________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૫
૧૫૩
વચન બોલતા નથી. આથી જ કોઈને પીડાકર હોય, કોઈને રાગ ઉત્પન્ન કરાવે તેવું હોય કે કોઈને ઉન્માર્ગમાં પ્રવર્તક હોય તેવું મિથ્યા વચન સાધુ બોલતા નથી. આ પ્રકારે ભાવન કરીને સાધુ બીજા મહાવ્રતમાં અપ્રમાદવાળા થાય છે.
વળી સંવિગ્નપાક્ષિક પણ ભગવાનના વચનથી વિપરીત કોઈની આગળ પ્રરૂપણા ન થાય તે રીતે અપ્રમાદથી દેશના આદિમાં યત્ન કરે છે; કેમ કે સર્વવિરતિ સ્વીકારેલી હોવા છતાં સર્વવિરતિને પાળવાની શક્તિ નહીં હોવાના કારણે અપ્રમાદથી બધાં વ્રતોમાં ઉદ્યમ નહીં થતો હોવા છતાં બીજા મહાવ્રતને સ્થિર ક૨વા અર્થે પોતાની હીનતાને બતાવીને પણ માર્ગની શુદ્ધ પ્રરૂપણા કરે છે.
વળી દેશવિરતિધર શ્રાવક પણ આ પ્રકારે મિથ્યાભાષણ અન્યના દુઃખનું કારણ છે તેમ ભાવન કરીને ધનાદિના લાભાદિ અર્થે પણ મૃષા ભાષણ ન થાય તેવો યત્ન કરે છે અને ભગવાનના વચનના માર્ગનો અપલાપ ન થાય તેવો યત્ન કરે છે, જેથી માર્ગના અપલાપ દ્વારા ઘણા જીવોના દુઃખનું નિમિત્ત પોતે ન
થાય.
(૩) અદત્તાદાનઅવ્રતની દુઃખરૂપતા :
જે પ્રમાણે મને ઇષ્ટ દ્રવ્યનો વિયોગ વર્તમાનમાં દુઃખરૂપ થાય છે અને ભૂતકાળમાં પણ દુઃખરૂપ થયેલ તે પ્રમાણે સર્વ જીવોને તેમના દ્રવ્યનો વિયોગ દુઃખરૂપ થાય છે. તેથી ચોરી દુઃખરૂપ જ છે. માટે મારે ચોરીથી વિરામ પામવું જોઈએ, આ પ્રકારે ભાવન કરીને સાધુ ચોરીરૂપ અકાર્યથી અટકે છે.
જેમ ચોરી સાક્ષાત્ બીજાના દુઃખનું કારણ છે તેવી જ રીતે તીર્થંકરઅદત્ત આદિ ચારેય પ્રકારના અદત્તો પણ સ્વને દુઃખનું કારણ જ છે. જોકે તીર્થંક૨અદત્ત સેવનારા પ્રમાદી સાધુથી સાક્ષાત્ કોઈનું દ્રવ્ય અપહરણ થતું નથી, તોપણ જે રીતે બીજાના દ્રવ્યના અપહારમાં ચોરીનો પરિણામ છે તેમ ભગવાનને સમર્પિત થયા પછી ભગવાનના વચનથી વિપરીત રીતે વસ્ત્રાદિ ગ્રહણ કરવામાં ચોરીનો પરિણામ છે. તેથી અદત્તાદાનની પ્રાપ્તિ છે, જે દુઃખરૂપ છે. એ પ્રકારે ભાવન કરીને સુસાધુ તીર્થંકરઅદત્તાદિ ચારે અદત્તાદાનનું પારમાર્થિક સ્વરૂપ સૂક્ષ્મ રીતે જાણીને તેના પરિહાર માટે યત્ન કરે છે.
શ્રાવક સંપૂર્ણ અદત્તાદાનના પરિહાર માટે અસમર્થ હોવા છતાં સ્કૂલથી અદત્તાદાનના પરિહાર અર્થે અન્યની માલિકીની નાની પણ વસ્તુ તેની અનુજ્ઞા વગર ગ્રહણ કરતા નથી, જેથી પરને પીડાનું કારણ ન બને.
(૪) મૈથુનઅવ્રતની દુઃખરૂપતા :
વળી સાધુ ભાવન કરે છે કે રાગ-દ્વેષાત્મકપણું હોવાથી મૈથુન દુઃખ જ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે મૈથુનના પ્રવૃત્તિકાળમાં રાગનો કે દ્વેષનો સૂક્ષ્મ પણ પરિણામ અવશ્યપણે વર્તતો હોય છે. તેથી કોઈના રૂપાદિ જોઈને પણ વિકાર થાય ત્યારે તે મૈથુન પોતાને પીડા કરનારું બને છે, તેથી દુઃખરૂપ જ છે.