________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ અધ્યાય-૭ / સૂત્ર-૨૧
૧૯૫
તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકે સદા સ્મરણ રાખવું જોઈએ કે કોઈને પીડાકારી થાય તેવું વચન મારાથી બોલાય નહીં, છતાં અનાભોગાદિથી પ્રમાદને કારણે કોઈને પીડાકારી વચન બોલાય તો તે મિથ્યા ઉપદેશ છે. આથી જ ઘરમાં બેઠેલ વ્યક્તિ કોઈ ખાસ પ્રયોજન વિના કોઈક કાર્યનું સૂચન કરે, જેના કા૨ણે આરંભસમારંભ થાય તેમ હોય, તો તે મિથ્યા ઉપદેશરૂપ છે. તેથી જીવનવ્યવસ્થા માટે અતિ આવશ્યક હોય તેનો ઉચિત વિચાર કરીને જ વિવેકસંપન્ન શ્રાવક કોઈ કૃત્ય કરવાનું કોઈકને સૂચન કરે છે. આવું કોઈ પ્રયોજન ન હોય છતાં કહે કે ઊંટને વહન કરો, તો તેમ કહેવાથી ઊંટને પીડા થાય. તેથી ઊંટને પીડાકારી એવું તે વચન પ્રમત્ત વચન છે.
અયથાર્થ વચન કે અયથાર્થ ઉપદેશ એ પણ મિથ્યા ઉપદેશ છે.
જેમ કોઈક પ્રશ્ન કરે તો તેનો ઉત્તર વસ્તુ જે પ્રમાણે ન હોય તે પ્રમાણે કથન કરે તે અયથાર્થ વચન છે. આવો અયથાર્થ વચનપ્રયોગ મિથ્યા ઉપદેશ છે. અથવા કોઈ વ્યક્તિ કોઈને સલાહ આપે જે અયથાર્થ ઉપદેશરૂપ હોય જેનાથી પરને પીડા થાય; તો તેવો ઉપદેશ મિથ્યાઉપદેશ છે.
વળી કોઈના વિવાદ થયા હોય તે વખતે તેમાં કોઈકને અતિસંધાનનો ઉપદેશ આપે અર્થાત્ છલ કરીને તું આ રીતે તારો પક્ષ મજબૂત કર તે પ્રકારનો ઉપદેશ આપવામાં આવે તે મિથ્યા ઉપદેશ છે. આ પ્રકારનો મિથ્યા ઉપદેશ પોતાના સ્વાર્થ માટે પણ હોય કે નિષ્પ્રયોજન પણ હોય, તે સર્વ મિથ્યા ઉપદેશ છે. મિથ્યાઉપદેશમાં સામાન્યતયા બીજા અણુવ્રતનો ભંગ જ થાય છે, છતાં અનાભોગથી કે સહસાત્કારથી તે પ્રકારે પ્રયત્ન થયો હોય તો અતિચારની પ્રાપ્તિ થાય. વળી આના જેવા અન્ય પણ મિથ્યા ઉપદેશો છે તેનો ભાષ્યકારશ્રીએ ‘વવિ'થી સમુચ્ચય કર્યો છે.
(૨) રહસ્યઅભ્યાખ્યાનઅતિચાર :
સ્ત્રી, પુરુષના પરસ્પરથી અથવા અન્યના હાસ્ય, ક્રીડા, આસંગાદિથી રાગસંયુક્ત રહસ્યનું અભિશંસન એ રહસ્યના અભ્યાખ્યાનરૂપ સ્કૂલમૃષાવાદવિરમણવ્રતનો બીજો અતિચાર છે.
પોતાને પરિચિત સ્ત્રી-પુરુષની સાથે હાસ્યથી, ક્રીડાથી કે અત્યંત પ્રીતિ આદિથી તેઓની ગુપ્તવાતનું રાગપૂર્વક કથન કરીને આનંદ લેવા યત્ન કરવો તે બીજાવ્રતમાં અતિચાર છે. તે રીતે હાસ્યથી, ક્રીડાથી કે આસંગરૂપ અત્યંત પ્રીતિ આદિથી રાગસંયુક્ત થઈને પરિચિત સ્ત્રી-પુરુષ સિવાયના અન્ય કોઈ સ્ત્રી કે પુરુષને પણ તેમના ભૂતકાળના કોઈક પ્રસંગોનું કથન ક૨વું અને તેના દ્વારા આનંદ લેવા પ્રયત્ન કરવો તે બીજા અણુવ્રતમાં અતિચાર છે; કેમ કે તે પ્રકારના વચનપ્રયોગોથી સ્વ-પરના રાગાદિ ભાવો અને તુચ્છ ભાષણ કરવાની પ્રકૃતિનું પોષણ થાય છે. તેથી વિવેકસંપન્ન શ્રાવક બીજા અણુવ્રતના રક્ષણાર્થે સ્વભૂમિકાનુસાર વચનગુપ્તિથી ગુપ્ત થઈને ઉચિત જ સંભાષણ કરે, પરંતુ હાસ્યાદિના પ્રયોજનથી આ પ્રકારના વાર્તાલાપો કરે નહીં. અનાભોગાદિથી રહસ્યાભ્યાખ્યાન થાય તો અતિચારની પ્રાપ્તિ થાય અને નિરપેક્ષપણે તે રીતે હાસ્યાદિ કરવામાં આવે તો બીજા અણુવ્રતનો ભંગ થાય.