________________
૧૫૯
તસ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩/ અધ્યાય-૭ / સૂત્ર- નથી. તેથી પ્રમોદભાવનાના અર્થી એવા સાધુએ અને શ્રાવકે સદા સૂક્ષ્મ અવલોકન કરીને તેઓના અધિક ગુણોમાં તે રીતે બહુમાન આદિ કરવું જોઈએ, જેથી પોતાને પણ તેવા પ્રકારના વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થાય.
(૩) કરુણાભાવના :ક્લિશ્યમાન જીવોમાં કરુણાની ભાવના કરવી જોઈએ. કારુણ્ય અનુકંપા છે, દિનનો અનુગ્રહ છે. તે કારુણ્ય કયા કયા જીવોમાં થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે મહામોહથી અભિભૂત જીવો છે, તેઓના પ્રત્યે કરુણાનો પરિણામ કરીને મહાત્મા વિચારે છે કે હું શું કરું કે જેથી તેઓનો મહામોહ ઘટે અને તત્ત્વની વિચારણા પ્રગટે ? આ વિચારણા કરુણાભાવના છે.
આશય એ છે કે જે જીવોને આત્માના હિત વિષયક કોઈ વિચાર પ્રગટ્યો નથી, પરંતુ મોહને વશ કેવલ ભોગ-વિલાસ આદિમાં ચિત્ત વર્તે છે, છતાં ઉચિત નિમિત્તોને પામીને તેઓનું હિત થઈ શકે તેવું જણાય ત્યારે મહાત્મા વિચારે છે કે હું શું પ્રયત્ન કરું ? કે જેથી આ જીવો આત્મહિત વિષયક ઉચિત વિચારણા કરીને પોતાનું હિત સાધે. આ પ્રકારની ભાવના કરવાથી તે તે પ્રકારના યોગ્ય જીવોનું હિત થાય તે પ્રકારે દયાળુ ચિત્ત બને છે અને તેવા પ્રકારનો પ્રસંગ પ્રાપ્ત થતાં તે જીવોના હિતને અનુકૂળ વ્યાપાર થાય છે.
વળી કેટલાક જીવો મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનથી પરિણત છે, તેથી તેઓ આત્માના હિત અર્થે ધર્માદિ પ્રવૃત્તિ કરતા હોય તોપણ અજ્ઞાનને વશ વિપરીત પ્રવૃત્તિ કરીને અહિત સાધે છે. આવા જીવોમાં અનુકંપાબુદ્ધિ થાય તે પ્રકારે ભાવન કરવાથી તેવા જીવોના અજ્ઞાનને જોઈને દ્વેષ થતો નથી પરંતુ હું શું કરું જેથી તેઓનું હિત થાય ? એ પ્રકારની નિર્મળબુદ્ધિ પ્રગટે છે. તેથી ઉચિત સંયોગો પ્રાપ્ત થાય તો તેઓના અજ્ઞાનનું નિવર્તન કરાવીને તેઓને જિનાજ્ઞાની પ્રાપ્તિ થાય તે પ્રકારે ઉચિત યત્ન થાય છે, અને ઉચિત યત્ન થવાનો સંયોગ ન હોય તોપણ તે પ્રકારની કરુણાભાવનાથી ભાવિત થયેલા જીવોને તે જીવોનું હિત કરવાનો પરિણામ સદા વર્તે છે. આ ભાવના તેઓ જ સમ્યગુ કરી શકે છે જે જીવોમાં સમ્યજ્ઞાન વર્તતું હોય. જેઓને પોતાને જ સમ્યજ્ઞાન નથી તેઓ શબ્દથી તેવી ભાવના કરે તોપણ મતિઅજ્ઞાન આદિ વિપરીત જ્ઞાનના પરમાર્થને જાણનારા ન હોવાના કારણે પોતાનામાં વર્તતા વિપરીત જ્ઞાનને પણ નિવારણ કરવા ઉદ્યમ કરી શકતા નથી તો અન્યના અજ્ઞાનના નિવારણનો ઉચિત યત્ન કઈ રીતે કરી શકે ? અને અન્યના અજ્ઞાનના નિવારણની પારમાર્થિક ભાવના પણ કઈ રીતે કરી શકે ? અર્થાત્ જેઓને પોતાનામાં વર્તતું અજ્ઞાન પણ યથાર્થ જ્ઞાનરૂપ ભાસે છે તેઓ મતિઅજ્ઞાન આદિ અજ્ઞાન અને મતિજ્ઞાન આદિ જ્ઞાનના ભેદને જાણવા જ સમર્થ નથી. વળી વિષયની તૃષારૂપ અગ્નિથી દહ્યમાન માનસવાળા જીવોમાં કરુણાભાવના ભાવવી જોઈએ.
તેથી એ પ્રાપ્ત થાય કે કેટલાક જીવોને વિષયની ઉત્કટ પરિણતિ વર્તતી હોવાથી વિષયોને છોડવાની ઇચ્છા હોય તોપણ છોડી શકતા નથી અને કેટલાક જીવોને ઉત્કટ ઇચ્છાને કારણે છોડવાનો પરિણામ પણ