________________
૧૯૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૮ યુક્તિ અનુસાર વિચારીએ તો આત્મા સર્વવ્યાપી છે એ પણ સંગત જણાય છે. આ વખતે તેને નૈયાયિકની માન્યતા સાચી હોઈ શકે છે તેવી મતિ થવારૂપ મતિનો જે વિપ્લવ થાય છે તે વિચિકિત્સા છે. (૪) અન્યદૃષ્ટિપ્રશંસાઅતિચાર અને (૫) અન્યદષ્ટિસંસ્તવઅતિચાર :
અન્યદર્શનવાળા બે પ્રકારના હોય છે – કેટલાક પોતપોતાના દર્શન પ્રત્યેના બદ્ધરાગવાળા હોય છે, તેથી પોતાના દર્શનના પદાર્થોનું સ્થાપન કરવા માટે સદા યત્ન કરનારા હોય છે. પરંતુ તત્ત્વનો નિર્ણય કરવાને અભિમુખ પરિણામવાળા હોતા નથી, તેઓ અભિગૃહીત મિથ્યાદૃષ્ટિ છે.
વળી, જેઓ કોઈક દર્શનને સ્વીકારનારા હોવા છતાં તે તે દર્શનની સુંદર ક્રિયાઓને જોઈને તે બધા પ્રત્યે સમાન વલણવાળા હોય છે પરંતુ કોઈ દર્શનના આગ્રહવાળા હોતા નથી તેઓ અનાભિગ્રહિક મિથ્યાષ્ટિ છે.
આ બન્ને પ્રકારના મિથ્યાદૃષ્ટિમાંથી કેટલાક ક્રિયાવાદી છે, કેટલાક અક્રિયાવાદી છે, કેટલાક અજ્ઞાનવાદી છે અને કેટલાક વૈનાયિકમતના આશ્રયવાળા છે. તેઓના કોઈક આચારોને જોઈને તેઓની પ્રશંસા કરવામાં આવે કે તેઓનો સંતવ કરવામાં આવે તો સમ્યગ્દષ્ટિ જીવને અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરીને સર્વજ્ઞનું વચન જ પરિપૂર્ણ યથાર્થવાદી હોવાથી તેનો જ સ્વીકાર કરે છે. વળી ઓઘથી (સંક્ષેપથી) કે વિસ્તારથી તત્ત્વનો નિર્ણય કરીને સમ્યગ્દષ્ટિ જીવે જૈનદર્શનનો સ્વીકાર કર્યો હોય છે, તેમાં સ્થિર શ્રદ્ધાવાળાને પણ મિથ્યાદર્શનના કંઈક અવિવેકવાળા અને કંઈક વિવેકવાળા એવા આચારોની પ્રશંસા કરવાનો પરિણામ થાય કે સંસ્તવ કરવાનો પરિણામ થાય તે સમ્યક્તના સ્થિરબોધમાં મલિનતાજન્ય પરિણામ છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવને યથાર્થ તત્ત્વ પ્રત્યે જ પક્ષપાત હોય છે તેથી તેની જ તે પ્રશંસા કરે કે સંસ્તવ કરે, પરંતુ જે દર્શનના આચારોમાં અનેક સ્થાને અવિવેક વર્તે છે તેવા આચારોની તે સ્તવના કરે નહીં. અન્યદર્શનના જીવન પરિચયના કારણે તેઓનો સંસ્તવ કરવામાં આવે કે પ્રશંસા કરવામાં આવે તે સમ્યક્તનો અતિચાર છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રશંસા અને સંસ્તવમાં શું ભેદ છે ? તેથી કહે છે – કોઈ સમ્યગ્દષ્ટિ જીવ અન્યદર્શનના જીવો સાથે પરિચયમાં હોય, જેના કારણે તેના જ્ઞાન, તેના દર્શનની રુચિ અને તે જીવમાં વર્તતા દાક્ષિણ્યાદિ ગુણો જોઈને તેના પ્રકર્ષનું ઉભાવન કરે અર્થાત્ આ બધા ગુણો આ દર્શનવાળામાં ઘણા છે તે ભાવથી પ્રશંસા છે, જે સમ્યક્તમાં અતિચાર સ્વરૂપ છે; કેમ કે ભગવાનના વચનાનુસાર સૂક્ષ્મ વિવેકવાળું જ્ઞાન તે દર્શનમાં નથી, પૂલથી કોઈક સ્થાનમાં સુંદર વચનો ત્યાં પ્રાપ્ત થતાં હોય છે. વળી તે દર્શનવાળા જીવોમાં પોતાના દર્શન પ્રત્યેની રૂચિ અવિવેકવાળી હોવાથી પ્રશંસાપાત્ર નથી. વળી તેઓમાં વર્તતા દાક્ષિણ્યાદિ ગુણો પણ સુંદર હોવા છતાં વિપરીત (તત્ત્વ માટેની) રુચિથી દોષવાળા છે. માટે એવા ગુણોની પ્રશંસા કરવાથી તેના દર્શનની પુષ્ટિ થાય છે, જેનાથી સમ્યક્તમાં મલિનતાની પ્રાપ્તિ થાય છે.