________________
૧૪૦.
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૩ મૃષાવચન બોલે છે તેમ સાધુ સર્વ ભયોથી અભીરુ હોવાના કારણે ક્યારેય મૃષાવચન બોલતા નથી. આ પ્રકારની અભીરુભાવનાના બળથી મુનિ પોતાના બીજા મહાવ્રતને સ્થિર કરે છે. (v) હાસ્યપ્રત્યાખ્યાનભાવના :
વળી સાધુએ ચાર કષાયો અને નવ નોકષાયોનું પ્રત્યાખ્યાન કર્યું છે. તદ્ અંતર્ગત હાસ્યનું પ્રત્યાખ્યાન પણ પ્રાપ્ત થાય છે. તેથી હાસ્યથી પણ ક્યારેય સત્યવચન કે અસત્યવચન બોલવાનો પ્રસંગ ન થાય તે રીતે હાસ્યપ્રત્યાખ્યાનથી આત્માને ભાવિત કરે છે. જે ભાવનાના બળથી બીજું મહાવ્રત સુરક્ષિત બને છે.
અહીં મૃષાવાદ બોલવાનાં કારણોને સામે રાખીને મૃષાવાદની પાંચ ભાવના બતાવાઈ છે. સામાન્ય રીતે જેમ વિચાર્યા વગર બોલવાથી મૃષાવાદની પ્રાપ્તિ થાય છે તેમ ક્રોધથી, લોભથી, ભયથી અને હાસ્યથી મૃષાવાદ થાય છે. એટલું જ નહીં, ક્રોધાદિથી બોલાયેલું સત્યવચન પણ મૃષાવાદના કાર્યરૂપ કર્મબંધનું કારણ થાય છે, તેથી મૃષાવાદરૂપ જ છે. તેથી તે ક્રોધાદિ સર્વના પ્રત્યાખ્યાનને આશ્રયીને આત્મા ભાવન કરે તો મૃષાવાદ થાય નહીં. સાધુ સંયમ ગ્રહણ કરે છે ત્યારે ક્રોધાદિ ચારેય કષાયો અને નવ નોકષાયો હવે પછી હું ક્યારેય કરીશ નહીં એ પ્રકારની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે. તેથી તે કષાયો અને નોકષાયોના નિરોધથી સંયમના કંડકોને પ્રાપ્ત કરે છે. સાધુ સત્યમહાવ્રતને દૃઢ કરવાના પ્રતિસંધાનથી ક્રોધાદિ પ્રત્યાખ્યાનની ભાવનાઓ કરે છે અને શ્રાવક પણ સાધુધર્મનું પરિભાવન કરતી વખતે સાધુધર્મના પાંચ મહાવ્રતોની ભાવનાઓને પણ ભાવે છે. તેથી શ્રાવક પણ સત્યમહાવ્રતને આત્મામાં સ્થિર કરવા અર્થે અને તેના પ્રત્યેની રાગવૃદ્ધિ કરવા અર્થે બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ કરે છે. (૩) અસ્તેયમહાવ્રતની પાંચ ભાવનાઓ :
વળી ત્રીજા મહાવ્રતને સ્થિર કરવા અર્થે સાધુ નીચે મુજબ પાંચ ભાવનાઓ કરે છે : (i) અનુવચિઅવગ્રહયાચનભાવના:
સાધુ પાંચ પ્રકારના અવગ્રહનું સ્વરૂપ યથાર્થ નિર્મીત કરીને જેની પાસે જે વસ્તુની માલિકી છે, તેની પાસેથી જ તે વસ્તુનું વાચન કરે છે. જેની તેની પાસેથી ગમે તે વસ્તુનું યાચન કરવામાં આવે અને તે વસ્તુના માલિક પાસે કરવામાં ન આવે તો અસ્તેય વ્રતમાં મલિનતાની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારે ભાવન કરીને સાધુ અસ્તેય વ્રતને સ્થિર કરે છે. શ્રાવક પણ તે ભાવના કરીને ત્રીજા મહાવ્રત પ્રત્યે દૃઢ પક્ષપાતને સ્થિર કરે છે. (ii) અભીષ્ણઅવગ્રહયાચનાભાવના :
વળી સાધુ અભીષ્ણ અવગ્રહ યાચન કરે છે અર્થાત્ વસતિ આદિ ગ્રહણ કરતી વખતે સંયમને ઉપકારક ન હોય તેવાં વસતિ આદિ ગ્રહણ ન કરે; પરંતુ સંયમમાં ઉપકારક હોય એટલી જ પ્રમાણોપેત વસતિ આદિ ગ્રહણ કરે છે. તે વસતિ આદિ ગ્રહણ કર્યા બાદ ગ્લાન આદિના પ્રયોજનથી અધિક વસતિ આદિની આવશ્યકતા જણાય તો ફરી તેના સ્વામી પાસે યાચના કરે છે. જેની યાચના કરીને પોતે વસતિ સ્વીકારેલી