેઓ તે પ્રકારના ઘણા પરિગ્રહવાળા છે, તેઓની તે ક્રિયા જીવ વિષયક પારિગ્રહિક ક્રિયા છે. તે રીતે જે જીવો ધન ધાન્યાદિ અજીવના પરિગ્રહવાળા છે, તેને અનુરૂપ મમત્વબુદ્ધિ કરીને તેના સંચય કે વૃદ્ધિ માટે યત્ન કરી રહ્યા છે તેઓની ક્રિયા અજીવ વિષયક પારિગ્રહિકીક્રિયા છે. તેઓને તેમના પરિણામને અનુરૂપ પરિગ્રહક્રિયા નામના સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. (૨૩) માયાક્રિયા:
માયાપ્રત્યયિકક્રિયા બે પ્રકારની છે : આત્મભાવવંચના અને પરભાવવંચના. જેઓ પોતાના ભાવને ગોપવે છે તેથી પોતે માયાવી હોવા છતાં પોતે સરળ સ્વભાવના છે તેમ બતાવવા યત્ન કરે છે અથવા પોતે સંયમમાં શિથિલ હોવા છતાં ચારિત્રના ફટાટોપને બતાવે છે અર્થાત્ પોતે સમિતિપૂર્વક ચાલે છે, ગુપ્તિમાં છે, તે પ્રકારે લોકો આગળ દેખાય તેમ પ્રયત્ન કરે છે તેઓને આત્મભાવવંચના નામની માયાપ્રત્યયિકક્રિયાની પ્રાપ્તિ છે. વળી પરભાવવંચના કૂટપ્લેખ કરવા આદિથી થાય છે. આ પ્રકારે બે પ્રકારની માયામાંથી કોઈ માયાથી પ્રેરાઈને જીવ પ્રવૃત્તિ કરે છે ત્યારે માયાની ક્રિયારૂપ સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. તેના પરિણામની તીવ્રતા અતીવ્રતા, નિવર્તનીયતા અનિવર્તિનીયતાના ભેદથી માયાપ્રત્યયિકીક્રિયાકૃત સાંપરાયિક આશ્રવની તરતમતાની પ્રાપ્તિ છે. (૨૪) મિથ્યાદર્શનક્રિયા -
મિથ્યાદર્શનક્રિયા બે પ્રકારની છે : આભિગ્રહિકમિથ્યાદર્શનક્રિયા અને અનાભિગ્રહિકમિથ્યાદર્શનક્રિયા. જેઓએ એકાંતદર્શનનો સ્વીકાર કર્યો છે તેઓ પદાર્થને એકાંતે જોવાની દૃષ્ટિને પ્રવર્તાવીને મિથ્યાદર્શનની ક્રિયા કરે છે. જેમ પરદર્શનવાળા સ્વ-સ્વ દર્શનના તે તે નયને એકાંતે જોનારા હોવાથી મિથ્યાદર્શનની ક્રિયા કરે છે, તેમ પૂલથી જૈનદર્શનને સ્વીકાર્યા પછી પદાર્થના વાસ્તવિક દર્શનમાં જેમની બુદ્ધિ વ્યામોહવાળી છે, તેઓ પણ પદાર્થને તે-તે સ્થાનમાં એકાંતે જોનારા છે. દા. ત. સ્યાદ્વાદને માનનાર દિગંબરમત વસ્ત્રાદિ પરિગ્રહ ધારણ કરનારને એકાંતે પરિગ્રહધારી જ સ્વીકારે છે. તે રીતે સ્યાદ્વાદની મર્યાદાના બોધ વગરના જીવો અજ્ઞાનવશ કે મૂઢતાને વશ મિથ્યાદર્શનમાં પ્રવૃત્ત હોય ત્યારે આભિગ્રહિકીમિથ્યાદર્શનિકીક્રિયા કરે છે. વળી એકેન્દ્રિય આદિ જીવો કે અન્ય મનુષ્ય આદિ માત્ર બાહ્ય પદાર્થને જોનારા જીવો તથા કોઈ દર્શન પ્રત્યેના વલણ વગરના જીવો અનાભિગ્રહિકીમિથ્યાદર્શનિકીક્રિયા કરે છે.