________________
૨૨૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર–૩૪ વિશેષ છે અને તેના વિશેષથી=દાનધર્મના વિશેષથી, ફૂલનો વિશેષ છે=પુણ્યબંધ અને નિર્જરારૂપ ફલનો વિશેષ છે. ત્યાં વિધિવિશેષ એટલે દેશ, કાળ સંપત્, શ્રદ્ધા, સત્કાર, ક્રમ, કલ્પનીયત્વ એ વગેરે છે. દ્રવ્યવિશેષ અન્નાદિના જ સારજાતિવાળા ગુણના ઉત્કર્ષનો યોગ છે. દાતૃવિશેષ પ્રતિગૃહીતામાં અસૂયાનો અભાવ, ત્યાગમાં અવિષાદ, અપરિભાવિતા=આપ્યા પછી લેનારના પરિભવનો અભાવ, આપવાની ઇચ્છાનો પ્રીતિયોગ, આપવાની ક્રિયાનો પ્રીતિયોગ, અપાયેલી વસ્તુનો પ્રીતિયોગ, કુશલ અભિસંધિતા, દુષ્ટફલ અનપેક્ષિતા, નિરુપધિપણું, અનિદાનપણું એ દાતૃવિશેષ છે=દાતાનો વિશેષ છે. પાત્રવિશેષ=સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપસંપન્નતા છે.
રૂતિ શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. II૭/૩૪||
આ પ્રમાણે તત્ત્વાર્થાધિગમ નામના અર્હત્ત્રવચનસંગ્રહમાં સાતમો અધ્યાય સમાપ્ત થયો ॥ ભાવાર્થ:
સુપાત્રમાં અપાયેલા દાનથી જીવને ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. ત્યાં જીવના પરિણામને અનુસાર જ પુણ્યબંધ કે નિર્જરા થાય છે તોપણ પુણ્યબંધ કે નિર્જરાને અનુકૂળ અધ્યવસાયની નિષ્પત્તિ પ્રત્યે વ્યવહારનયની દૃષ્ટિથી વિધિવિશેષાદિ કારણો છે, તેને પ્રસ્તુત સૂત્રમાં ગ્રંથકારશ્રી બતાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે દાનની ક્રિયામાં વિધિવિશેષ હોય તેના કારણે દાનમાં વિશેષતા આવે છે.
વળી દાનમાં અપાતા દ્રવ્યવિશેષને કારણે પણ દાનમાં વિશેષતાની પ્રાપ્તિ છે. તેથી જેટલું ઉત્તમ દ્રવ્ય તેટલો ભાવનો પ્રકર્ષ પ્રાયઃ થાય છે, માટે દ્રવ્યવિશેષથી દાનની વિશેષતા છે. વળી દાન આપનાર જેટલો વિવેકસંપન્ન હોય તેટલો તેના વિવેકના ભેદથી દાનનો ભેદ પડે છે. વળી દાન ગ્રહણ કરનાર પાત્રના ભેદથી પણ દાનનો ભેદ પડે છે. વળી દાનના ભેદ પ્રમાણે નિર્જરારૂપ કે પુણ્યબંધરૂપ ફલમાં પણ ભેદ પડે છે. વિધિવિશેષ :
દાનમાં વિધિવિશેષ શું છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે
દાન આપનાર વ્યક્તિ પોતે જે દેશમાં રહેતો હોય તે દેશને અનુરૂપ કયું ઉચિત દાન છે ? તેનો નિર્ણય કરીને તેવી જ વસ્તુનું દાન કરે તો તે દેશને અનુરૂપ અપાયેલું દાન વિધિવિશેષવાળું કહેવાય અને તેનો વિચાર કર્યા વગર કોઈ દાન આપે તો તે દાનમાં દેશરૂપ અંશ વિધિપૂર્વકનો નથી.
-
વળી ऋतु આદિ કયા કાળે સાધુના સંયમજીવનમાં કઈ વસ્તુ ઉપકા૨ક છે ? તેનો નિર્ણય કરીને કાળને અનુરૂપ દાન કરે તો તે કાલને આશ્રયીને વિધિપૂર્વક છે.
વળી પોતાની જે સંપત્તિ છે તેને અનુરૂપ ઉચિત દાન કરે તો તે વિધિપૂર્વકનું દાન છે; પરંતુ પોતાની પાસે પ્રચુર સંપત્તિ હોવા છતાં દરિદ્રની જેમ દાન કરે તો તે વિધિપૂર્વકનું દાન કહેવાય નહીં.
વળી ગુણવાનના ગુણોના સ્મરણપૂર્વક, તેમના ગુણો પ્રત્યેની રુચિપૂર્વક દાન અપાય તો શ્રદ્ધારૂપ વિધિ અંશ છે. આવા પ્રકારની રુચિ વગર સામાન્યથી દાન અપાય તો શ્રદ્ધારૂપ વિધિ અંશની ન્યૂનતા છે.