________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૬
૧૮૧
પ્રવૃત્તિ કરે છે. અનર્થદંડવિરમણવ્રતમાં ભોગોપભોગનું કોઈ પ્રયોજન ન હોવા છતાં કાંદર્ષિકી આદિ પાંચ પ્રકા૨ની વૃત્તિઓને કારણે આત્મામાં થતા વિકારોનું નિવર્તન કરાય છે. કાંદર્ષિકીવૃત્તિ આદિ પાંચ વૃત્તિઓ ભોગોપભોગ માટે જરૂરી નથી, તેનાથી માત્ર વિકારની વૃદ્ધિરૂપે અનર્થદંડની જ પ્રાપ્તિ થાય છે. શ્રાવકનું ચિત્ત સર્વ સાવદ્યયોગની વિરતિ તરફ અત્યંત આકર્ષણવાળું હોય છે, છતાં દેહ પ્રત્યેના મમત્વને કારણે ભોગોપભોગની પ્રવૃત્તિ સર્વથા ત્યાગ કરી શકે તેમ ન હોય તેવો શ્રાવક ભોગોપભોગના સંકોચ વિષયક સદા યત્ન કરે છે પરંતુ તેની વૃદ્ધિમાં ક્યારેય યત્ન કરતો નથી. ભોગોપભોગના સંકોચ માટેના યત્નને છોડીને ભોગોપભોગ વિષયક માનસિક વિચારણાઓ દ્વારા જે કોઈ નિરર્થક પ્રવૃત્તિઓ શ્રાવક દ્વારા થાય છે તે સર્વ અનર્થદંડરૂપ છે, તેથી તેનું સમાલોચન કરીને તેનાથી નિવૃત્તિ શ્રાવકે ક૨વી જોઈએ.
(૪) સામાયિકવ્રત ઃ
શ્રાવક સંપૂર્ણ નિરવદ્ય જીવનનો અર્થી હોય છે. પાંચ ઇન્દ્રિય અને મન સંસારના ભાવોમાં સંશ્લેષ પામીને કર્મબંધ કરાવે છે, તે કર્મબંધથી વિરામ પામવા માટે પાંચ ઇન્દ્રિયોને અને મનને ભગવાનના વચનથી નિયંત્રિત કરવા દ્વારા સંવર કરીને સંપૂર્ણ નિરવદ્ય જીવન પ્રાપ્ત કરવા અર્થે મોહના પરિણામનો નિરોધ કરવા શ્રાવક યત્ન કરે છે અને સર્વ જીવો પ્રત્યે દયાનો પરિણામ ઉલ્લસિત થાય તે અર્થે ષટ્કાયના પાલનનો અધ્યવસાય કરે છે. આવો અધ્યવસાય જાવજ્જીવ ક૨વા માટે શ્રાવક સમર્થ નથી તેથી સામાયિક ઉચ્ચરાવીને સામાયિકની અવધિ સુધી તે પ્રકારે મન-વચન-કાયાને પ્રવર્તાવે છે, જેથી ષટ્કાયના પાલનના અધ્યવસાય દ્વારા અને પાંચ ઇન્દ્રિય તથા છટ્ઠા મન દ્વારા દ્વિવિધ-ત્રિવિધ સાવઘયોગની વિરતિ પ્રાપ્ત થાય છે, જે સામાયિકવ્રત છે.
આ સામાયિકવ્રતની જઘન્ય કાલાવધિ બે ઘડીની છે, તેના પૂર્વે સામાયિક પારી શકાય નહીં; જ્યારે સામાયિકની ઉત્કૃષ્ટ કાલાવધિ અનિયત છે. કોઈની શક્તિ હોય તો બે ઘડીથી અધિક દશ-પંદર મિનિટ જે કાંઈ શક્ય હોય તેટલો સમય સામાયિકમાં અવસ્થાન કરે તે ભાવવૃદ્ધિનું જ કારણ છે. આથી જેમ પચ્ચક્ખાણ પારતી વખતે તિ૨ીયં શબ્દથી અધિક કાલ પસાર કર્યો છે તેમ જણાવવામાં આવે છે, જે પચ્ચક્ખાણની મર્યાદામાં અતિશયતારૂપ છે, તેથી અધિક લાભનું કારણ છે; તેમ સામાયિકમાં પણ અધિક કાળ પસાર થાય તે અધિક લાભનું કારણ છે. હા, માત્ર અધિક કાળ સાથે અધિક નિર્જરાનો સંબંધ નથી, પરંતુ સમભાવના પરિણામને અનુકૂળ, સમભાવના રાગપૂર્વક, સમભાવને અનુકૂળ કરાતા યત્નના પ્રકર્ષથી નિર્જરાનો પ્રકર્ષ થાય છે. તેથી નિર્જરાના અર્થી શ્રાવકે શક્તિના સંચયાર્થે સામાયિક દરમિયાન સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે જ મન, વચન, કાયાથી કરણના ત્રણ અને કરાવણના ત્રણ એમ છ પ્રકારની અવિરતિના ત્યાગમાં જ ઉદ્યમ ક૨વો જોઈએ, જેથી સમભાવનો પરિણામ પ્રગટે.
(૫) પૌષધોપવાસવ્રત ઃ
પૌષધોપવાસ એટલે પૌષધમાં ઉપવાસ=પર્વતિથિઓમાં આત્મા પોતાના મૂળ સ્વભાવને પ્રગટ ક૨વાને અનુકૂળ વ્યાપારવાળો થાય તે પૌષધમાં ઉપવાસ છે.