________________
૧૬૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૭ વળી દરેક પદાર્થોનો પરસ્પર અન્યતાપરિણામ છે અર્થાત્ એક જીવ સાથે અન્ય જીવનો ભેદપરિણામ છે તેમ દરેક પદાર્થોમાં પરસ્પર ભેદપરિણામ છે.
વળી દરેક દ્રવ્યો કોઈક રીતે એકબીજાને અનુગ્રહ કરે છે. જેમ આકાશ બધાં-દ્રવ્યોને અવગાહન આપે છે, ધર્માસ્તિકાય ગતિમાં જીવ અને પુદ્ગલને સહાય કરે છે. જીવ પણ ઉપદેશાદિ દ્વારા અન્ય જીવોને અનુગ્રહ કરે છે.
વળી દરેક પદાર્થો કોઈક સ્વરૂપે વિનાશ પામે છે.
આ પ્રકારનો જગતનો સ્વભાવ વિચા૨વાથી જીવોને સંવેગ અને વૈરાગ્ય થાય છે; કેમ કે આત્મા પર્યાયરૂપે ભલે અનિત્ય હોય તોપણ દ્રવ્યરૂપે આત્મા નિત્ય જ છે. તેથી આત્માના હિતની ચિંતા થાય છે અને પોતે ચારગતિમાં અનેક પ્રકારની વિડંબના પામે છે તે સ્વરૂપે જગતનો સ્વભાવ ભાવન કરવાથી તેની સ્પષ્ટ ઉપસ્થિતિ થવાના કારણે પોતાના આત્માનું અહિત ન થાય તે પ્રકારે યત્ન કરવાના પરિણામરૂપ સંવેગ ઉત્પન્ન થાય છે.
વળી સંસારની વિષમ સ્થિતિ જોઈને સંસારના ભાવો પ્રત્યે વિરક્તભાવ થાય છે. આથી સંયમ ગ્રહણ કર્યા પછી સાધુએ અને દેશવિરતિ સ્વીકાર્યા પછી શ્રાવકે સતત જગતના સ્વભાવનું વારંવાર ભાવન કરવું જોઈએ, જેથી પોતાના આત્મા ઉપર પોતે કઈ રીતે અનુગ્રહ કરી શકે ?, પોતે સ્વીકારેલ સર્વવિરતિ કે દેશવિરતિ પોતાને કઈ રીતે અનુગ્રહનું કારણ બની શકે છે ? અને પ્રમાદને વશ યથા-તથા સેવન કરવાથી કઈ રીતે વિનાશનું કારણ બની શકે છે ? તેનું પણ સ્મરણ થાય છે. ભગવાનના શાસનને પામીને પ્રમાદને વશ થયેલા જીવો અનંત સંસારનું અર્જન કરીને પોતાના આત્માનો વિનાશ કરે છે તે સર્વ જગતના સ્વભાવના ચિંતનથી ઉપસ્થિત થાય છે, જેથી સંવેગ અને વૈરાગ્ય સ્થિર થાય છે.
વળી, કાયસ્વભાવનું ભાવન ક૨વા અર્થે સાધુએ અને શ્રાવકે સદા વિચારવું જોઈએ કે આ કાયા અનિત્ય છે. તેથી અનિત્ય એવી કાયા પ્રત્યે મારે મમત્વ ક૨વું જોઈએ નહીં, પરંતુ કાયા દ્વારા આત્માની નિર્લેપતાની પરિણતિ વૃદ્ધિ થાય તે રીતે જ મારે યત્ન ક૨વો જોઈએ.
વળી આ કાયા દુઃખનો હેતુ છે; કેમ કે વર્તમાનમાં પણ આ કાયાથી અનેક પ્રકારના ઉપદ્રવોની પ્રાપ્તિ થાય છે. જો તેને સાચવવામાં ન આવે તો તેનાથી અનેક જાતની અશાતા ઉત્પન્ન થાય છે, જ્યારે શ૨ી૨ને સાચવવા માટે અનેક પ્રકારના આરંભ કરીને પાપની પ્રાપ્તિ થાય છે, જેના ફળરૂપે દુર્ગતિઓની પ્રાપ્તિ થાય છે. માટે કાયા પ્રત્યે વિરક્તભાવ કરીને આત્માના મૂળ સ્વભાવ પ્રત્યે રાગભાવ થાય તે પ્રકારે મારે સમભાવમાં ઉદ્યમ કરવો જોઈએ.
વળી આ કાયા નિઃસાર છે; કેમ કે ગમે ત્યારે નાશ પામે તેવી છે, સાચવવા છતાં પ્રતિકૂળ વર્તે તેવી છે. નિઃસાર એવી આ કાયા પ્રત્યે રાગભાવ ધારણ કરવો તે મૂઢતા છે. વસ્તુતઃ આત્માના મૂળ સ્વભાવ પ્રત્યે જ રાગભાવ ધારણ કરવો જીવ માટે ઉચિત છે.