________________
૨૦૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૩ પ્રવૃત્તિ હોય તે પ્રવૃત્તિ પ્રત્યે “આ પ્રવૃત્તિ કરવા જેવી છે' તેવી પરિણતિ થાય તો મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. માટે શ્રાવકે પરવિવાહના કરણમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. તે સિવાય પુત્રાદિના શીલ રક્ષણાર્થે, તેઓ ઉન્માર્ગગામી ન થાય તદર્થે ઔચિત્યપૂર્વક ઉચિત યત્ન કરવો જોઈએ. વળી પરવિવાહકરણને ચોથાવતના અતિચારરૂપે કહેલ છે તેનું કારણ પોતે જે ચોથું વ્રત ગ્રહણ કર્યું છે તેને હું ઉલ્લંઘન કરતો નથી, ફક્ત હું તો પરનાં લગ્ન કરાવું છું તેવી બુદ્ધિ હોવાથી વ્રત સાપેક્ષ કંઈક પરિણામ છે, છતાં પરનાં લગ્ન કરાવવામાં અબ્રહ્મની અનુમોદના છે તે અપેક્ષાએ ભંગ છે. માટે પરવિવાહકરણને અતિચાર કહેલ છે. (૨) ઇત્રપરિગૃહીતાગમન અતિચાર :
વળી, ઇત્વર પરિગૃહીતાનું ગમન ચોથાવ્રતનો અતિચાર છે. જેમ કોઈ શ્રાવકે પરસ્ત્રીગમનનું પચ્ચખાણ કરેલ હોય અને વેશ્યા સાથે સંબંધનો ત્યાગ કરવા અસમર્થ હોય તો શક્તિ અનુસાર તેનું નિયંત્રણ કરવા માટે યત્ન કરે છે; આમ છતાં જ્યારે વિકારોથી વ્યાકુળ થાય ત્યારે તે વ્રતમર્યાદા અનુસાર વેશ્યાગમન કરે ત્યારે વ્રતભંગ થતો નથી. પરંતુ કોઈ વેશ્યાને થોડા કાળ માટે ધન આપીને કોઈએ સ્વીકારેલી હોય, તો તેટલા કાળ માટે તે વેશ્યા તેના માટે પરસ્ત્રી છે; કેમ કે ધન આપનારે તેને પોતાની સ્વીકારેલી છે. ત્યારે જો તે શ્રાવક વેશ્યાનું ગમન કરે તો અતિચારની પ્રાપ્તિ થાય; કેમ કે તેને વિચાર આવે છે કે આ પરસ્ત્રી નથી પરંતુ વેશ્યા છે અને મેં પરસ્ત્રીની મર્યાદા કરી છે તે પ્રમાણે હું પરસ્ત્રીનું ગમન કરતો નથી; આમ છતાં ઇવર કાલ માટે તે પરપરિગૃહીત હોવાની અપેક્ષાએ તે પરસ્ત્રીરૂપ છે, તેથી અતિચારની પ્રાપ્તિ થાય છે. (૩) અપરિગૃહીતાગમન અતિચાર -
વળી અપરિગૃહીતાગમન એ ચોથાવતનો અતિચાર છે. જેમ કોઈ શ્રાવકે પરસ્ત્રીનું વિરમણ અને સ્વદારાસંતોષનું વ્રત લીધેલું હોય તેના માટે વાસ્તવિક રીતે પોતાની સ્ત્રીથી અતિરિક્ત વેશ્યા, અપરિણીત કન્યા કે વિધવા સર્વ સ્વસ્ત્રી નથી, તેથી ત્યાજ્ય છે; પરંતુ જ્યારે કામની ઇચ્છા અસહ્ય થાય છે ત્યારે જીવ સહજ કાંઈક તેનો ઉપાય વિચારીને વ્રતના રક્ષણાર્થે માર્ગ શોધે છે. ત્યારે તેને વિચાર આવે કે થોડા સમય માટે આ વેશ્યા કે અપરિણીત કન્યા (અન્ય દ્વારા પરિગૃહીત નથી અને હું તેને ગ્રહણ કરું છું તેથી તે) મારી
સ્ત્રી જ છે, પરસ્ત્રી નથી. તેથી મારા વ્રતની મર્યાદાનો ભંગ થતો નથી તેમ વિચારીને અપરિગૃહીત એવી વેશ્યાદિનું ગમન કરે ત્યારે કંઈક વ્રત સાપેક્ષતા હોવાથી અતિચારરૂપ છે અને પરમાર્થથી તે તેની સ્વસ્ત્રી નથી, તેથી વ્રતભંગ છે; આમ છતાં આવા અતિચારસેવનકાળમાં સૂક્ષ્મ વિવેકનો નાશ થાય તો મિથ્યાત્વની પ્રાપ્તિ થવાની સંભાવના રહે છે. અહીં પ્રાયશ્ચિત્ત અતિચારને અનુરૂપ જ પ્રાપ્ત થાય છે. માટે વ્રતના રક્ષણનો અર્થી અને સમ્યક્તના રક્ષણનો અર્થી શ્રાવક અબ્રહ્મની કુત્સિતતાનું અત્યંત ભાવન કરીને સ્વીકારાયેલા વ્રતના રક્ષણાર્થે જેમ પરસ્ત્રીગમનના ત્યાગનું ભાવન કરે છે તેમ ચોથાવતના સર્વ અતિચારો અત્યંત ત્યાજ્ય છે તેનું પણ ભાવન કરવું જોઈએ.