________________
૧૮૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૬ સાવદ્ય યોગનો પરિહાર પોતાના દ્વારા સ્વીકારાયેલા દિશાના પરિમાણથી અન્ય ક્ષેત્ર વિષયક શ્રાવકને પ્રાપ્ત થાય છે. (૨) દેશાવગાસિકવત :
દિવ્રત ગ્રહણ કર્યા પછી પ્રતિદિન દિશાને અત્યંત સંકોચ કરવા અર્થે શ્રાવક દેશાવગાસિકવ્રત ગ્રહણ કરે છે. આ વ્રતમાં શ્રાવક પ્રતિદિન દિવસના ઉચિત કાળ માટે દિશાનો અત્યંત સંકોચ કરે છે. દેશાવગાસિકવ્રતમાં ઘરના એક ઓરડામાં અમુક સમય સુધી હું રહીશ તેવી કાલાવધિથી શ્રાવક દિશાનો સંકોચ કરે છે, જેથી પોતાના આખા ઘરમાં પણ ગમનાગમનનો પ્રતિષેધ થાય છે, અથવા પોતાના ગૃહથી બહાર અમુક સમય સુધી હું જઈશ નહીં એ પ્રમાણે સંકોચ કરે છે, અથવા પોતાના ગામની સીમાદિને આશ્રયીને સંકોચ કરે છે. આ પ્રકારના સંકોચથી તેટલા સમય માટે તે ક્ષેત્રથી અધિક ક્ષેત્ર સાથે પણ અગમનના પરિણામરૂપ સંવરભાવની પ્રાપ્તિ થાય છે. આ રીતે ક્ષેત્રનો સંકોચ કરતાં કરતાં, આત્માના પોતાના શુદ્ધભાવોને છોડીને અન્યત્ર ગમનના નિષેધને અનુકૂળ શક્તિનો સંચય શ્રાવક કરે છે.
અહીં (પચ્ચખ્ખાણને આશ્રયીને) કાળની અવધિ જઘન્યથી બે ઘડીની છે. તેથી બે ઘડી કે તેનાથી અધિક કાળમર્યાદાને આશ્રયીને શ્રાવક ક્ષેત્રનો સંકોચ કરે છે અને પ્રતિદિવસ ભાવન કરે છે કે સુસાધુઓ સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવો પ્રત્યે સર્વથા પ્રતિબંધ વગરના સંશ્લેષ વગરના, હોય છે, મારે પણ તે પ્રકારે સર્વત્ર સંશ્લેષ વગરના થવું છે. દેશાવગાસિકવ્રતમાં શ્રાવક કિંચિત્ કાળ સુધી જેમ ક્ષેત્રનો સંવર કરે છે તેમ ઉપલક્ષણથી ભોગોપભોગમાં પણ કિંચિત્ કાળ સુધી સંકોચ કરે છે; તેટલું જ નહીં, પાંચ અણુવ્રતો જે ગ્રહણ કર્યા છે તેમાં પણ સર્વવિરતિને અનુકૂળ વિશેષ સંકોચ કરે છે, જે સંકોચના બળથી સર્વત્ર અપ્રતિબદ્ધ માનસવાળા-મુનિ તુલ્ય થવાને અનુકૂળ શક્તિસંચયનો અધ્યવસાય પ્રગટે છે.
વળી દેશાવગાસિકવ્રતથી પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતોમાં વિશેષથી સંકોચ કરાવવામાં આવે છે તે બતાવવા માટે જ ભાષ્યકારશ્રીએ કહ્યું કે તે ક્ષેત્રથી પરના ક્ષેત્રમાં સર્વ જીવોમાં અર્થથી અને અનર્થથી સર્વ સાવદ્ય યોગનો નિક્ષેપ થાય છે=અર્થદંડથી થતા સાવદ્ય યોગ અને અનર્થદંડથી થતા સાવદ્ય યોગનો પરિહાર થાય છે. માટે શ્રાવકે પોતાના ચિત્તની ભૂમિકાનું સમ્યગુ સમાલોચન કરીને જે પ્રમાણે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનું બાહ્ય આરંભ સમારંભથી નિવર્તન કરી શકે અને છ કાયના પાલન માટે જે પ્રકારનું દયાળુ ચિત્ત કરી શકે તે પ્રકારે યત્ન કરવો જોઈએ, જેથી દેશાવગાસિકવ્રત ઉત્તર-ઉત્તર વૃદ્ધિને પામીને સર્વથા નિરવદ્ય જીવનનું કારણ બને. (૩) અનર્થદંડવિરમણવ્રત:
શ્રાવક મોક્ષનો અર્થ હોય છે, મોક્ષનો એક ઉપાય સર્વ સાવદ્ય યોગની વિરતિ છે, આ સર્વવિરતિની પ્રાપ્તિ વિષયક શક્તિનો સંચય કરવા અર્થે (જીવનજરૂરી) ભોગોપભોગ સિવાય કોઈ નિરર્થક પ્રવૃત્તિ કરીને કર્મબંધ ન થાય તેના સંકોચ અર્થે શ્રાવક અનર્થદંડની વિરતિ કરે છે. હજી ભોગોપભોગની વૃત્તિ સર્વથા નાશ પામી નથી તેથી તે ભોગપભોગની વૃત્તિનો સંકોચ કરીને અશક્યપરિહાર જણાય ત્યારે તે ભોગપભોગની