________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૫
અહીં પ્રશ્ન થાય કે ભોગ કરનાર જીવને સ્પર્શનું સુખ થાય છે, તેથી તે દુઃખ જ છે તેમ કેવી રીતે કહી શકાય ? તેથી ભાષ્યકારશ્રી ખુલાસો કરે છે
૧૫૪
–
વ્યાધિનું પ્રતીકારપણું હોવાથી મૈથુનમાં સ્પર્શનું સુખ નથી. જે રીતે ખાજના વ્યાધિવાળો વ્યક્તિ ખણજથી વ્યાકુળ થયેલો હોય અને ખણજ કરે ત્યારે પણ ખણજની પીડા જ વર્તે છે, પરંતુ કાંઈક પ્રતિકારપૂર્વકની ખણજની પીડા છે. તેથી પ્રતિકાર વગરના કાળમાં જે પીડા હતી તેના કરતાં કાંઈક અલ્પ પીડા હોવા છતાં તે પીડા જ છે, તેમ કામવૃત્તિથી વ્યાકુળ થયેલો જીવ કાંઈક તેના પ્રતિકારરૂપ મૈથુન સેવે છે ત્યારે પણ તે વ્યાધિની પીડાનો જ અનુભવ કરે છે. ફક્ત કામથી વિહ્વળ થયેલો ભોગની ક્રિયા કરતો નથી ત્યારે અતિશય વિહ્વળ છે અને ભોગની ક્રીડા કરે છે ત્યારે વિહ્વળતા કાંઈક અલ્પ છે, તોપણ રાગાદિની વિહ્વળતા હોવાને કા૨ણે તેમાં સુખ નથી. મૂઢને જ ભોગની ક્રિયામાં સુખનું અભિમાન થાય છે. માટે મૈથુનથી વિરામ જ પામવો જોઈએ, એ પ્રકારે ભાવન કરીને મુનિ રાગાદિ આકુળતાના અત્યંત ઉચ્છેદ માટે અને મૈથુનના વિકાર વગરની શાશ્વત અવસ્થાના સુખ માટે ઉદ્યમ કરે છે.
શ્રાવક પણ સાધુની જેમ જ મૈથુન કઈ રીતે દુઃખરૂપ છે ? તેનું ભાવન કરીને મૈથુનથી અત્યંત વિરામ પામવા યત્ન કરે છે. જે વખતે મૈથુનના વિકારનો પ્રતીકાર અશક્ય જણાય ત્યારે પણ તેમાં સુખબુદ્ધિને ધારણ કરતો નથી, પરંતુ વિચારે છે કે ખણજથી વ્યાકુળ થયેલો જીવ ખણજ વગર રહી શકતો નથી તેમ હું વિકારથી વ્યાકુળ છું, માટે શક્ય ઔષધ કરીને મારે વિકારને શાંત ક૨વો જોઈએ અને અશક્ય જણાય ત્યારે યતનાપૂર્વક ભોગ ભોગવીને પણ ભોગની પ્રવૃત્તિમાં દુઃખની બુદ્ધિને સ્થિર કરવી જોઈએ, જેથી મહાવ્રતોને અનુકૂળ શક્તિના સંચયનો યત્ન થઈ શકે.
(૫) પરિગ્રહઅવ્રતની દુઃખરૂપતા :
વળી પરિગ્રહની ઇચ્છાવાળો જીવ અપ્રાપ્તમાં ઇચ્છાના દુઃખને પ્રાપ્ત કરે છે, પરિગ્રહની પ્રાપ્તિમાં રક્ષણના દુઃખને પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત થયેલા પરિગ્રહના નાશમાં શોકરૂપ દુઃખને પ્રાપ્ત કરે છે. તેથી પરિગ્રહ પ્રાપ્તિ પૂર્વે, પ્રાપ્તિકાળમાં અને નાશકાળમાં દુઃખરૂપ જ છે, તે પ્રકારે ભાવન કરીને પરિગ્રહથી વિરામ કરવો જોઈએ. આ પ્રમાણે ભાવન કરીને સાધુ આત્માથી ભિન્ન એવા દેહમાં કે સ્વજનમાં કે શિષ્યાદિમાં ક્યાંય પણ મમત્વબુદ્ધિ કરીને પરિગ્રહની પીડાને પ્રાપ્ત કરતા નથી; પરંતુ ધર્મના ઉપકરણરૂપે દેહને ધારણ કરીને અપરિગ્રહની પરિણતિરૂપ નિર્મમ ભાવની વૃદ્ધિ થાય તે રીતે દેહમાં, શિષ્યવર્ગમાં કે પરિચયમાં આવતા સર્વ સાથે વર્તે છે, જેથી પરિગ્રહકૃત પીડા થાય નહીં.
વળી શ્રાવક પણ આ રીતે પરિગ્રહના દુ:ખનું ભાવન કરીને સાધુની જેમ સર્વથા અપરિગ્રહવાળા થવાની ઇચ્છા રાખે છે અને સર્વથા અપરિગ્રહના પરિણામ પ્રાપ્ત કરવા માટે પોતાનું સામર્થ્ય નહીં હોવાથી દેશથી પરિગ્રહનો ત્યાગ કરીને સર્વથા પરિગ્રહના વિરામની શક્તિનો સંચય કરવા યત્ન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવામાત્રથી પરિગ્રહના દુ:ખથી મુક્ત થવાતું નથી; પરંતુ દેહથી માંડીને