________________
૧૪૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૪
ભાષ્યાર્થ :
તથા ..... શ્રેયાન્ ।। અને મૃષાભાષી અશ્રદ્ધેય થાય છે=લોકમાં અવિશ્વસનીય થાય છે. અહીં જ= આલોકમાં જ, જિહ્યાછેદ આદિને પ્રાપ્ત કરે છે અને મિથ્યા અભ્યાખ્યાનથી દુઃખિત થયેલા અને બદ્ધવેરવાળા જીવો પાસેથી તેનાથી અધિક દુઃખોના હેતુને પ્રાપ્ત કરે છે=જિહ્વાછેદાદિ દુઃખો પ્રાપ્ત થાય તેનાથી અધિક અન્ય દુઃખના હેતુઓને પ્રાપ્ત કરે છે, અને પરલોકમાં અશુભ ગતિને પામે છે અને ગર્હિત થાય છે=મૃષા બોલનાર જીવ લોકોમાં ગહિત થાય છે, તેથી મૃષાવચનથી વ્યુપરમ=વિરામ, શ્રેય માટે છે.
ભાવાર્થ:
(૨) મૃષાવાદના અપાયોનું વર્ણન :
જે જીવો મૃષાવાદ ક૨ના૨ા છે તે જીવો પ્રત્યે લોકોને વિશ્વાસ રહેતો નથી, એ રૂપ મૃષાવાદનો અપાય છે. વળી આલોકમાં તેઓ જિલ્લાછેદાદિ પ્રાપ્ત કરે છે તે પણ આલોકનો અપાય છે; કેમ કે મૃષા બોલવાને કારણે કોઈ મોટું અકાર્ય થયું હોય ત્યારે રાજા વગેરે તેના મૃષાભાષણને કા૨ણે જિહ્વાછેદાદિ કરાવે છે. વળી, તે મિથ્યા બોલનાર જીવોના મિથ્યાભાષણથી દુઃખિત થયેલા અને તેની સાથે જેને વેર બંધાયું છે તેવા જીવો જિહ્વાછેદાદિ કરાવ્યા પછી પણ તેઓને અધિક દુઃખના હેતુ બને છે તે સર્વ આલોકના અપાય છે અને પરલોકમાં અશુભગતિને પામે છે તે પરલોકનો અપાય છે. વળી મૃષા બોલનાર જીવ લોકોમાં ગર્હિત બને છે તે અવઘનું દર્શન છે. એથી વિવેકીએ મૃષાભાષણનો વિરામ કરવો જોઈએ. અનાભોગથી પણ સૂક્ષ્મ પણ મૃષાવાદ ન થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ. હાસ્યાદિથી પણ મૃષાવાદ ન થાય તેવો યત્ન કરવો જોઈએ.
આનાથી એ પ્રાપ્ત થાય કે કર્મબંધનું કારણ હોય તેવું સત્યવચન પણ સૂક્ષ્મ દૃષ્ટિથી મૃષાવચન છે. સાધુ સંયમના પ્રયોજન વગર નિરર્થક વચનપ્રયોગ કરે, કોઈના રાગના ઉદ્ભવનું કારણ બને તેવું સત્યવચન કહે, કોઈના દ્વેષના ઉદ્દભવનું કારણ બને તેવું સત્યવચન કહે કે પોતાના પણ રાગાદિની વૃદ્ધિ થાય તેવા કોઈપણ પ્રકારના વચનપ્રયોગ કરે તે સર્વ અસત્ય વચન છે. માટે સૂક્ષ્મ મૃષાવાદના પરિહારના અર્થી એવા સાધુએ અંતરંગ રીતે સદા મનોગુપ્તિ અને વચનગુપ્તિપૂર્વક જ ઉચિત સંભાષણ કરવું જોઈએ તથા પ્રયોજન વગર વચનપ્રયોગનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. શ્રાવકને માટે સૂક્ષ્મ મૃષાવાદનો પરિહાર અશક્ય છે, તેથી જ તે સ્થૂલ મૃષાવાદના પરિહારનું વ્રત ગ્રહણ કરે છે તોપણ તેણે સૂક્ષ્મ મૃષાવાદના સ્વરૂપનું ભાવન ક૨ીને સૂક્ષ્મ મૃષાવાદના પરિહારની શક્તિનો સંચય થાય તે રીતે સ્થૂલ મૃષાવાદના પરિહારનું પાલન કરવું જોઈએ, જેથી વાણી ઉપરના અતિ સંવરભાવને કારણે સૂક્ષ્મ મૃષાવાદના પરિહારને અનુકૂળ શક્તિનો સંચય થાય; કેમ કે કષાયને વશ જીવ મૃષા બોલે છે અને તે કષાય વૃદ્ધિ પામે તો ઉપરમાં બતાવેલા સર્વ પ્રકારના આલોકનાં અને પરલોકનાં અનર્થોનું કારણ બને તેવો મૃષાવાદ પણ જીવથી થાય છે. માટે મૃષાવાદના બીજનો જ નાશ ક૨વો જોઈએ.