________________
૧૧૪
તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૪, ૧૫
કોઈ સાધુની પ્રમાદયુક્ત આચરણા જોઈને જૈન સાધુઓ આ રીતે અનુચિત કરનારા હોય છે તેમ કહેવું તે સંઘનો અવર્ણવાદ છે. વળી કોઈ શ્રાવક કે સાધુ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય છતાં સ્વમતિદૌર્બલ્યના કારણે તેઓની તે પ્રવૃત્તિ અનુચિત જણાય તેથી તેના કારણે તેઓનો અવર્ણવાદ કરવામાં આવે તે પણ સંઘનો અવર્ણવાદ છે, જેનાથી દર્શનમોહનીયના આશ્રવની પ્રાપ્તિ છે.
(૪) ધર્મઅવર્ણવાદ :
પાંચ મહાવ્રતોના સાધન એવા ધર્મનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે. દા. ત. જીવમાં વર્તતા પાંચ મહાવ્રતોની નિષ્પત્તિમાં કારણભૂત એવા સંયમની આચરણાની કોઈક નિંદા કરે કે “સાધુઓ સ્વપરાક્રમથી ભોજન કરતા નથી, પરંતુ આ રીતે લોકો પાસેથી માંગીને ખાય છે તે ધર્મનો અવર્ણવાદ છે. વળી પાંચ મહાવ્રતોની જે સંયમની ઉચિત આચરણાઓ છે તેની અન્યથા પ્રરૂપણા કરવી તે પણ પાંચ મહાવ્રતના સાધનનો અવર્ણવાદ છે, જેનાથી દર્શનમોહનીયના આશ્રવની પ્રાપ્તિ છે. (૫) દેવઅવર્ણવાદ :
ચાર નિકાયવાળા દેવો ભોગ-વિલાસવાળા છે' તેમ કહીને તેઓનો અવર્ણવાદ કરવો તે દર્શનમોહનીયનો આશ્રવ છે. વસ્તુતઃ ધર્મપરાયણ એવા ચારનિકાયના દેવો પણ સ્વભૂમિકા અનુસાર ઉચિત ધર્મ સેવીને આત્મહિત સાધનારા છે. તેથી તેઓના ઉત્તમ ગુણો પ્રત્યે અનાદર થાય તે રીતે તેઓના ભોગને પ્રધાન કરીને તેઓની નિંદા કરવાથી દર્શનમોહનીયના આશ્રવની પ્રાપ્તિ થાય છે. આથી જ સંયમ પાળીને દેવલોકમાં ગયેલા દેવોને આશ્રયીને શાસ્ત્રમાં તેઓને નોવિરતનોઅવિરત કહેવાયા છે; કેમ કે વિરતિના ફળવાળા હોવાથી અવિરત નથી અને વર્તમાનમાં વિરતિનો પરિણામ નથી માટે વિરત નથી. જેના જેટલા ગુણો હોય તે ગુણો પ્રત્યે અનાદર થાય તે પ્રકારે તેનો અવર્ણવાદ કરવામાં આવે તો દર્શનમોહનીયના આશ્રવોની પ્રાપ્તિ થાય છે.
જોકે મિથ્યાત્વમોહનીયના ઉદયથી જ દર્શનમોહનીયના આશ્રવની પ્રાપ્તિ છે, તેથી કોઈ પ્રકારનો કોઈનો અવર્ણવાદ ન કરતા હોય તેવા પણ જીવો મિથ્યાત્વના ઉદયથી દર્શનમોહનીય બાંધે છે, તોપણ ગુણસંપન્ન જીવોના અવર્ણવાદથી વિશેષ પ્રકારે દર્શનમોહનીય બંધાય છે. આથી જ અયોગ્ય જીવો પાસે મોક્ષનું વર્ણન કરવાથી મોક્ષ પ્રત્યે તેમને દ્વેષ થાય તો તેઓ વિશેષ પ્રકારે દર્શનમોહનીય બાંધે છે. માટે જ અયોગ્યને તે પ્રકારનો ઉપદેશ આપવાનો શાસ્ત્રમાં નિષેધ છે. IIS/૧૪
સૂત્ર :
कषायोदयात् तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ।।६/१५।। સૂત્રાર્થ :કષાયના ઉદયથી તીવ્ર આત્મપરિણામ ચારિત્રમોહનો આશ્રવ છે. II૬/૧૫