________________
૧૬૦
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૬ થતો નથી. આવા જીવોને પણ ઉચિત દિશા બતાવનાર મળે તો તે વિષયની પીડાથી પોતાના આત્માનું રક્ષણ કરી શકે તેવા છે. આવા જીવોને જોઈને વિવેકી પુરુષો ભાવના કરે છે કે હું શું કરુ ? જેથી આ જીવોની વિષયની તૃષ્ણા શાંત થાય અને તેઓ આ પ્રકારની પીડાથી દૂર થાય. તેથી યોગ્ય જીવોને જે જે પ્રકારની વિષયતૃષ્ણા સતાવતી હોય તે જીવોને તે તે વિષયોથી થતો અનર્થોને ઉચિત રીતે બતાવવામાં આવે તો અવશ્ય તેઓની વિષયતૃષ્ણા શાંત થાય છે. જેમ કોઈ સુંદર ભોજન હોય, પોતાને તે અત્યંત પ્રિય હોય વળી તે ભોજન કરવાની પોતાને અત્યંત તૃષા વર્તતી હોય, ત્યારે પણ તે ભોજનમાં ઝેર છે, તેવું જ્ઞાન કોઈ રીતે સ્પષ્ટ થાય તો તે ભોજન પ્રત્યેની તૃષા શાંત થાય છે, તેમ વિષયોના સેવનકાળમાં કેવા કેવા સંક્લેશો થાય છે ?, અને તે તે સંક્લેશને અનુરૂપ કેવા કેવા અનર્થો પ્રાપ્ત થાય છે ? ઇત્યાદિનો સમ્યગુ બોધ કરાવવામાં આવે તો તેના ભાવનથી વિષયોની તૃષ્ણાવાળા જીવો વિષયોની તૃષ્ણાથી બળતા પોતાના આત્માનું રક્ષણ કરી શકે છે. જે મહાત્મા તે પ્રકારની ભાવનાથી આત્માને અત્યંત ભાવન કરે છે તે મહાત્મા સ્વયં તે વિષયતૃષાના અનર્થોને અત્યંત જાણનારા હોય છે. તેથી પોતે તો પોતાના આત્માની કરુણા કરે છે, પરંતુ અન્ય જીવો વિષયક તે પ્રકારની કરુણાનું ભાવન કરીને તે પ્રકારના યોગ્ય જીવોને ઉચિત દિશા બતાવીને તેઓની વિષયોની પીડાને દૂર કરે છે.
વળી કેટલાક જીવો હિતની પ્રાપ્તિના અર્થી હોવા છતાં વિપરીત પ્રવૃત્તિઓ કરતા હોય છે અને અહિતના પરિહારના અર્થી હોવા છતાં વિપરીત પ્રવૃત્તિ કરતા હોય છે. આવા જીવોમાં કરુણાભાવના ભાવવી જોઈએ.
આશય એ છે કે આત્મકલ્યાણના અર્થે બાહ્ય રીતે તપ-સ્વાધ્યાય આદિ કરીને હિત સાધવાના અર્થી હોવા છતાં અજ્ઞાનને વશ તે બાહ્યક્રિયા કરીને પણ અંતરંગ રીતે અવિવેકને કારણે કર્મબંધ થાય તેવી જ પ્રવૃત્તિ કરતા હોય છે તેવા જીવોમાં કરુણાભાવના કરવી જોઈએ કે હું શું કરું, કે જેથી ઉચિત બોધ કરીને આ જીવો હિતની પ્રાપ્તિના ઉપાયોને સમ્યગુ સેવીને અંતરંગ ગુણસંપત્તિ પ્રાપ્ત કરી શકે અને અહિતના પરિહારમાં સમ્યગુ ઉદ્યમ કરીને અહિતના અનર્થથી આત્માનું રક્ષણ કરી શકે.
વળી વિવિધ પ્રકારના દુઃખની પીડાવાળા દીન, કૃપણ, અનાથ, બાલ, મોમુહ=અપકારી, અને વૃદ્ધ જીવોમાં કરુણાભાવના કરવી જોઈએ.
સંસારમાં કેટલાક જીવો અનેક પ્રકારનાં દુઃખોથી પીડાતા હોય છે. તેમાં જેઓ દીન, કૃપણ અને અનાથ છે તેઓ આજીવિકાના અભાવને કારણે દુઃખી થતા હોય છે. આવા જીવોને તે દુઃખની પીડામાંથી હું કઈ રીતે મુક્ત કરીને તેઓનું હિત કરું ? એ પ્રકારની ભાવના સાધુ કે શ્રાવક કરે છે. સાધુ ઉચિત હિતોપદેશ આદિ દ્વારા તેમનો અનુગ્રહ કરે છે. વળી બાળકો પોતાની જીવનવ્યવસ્થા માટે અસમર્થ હોય છે, તેથી અનેક પ્રકારનાં દુઃખોથી પીડિત હોય છે. ઉચિત હિતોપદેશના પ્રદાન દ્વારા તેમની આંતરિક પીડાને દૂર કરવા સાધુ યત્ન કરે છે અને શ્રાવક પોતાની શક્તિ અનુસાર તેમની બાહ્ય પીડા દૂર થાય તેવો ઉચિત યત્ન કરે છે.