________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૦, ૨૧
૧૯૩ અનુસાર ત્રસ જીવોની રક્ષા માટે અને સ્થાવર જીવોની પણ રક્ષા માટે જેઓ ઉચિત યતના કરે છે તેઓને વધ-બંધાદિ અતિચારની પ્રાપ્તિ થતી નથી. (૩) છવિચ્છેદઅતિચાર :
વળી વૃક્ષના કાષ્ઠ આદિની ત્વચાનું છેદન કરે તો પહેલા અણુવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. શ્રાવક ગૃહકાર્યમાં વનસ્પતિ આદિનો ઉપભોગ કરે છે ત્યારે રાંધવામાં છેદન-ભેદનની ક્રિયાઓ થાય છે, છતાં તેમાં શક્ય એટલી યતના રાખે છે અને અશક્ય પરિહાર હોય તેટલું જ છેદન-ભેદન કરે છે. અધિક સંકોચવાળા શ્રાવકો વનસ્પતિ આદિનો ઉપયોગ ન થાય તે રીતે પણ પહેલું અણુવ્રત ગ્રહણ કરે છે. આથી જ પોતાના માટે ભોજનાદિ કરાયું ન હોય તેવું જ ભોજન ગ્રહણ કરે છે. જેમ વીરપ્રભુએ નંદીવર્ધનરાજાની બે વર્ષ ગૃહવાસમાં રોકાણ સંબંધી વિનંતીનો સ્વીકાર કરતાં કહેલ કે હવે પછી મારા માટે કોઈ આરંભનાં કૃત્યો કરવાં નહીં'. તેમ શ્રાવકની પ્રતિમા વહન કરનાર પણ કેટલાક શ્રાવકો પોતાના માટે બનેલ વસ્તુનો વપરાશ કરતા નથી; છતાં લોભને વશ કાષ્ઠની ત્વચાનું છેદન કરે તો અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે દયાળુ ચિત્ત નાશ પામે છે. (૪) અતિભારારોપણઅતિચાર -
લોભાદિને વશ થઈને પુરુષ કે પશુ આદિ ઉપર અતિભારનું આરોપણ કરવામાં આવે તો પ્રથમવ્રતનો અતિભારારોપણ નામનો અતિચાર પ્રાપ્ત થાય છે. તેથી શ્રાવકે શક્ય હોય તો એવાં કૃત્યો જ ન કરવાં કે જેથી અન્ય ઉપર ભાર આરોપણનો પ્રસંગ પ્રાપ્ત થાય; છતાં તેવું અશક્ય હોય તો દયાળુ સ્વભાવપૂર્વક અતિભારના આરોપણનું વર્જન કરવું જોઈએ. હસ્તિ આદિ ચતુષ્પદ અને નોકર-ચાકર આદિ દ્વિપદ ઉપર અતિભારનું આરોપણ ન થાય એ રીતે વ્યવસાય કરવાથી અતિભારારોપણ નામના પ્રથમ અણુવ્રતના અતિચારની પ્રાપ્તિ થતી નથી. (૫) અન્નપાનનિરોધઅતિચાર:
વળી મનુષ્ય કે પશુ આદિને અન્નપાનનો વિરોધ કરવામાં આવે તો પહેલા અણુવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. શ્રાવકે હંમેશાં પોતાના આશ્રિત જીવોના અન્નપાનની ચિંતા કરીને પછી જ ભોજન કરવું જોઈએ; કેમ કે શ્રાવક દયાળુ ચિત્તવાળા હોય છે. પહેલું અણુવ્રત દયાળુ ચિત્તને જ દઢ કરવા માટે ગ્રહણ કરાય છે. કોઈ આશ્રિતને અન્ન-પાન વગરનો રાખીને શ્રાવક ભોજન કરે તો તેના દયાળુ ચિત્તનો નાશ થાય છે, તેથી અતિચારની પ્રાપ્તિ થાય છે. ક્વચિત્ કોઈકનું અનુચિત વર્તન હોય તો કેવળ શબ્દથી જ શ્રાવક કહે કે આજે તેને ભોજન મળશે નહીં. ભોજનવેળાએ અન્યના અન્નપાનનો નિરોધ કરીને ભોજન કરે તો અતિચારની પ્રાપ્તિ થાય. I૭/૨ના અવતરણિકા - હવે ક્રમપ્રાપ્ત બીજા સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતના અતિચારોને બતાવે છે –