________________
૧૨૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧/ સૂત્ર-૨૩ આદિના તે ગુણોના કારણે પણ સામાયિક આદિ આવશ્યકના સેવનથી પ્રાપ્ત થતા ફળોરૂપ ગુણોને કારણે પણ, તેના પ્રત્યે બહુમાનનો અતિશય થાય છે. તેઓ તે ગુણોથી અને તે તે ભાવોથી છ આવશ્યકનું સેવન કરે છે. ૧૦. માર્ગપ્રભાવના :
માનને હણીને કરણ દ્વારા અને ઉપદેશ દ્વારા સમ્યગ્દર્શન આદિરૂપ મોક્ષમાર્ગની પ્રભાવના તીર્થંકરનામકર્મનો આશ્રવ છે. જે જીવોને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર આત્મક મોક્ષમાર્ગના પરમાર્થનો સૂક્ષ્મ બોધ છે તેઓ પોતે સંયમ પાળે છે, ત્યાગ કરે છે. માનકષાયને હણીને સમ્યગ્દર્શન આદિ ભાવો પ્રત્યે જ બદ્ધરાગ ધારણ કરીને સ્વશક્તિ અનુસાર અપ્રમાદથી ગુણની નિષ્પત્તિ થાય તે પ્રકારે સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગનું અનુષ્ઠાન સેવે છે અને યોગ્ય જીવોને સમ્યગ્દર્શન આદિની પારમાર્થિક પ્રાપ્તિ થાય તે પ્રકારે ઉપદેશ આપે છે, તેઓને રત્નત્રયીના સેવનકાળમાં વર્તતો અને ઉપદેશકાળમાં વર્તતો રત્નત્રયી પ્રત્યેનો બહુમાનભાવ ઘણા યોગ્ય જીવોને માર્ગપ્રાપ્તિનું કારણ બને છે, જે મોક્ષમાર્ગની પ્રભાવનારૂપ છે. આ પ્રકારની પ્રભાવના માન આદિ કષાયના પરિણામ વગર જેઓ કરે છે તેઓને તીર્થંકરનામકર્મના આશ્રવની પ્રાપ્તિ થાય છે.
૧૧. પ્રવચન વાત્સલ્ય :
અરિહંત શાસનના અનુષ્ઠાન કરનારા શ્રતધરોનો અને બાલ-વૃદ્ધ-તપસ્વી-શૈક્ષક-ગ્લાન આદિનો સંગ્રહઉપગ્રહ-અનુગ્રહ કરવો તે પ્રવચનવત્સલપણું છે, જે તીર્થંકર નામકર્મનો આશ્રવ છે.
જે મહાત્માઓ અરિહંતના શાસન અનુસાર અનુષ્ઠાન કરનારા છે તથા તેનાં શાસ્ત્રો ભણી શ્રતધર થયા છે તેવા મહાત્માઓ પ્રત્યે ભક્તિનો પરિણામ હોવાથી જે સાધુ તેઓના સંગ્રહ, ઉપગ્રહ અને અનુગ્રહ કરનાર થાય, તે પ્રવચનનું વત્સલપણું છે. આવા કૃતધર પુરુષોને પોતાની સાથે રાખવા તે સંગ્રહકારીપણું છે, તેઓને આહાર-વસ્ત્ર આદિ પ્રદાન કરવાં તે ઉપગ્રહકારીપણું છે, પોતે અધિક શ્રત ધારણ કરનારા હોય તો આવા ધૃતધરોને નવું નવું શ્રત આપીને અનુગ્રહકારીપણું છે. સંગ્રહ-ઉપગ્રહ-અનુગ્રહ પ્રાપ્ત થવાથી તે શ્રતધર મહાત્માઓ ભગવાનના શાસનના વિશેષ પ્રકારના પરિણામને પ્રાપ્ત કરે છે. તેવા શ્રુતધરો આવા ઉત્તમ પરિણામને પ્રાપ્ત કરે તેવા શુભાશયપૂર્વક જે મહાત્માઓ સંગ્રહ આદિરૂપ પ્રવચનવત્સલપણું ધારણ કરે છે તેઓને ભગવાનના વચનમાં અત્યંત ભક્તિ છે. તેથી જ યોગ્ય જીવોમાં ભગવાનનું વચન વિશેષરૂપે પરિણમન પામે તેવો યત્ન કરે છે. તેથી તે પ્રવૃત્તિને આશ્રયીને જો તે મહાત્માને તીર્થંકર નામકર્મને અનુકૂળ અધ્યવસાયની પ્રાપ્તિ થાય તો તે પ્રવચનવત્સલપણું તીર્થકર નામકર્મના આશ્રવનું કારણ બને છે.
વળી, ભગવાનના શાસનને અનુસરનારા એવા બાળ, વૃદ્ધ, તપસ્વી, શૈક્ષક કે ગ્લાનને જોઈને કોઈ મહાત્માને વિચાર થાય કે જો આ બધાને સમ્યગુ પાલન કરવામાં આવશે તો તેઓને ભગવાનનું વચન વિશેષરૂપે પરિણમન પામશે. તેથી પોતાની શક્તિ અનુસાર બાલાદિમાંથી યથા ઉચિતનો સંગ્રહ કરે,