________________
૧૫૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૬ તેથી એ પ્રાપ્ત થાય કે ગુણાધિક જીવોને અધિક ગુણવાળા જોવાથી તે ગુણો પ્રત્યે જો બહુમાનભાવ થાય તો અવશ્ય ઉચિત વિનયનો પ્રયોગ થાય છે, તે પ્રમોદ ભાવના છે. કઈ રીતે ગુણવાનમાં વિનયનો પ્રયોગ કરે, જેથી પ્રમોદભાવના થાય ? તેથી કહે છે – ગુણાધિક પુરુષોમાં વંદન, સ્તુતિ, વર્ણવાદ તેઓના ગુણોની પ્રશંસા, અને વૈયાવચ્ચકરણાદિથી મનનો પ્રકૃષ્ટ હર્ષ, તે વિનયપ્રયોગ છે. કેવા પુરુષોમાં તે વિનયનો પ્રયોગ થાય છે ? તેથી કહે છે – પોતાનાથી અધિક એવા સમ્યક્ત, જ્ઞાન, ચારિત્ર અને તપવાળા સાધુઓમાં તે મનનો પ્રહર્ષ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ સૂક્ષ્મ-સૂક્ષ્મતર તત્ત્વને અવલોકન કરીને અત્યંત અમૂઢદૃષ્ટિવાળા છે, જેના કારણે તેઓ સમ્યક્ત ગુણમાં પોતાનાથી અધિક હોય છે. વળી, જેઓ ભગવાનના વચનના સૂક્ષ્મ બોધપૂર્વક અનેક શાસ્ત્રો ભણેલા છે, જેના કારણે તેઓ જ્ઞાનગુણથી પોતાનાથી અધિક છે. વળી જેઓએ સંયમના સર્વ આચારો અપ્રમાદથી સેવીને આત્માને વિશેષ પ્રકારે નિર્લેપ કર્યો છે, જેના કારણે તેઓ ચારિત્ર ગુણથી પોતાનાથી અધિક છે અને શક્તિના પ્રકર્ષથી બાર પ્રકારનો ઉચિત તપ વિવેકપૂર્વક જેઓએ પોતાનાથી ઘણો સેવ્યો છે તેઓ પોતાનાથી તપ ગુણથી અધિક છે. આવા સાધુઓમાં વિનયનો પ્રયોગ તે પ્રમોદભાવના છે. વળી, તે વિનયનો પ્રયોગ માત્ર પોતાનાથી કરાયેલા તે પ્રકારના ઉપચારવિનય સ્વરૂપ નથી, પરંતુ પોતાનાથી કે અન્યથી તેવા મહાત્માઓની પૂજા-ભક્તિ આદિ થતાં હોય તે સર્વ વખતે તે પૂજાભક્તિને જોવાથી પોતાને વર્તતો હર્ષ વિનયપ્રયોગ સ્વરૂપ છે. વળી આ વિનયપ્રયોગ સર્વઇન્દ્રિયોથી અભિવ્યક્ત થતા હર્ષરૂપ હોય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે ઉત્તમ પુરુષોની કોઈ ભક્તિ કરતા હોય તેને જોઈને પોતાના હૈયામાં ઉત્પન્ન થયેલી પ્રીતિ મુખાદિ ઉપર સ્પષ્ટ અભિવ્યક્ત થતી હોય તે વિનયપ્રયોગરૂપ છે. વળી, પોતે પણ ગુણવાનની ભક્તિ કરે ત્યારે તેઓના ગુણના સ્મરણને કારણે ચિત્તમાં જે હર્ષ વર્તતો હોય તેની અભિવ્યક્તિ મુખાદિ ઉપર સ્પષ્ટ થતી હોય તે વિનયપ્રયોગ છે. વળી, કેટલીક વખત મહાત્માઓની ભક્તિ પોતે કરતા હોય, કોઈ અન્ય વ્યક્તિઓ કરતી હોય કે પોતે અને અન્ય એમ બંને કરતા હોય તેને જોઈને ચિત્તમાં હર્ષ વર્તતો હોય તે પ્રમોદભાવના છે. તેથી ગુણવાનના તે તે અધિક ગુણોને સૂક્ષ્મ અવલોકન કરીને જેમ જેમ તે તે ગુણો પ્રત્યે બહુમાન ભાવ થાય તેમ તેમ તેને અનુરૂપ પ્રમોદભાવના વધતી જાય છે. જેઓએ પ્રમોદભાવનાથી પોતાના આત્માને અત્યંત વાસિત કર્યો છે તેવા મહાત્માઓને વારંવાર તીર્થંકર આદિ ઉત્તમ પુરુષોના ગુણોના સ્મરણને કારણે સદા પ્રમોદભાવ વર્તે છે. આ પ્રમોદભાવને અતિશયિત કરવા અર્થે ઉચિત કાળે વંદન, સ્તુતિ, આદિ ઉચિત ક્રિયાઓ કરે છે. વળી જેઓ માત્ર ભાવના તરીકે પ્રમોદભાવના ભાવે છે, પરંતુ ગુણવાનના ગુણોને સૂક્ષ્મ રીતે જોવા યત્ન કરતા નથી તેથી ગુણવાન પુરુષોમાં પોતાનાથી અધિક ગુણો વર્તતા હોવા છતાં તે ગુણોની કોઈ ઉપસ્થિતિ થતી નથી તેઓને વિશેષ પ્રકારે પ્રમોદભાવના પ્રગટ થતી