________________
૨૧૬
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૩૦ જે શ્રાવક સંપૂર્ણ સચિત્તઆહારનો ત્યાગ કરી શકે તેમ નથી; કેમ કે તે પ્રકારની લાલસાનો પરિહાર થયો નથી તેવો શ્રાવક પણ શક્તિ અનુસાર સચિત્ત વસ્તુના ગ્રહણની મર્યાદા કરે છે; છતાં ભોગોપભોગવ્રતની મર્યાદાથી અધિક સચિત્ત આહાર અનાભોગથી ગ્રહણ થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ છે.
વળી સચિત્ત વસ્તુ સાથે સંબંદ્ધ રહેલા આહારને ગ્રહણ કરવાની ઇચ્છા થાય અને પોતાને સચિત્તનો ત્યાગ હોય ત્યારે વિચાર થાય કે આ સચિત્ત નથી માટે હું ગ્રહણ કરું છું; તે વખતે તે આહારના ગ્રહણમાં અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે સચિત્તનો ત્યાગ કર્યા પછી સચિત્ત સાથે સંબદ્ધ વસ્તુ હોય કે સચિત્ત સાથે મિશ્ર વસ્તુ હોય, તેવી વસ્તુનો પણ અવશ્ય ત્યાગ કરવો જોઈએ, એ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે; છતાં સચિત્ત સાથે સંબદ્ધ આહાર ગ્રહણ કરવામાં આવે તો અતિચારની પ્રાપ્તિ થાય. અથવા અનાભોગ કે સહસાત્કારથી પણ સચિત્ત આહાર ગ્રહણ કરે કે સચિત્તસંબદ્ધ આહાર ગ્રહણ કરે કે સચિત્તસંમિશ્ર આહાર ગ્રહણ કરે તો અતિચારની પ્રાપ્તિ થાય; એટલું જ નહીં પણ સચિત્તની મર્યાદાથી અધિક સચિત્ત ગ્રહણ કરવાનો કે સચિત્તસંબદ્ધ છે માટે સચિત્ત નથી તેમ વિચારીને ગ્રહણ કરવાનો વિચાર માત્ર કરે તોપણ ક્રમશઃ અતિક્રમાદિથી અતિચારની પ્રાપ્તિ થાય. માટે શ્રાવકે સતત સંપૂર્ણ ભોગ રહિત અવસ્થાની પ્રાપ્તિનું કારણ બને તે પ્રકારના ભોગના દેશસંવરના અધ્યવસાયપૂર્વક ભોગ-ઉપભોગની પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી કોઈ અતિચારની પ્રાપ્તિ થાય નહીં.
વળી કેટલીક સચિત્ત વસ્તુ અચિત્ત સાથે સંબદ્ધમાત્ર હોતી નથી, પરંતુ તે રીતે મિશ્ર હોય છે કે સચિત્ત અને અચિત્ત બન્નેનો વિભાગ કરીને છુટું કરી શકાય નહીં. જેમ કોઈ સચિત્ત રસ સાથે અન્ય અચિત્ત રસ મિશ્ર થાય ત્યારે તે સચિત્તમિશ્ર બને છે તેવી વસ્તુ ગ્રહણ કરવાથી અથવા સચિત્ત સાથે સંબંધિત વસ્તુને છૂટી કરીને ગ્રહણ કરવાથી અતિચારની પ્રાપ્તિ છે. (૪) અભિષવાહારઅતિચાર :
અનેક દ્રવ્યોના મિશ્રણથી થનાર સૂરા=મદ્ય, આદિ દ્રવ્યો અભિષવાહાર છે. તેમાં કોઈક સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ હોવાની સંભાવના રહે છે. વળી તે વિકારનાં ઉત્તેજક દ્રવ્યો છે. તેથી શ્રાવક ભોગોપભોગ વ્રતનું પરિમાણ કરે ત્યારે તેવાં દ્રવ્યોનો ત્યાગ કરે છે, છતાં અનાભોગાદિથી કે મનના વિકલ્પરૂપે અતિક્રમાદિથી તેનું સેવન થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. (૫) દુષ્પક્વાહારઅતિચાર:
ભોગોપભોગપરિમાણવ્રતને ગ્રહણ કરનાર શ્રાવક જેમ સચિત્તનો ત્યાગ કરે છે તેમ સચિત્તની મિશ્રતાની સંભાવનાના કારણે દુષ્પક્વાહારનો પણ ત્યાગ કરે છે. આમ છતાં અનાભોગાદિથી તેવો આહાર ગ્રહણ થાય તો અતિચારની પ્રાપ્તિ થાય. “આ દુષ્પક્વાહાર છે' તેવું જાણવા છતાં તેને ગ્રહણ કરવાનો વિચાર માત્ર કરે તો પણ અતિક્રમ આદિના ક્રમથી અતિચારની પ્રાપ્તિ થઈ શકે છે. વળી દુષ્પક્વાહાર આરોગ્યનો પણ નાશક છે, તેથી આલોક માટે પણ અહિતકારી હોવાથી વિવેકી શ્રાવક ગ્રહણ કરે નહીં.