________________
૧૦૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૯ પ્રગટે છે. અને તેના કારણે કાયાથી કોઈક કૃત્ય કરવાનો સંરંભ-સંકલ્પ થાય છે. પરંતુ કાયાની કોઈ પ્રવૃત્તિ કરી નથી. તે ક્રોધકૃત કાયસંરંભ છે. જેમ સમભાવ માટે પ્રયત્નશીલ મુનિને દેહ ઉપર મચ્છરાદિનો ઉપદ્રવ થાય ત્યારે તેની પીડાને કારણે ઈષદ્ દ્વેષ થાય, જેથી તે મચ્છર ઉડાડવાનો સંકલ્પ થાય, તે કાયા દ્વારા મચ્છરને ઉડાડવાનો સંકલ્પ છે=મચ્છર ઉડાડવાની ક્રિયા નથી માત્ર સંકલ્પ છે.
વળી સમભાવમાં પ્રયત્નશીલ કોઈ મુનિને મચ્છર કરડે તેમાં ઉપયોગ જાય ત્યારે સમભાવમાં ઈષદ્ પ્લાનિ થાય તે સંયમમાં અતિચારરૂપ છે, આમ છતાં તત્ત્વનું ભાવન કરીને તેની ઉપેક્ષા કરે તો ક્રોધકૃત કાયસંરંભ ન થાય.
વળી આવા સંયોગમાં જો તે મુનિ મચ્છર ઉડાડવાની પ્રવૃત્તિ ન કરે પરંતુ તેમનો સમભાવગામી ઉપયોગ વારંવાર સ્કૂલના પામતો હોય ત્યારે મનમાં સંકલ્પ થાય કે સમભાવની વૃદ્ધિમાં આ મચ્છરની પીડા બાધક છે, તેથી સમભાવના પરિણામના રક્ષણ અર્થે અને સમભાવના પરિણામની વૃદ્ધિ અર્થે મારે મચ્છર ઉડાડવો આવશ્યક છે. ત્યારે તે મચ્છર ઉડાડવાની ક્રિયા કરવાનો જે સંકલ્પ કર્યો તે ક્રોધકૃત કાયસંરંભ નથી. પરંતુ સમભાવ પ્રત્યે જે રાગ છે તે રૂપ ક્ષયોપશમભાવ છે તેના કારણે મચ્છરની પીડામાં જે સમભાવના ઉપયોગનો નાશ થઈ રહ્યો છે તેના રક્ષણ અર્થે મચ્છરને ઉડાડવાની ક્રિયાના સંકલ્પરૂપ છે. માટે તેમને ક્રોધકૃત કાયસંરંભની પ્રાપ્તિ નથી. વળી, સંસારી જીવો કોઈના પ્રત્યે ક્રોધવાળા થયા હોય અને તેના કારણે તેને મારવાનો કે પીડા ઉપજાવવાનો સંકલ્પ કરે તે પણ ક્રોધકૃત કાયસંરંભ છે. વળી, ક્રોધકૃત કાયસંરંભના પરિણામની તરતમતાના ભેદથી અનેક ભેદોની પ્રાપ્તિ થાય છે. (૨) માનકૃત કાયસંરંભ:
કોઈ જીવને કોઈ નિમિત્તથી માનકષાયનો ઉદય થાય તેથી તે માનકષાયને વશ બાહ્યથી તપની ક્રિયા કરવાનો વિકલ્પ કરે, ત્યારે માનકષાયને વશ કાયાથી તપ કરવાનો પરિણામ થયો છે. તેથી માનકષાયને વશ કાયાને આશ્રયીને કરાયેલા તપના સંકલ્પરૂપ સંરંભ છે. તપની ક્રિયા થઈ નથી માત્ર તપ કરવાનો સંકલ્પ થયો છે. વળી કોઈ માનકષાયને વશ દાન કરવાની ક્રિયા કે અન્ય કોઈ ધર્માનુષ્ઠાનની ક્રિયા કરવાનો સંકલ્પ કરે તે પણ માનકૃત કાયસંરંભ છે. વળી કોઈ માનને વશ સંસારના આરંભ-સમારંભ કરવાનો સંકલ્પ કરે તે પણ માનકૃત કાયસંરંભ છે. આ સર્વમાં તે તે જીવના વિવેક-અવિવેકને અનુસાર પરિણામની તરતમતાની પ્રાપ્તિ થાય છે તે પ્રમાણે કર્મબંધમાં પણ અનેક ભેદો પ્રાપ્ત થાય છે. આથી જેઓ કષાયને વશ ધર્માનુષ્ઠાન કરતા હોય છતાં ઉપદેશાદિ પામીને તે કષાયોના ત્યાગ માટે પણ કાંઈક પ્રયત્નશીલ છે તેઓને જેમ માન-કષાયનો ઉદય છે તેમ માનકષાયનો ક્ષયોપશમભાવ કરવાનો પણ અભિલાષ છે, તેથી માર્દવભાવમાં જવાના પરિણામવાળા છે અર્થાત્ માનકષાયના ત્યાગપૂર્વક ગુણો તરફ જવાના અભિલાષવાળા છે તેથી જેટલા અંશમાં માનકષાયનું શૈથિલ્ય તેટલા અંશમાં અલ્પ કર્મબંધની પ્રાપ્તિ થાય છે.