________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૭
કેવા પ્રકારનો ભેદ છે ? તે સ્પષ્ટ કરે છે –
લઘુ, લઘુતર, લઘુતમ, તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ એ પ્રકારનો ભેદ છે, અને તેના વિશેષથી=ઓગણચાલીસ ભેદવાળા સાંપરાયિક આશ્રવોના લઘુ, લઘુતરાદિના વિશેષથી, બંધવિશેષ થાય છે=કર્મબંધમાં ભેદ થાય છે. ૬/૭//
૯૪
ભાવાર્થ:
કોઈ જીવ પૂર્વમાં બતાવ્યા તેમાંથી કોઈપણ સાંપ૨ાયિક આશ્રવ સેવે છે ત્યારે તે સેવનકાળમાં તેનો તીવ્રભાવ કેટલો છે ? તેના ભેદથી તે સાંપરાયિક આશ્રવોમાં પણ ભેદ થાય છે. જેમ કોઈ જીવ હિંસારૂપ આશ્રવ સેવે છે ત્યારે તત્સદેશ સમાન હિંસા કરનાર અન્ય જીવને તેના કરતાં હિંસાને અનુકૂળ સાંપરાયિક આશ્રવવિશેષ તીવ્રભાવવાળો હોય તો અધિક કર્મબંધનું કારણ બને છે. વળી કેટલાક જીવોને હિંસાદિ સાંપરાયિક આશ્રવના કાળમાં પણ હિંસા પાપરૂપ છે તેવી બુદ્ધિ હોવાથી હિંસાના કૃત્યમાં મંદભાવ વર્તે છે. તે મંદભાવ પણ દરેકને સમાન વર્તતા નથી તેથી મંદભાવની તરતમતાથી સાંપરાયિક આશ્રવમાં તરતમતાની પ્રાપ્તિ છે અને સાંપરાયિક આશ્રવના મંદભાવને આશ્રયીને થયેલી તરતમતાના ભેદથી કર્મબંધમાં ભેદ થાય છે. જેમ હિંસા પાપરૂપ છે તેવું જાણવા છતાં સર્વવિરતિ ગ્રહણ કરવા અસમર્થ શ્રાવક ગૃહકાર્ય અર્થે આરંભ સમારંભ કરે છે ત્યારે હિંસાનો તીવ્રભાવ નથી, હિંસામાં મંદભાવ છે આમ છતાં તે શ્રાવક જ્યારે દશવિધ યતિધર્મથી અત્યંત ભાવિત થયેલો હોય ત્યારે જેવો હિંસાનો મંદ પરિણામ હોય તેવો પરિણામ અભાવિત અવસ્થામાં પ્રાયઃ થતો નથી. તેથી મંદતાની તરતમતાના ભેદથી હિંસારૂપ આશ્રવના ભેદની પ્રાપ્તિ થાય છે અને તે પ્રમાણે કર્મબંધમાં પણ ભેદની પ્રાપ્તિ થાય છે.
વળી આ જીવ છે તેવું જ્ઞાન હોવા છતાં બીજા જીવના પ્રાણની ઉપેક્ષા કરીને પણ પોતાના સ્વાર્થ ખાતર બીજા જીવોની હિંસા કરવાનો પરિણામ થાય છે ત્યારે કર્મબંધ અધિક થાય છે અને આ જીવ છે તેવું જ્ઞાન નહીં હોવાને કારણે હિંસાકાળમાં તેવો ક્રૂરભાવ થતો નથી તેથી અલ્પ કર્મબંધ થાય છે. આથી જ સ્થાવર જીવની હિંસા કરતાં ત્રસ જીવની હિંસામાં અધિક પરિણામની મલિનતા થાય છે; કેમ કે સ્થાવર જીવો ચેષ્ટા વગરના હોવાથી તેઓનો તરફડાટ દેખાતો નથી, તેઓની પીડા દેખાતી નથી; જ્યારે ત્રસને મારવામાં આવે ત્યારે તેઓ વિહ્વળ થઈને તરફડાટ કરે છે તે જોવા છતાં મારવાનો પ્રયત્ન થાય છે ત્યારે મારનારને અધિક ક્લિષ્ટ ભાવ થાય છે. વળી, આરંભ-સમારંભની પ્રવૃત્તિના વિષયમાં વીર્યના અધિક પ્રવર્તન કે અલ્પ પ્રવર્તનના ભેદથી પણ કર્મબંધનો ભેદ પ્રાપ્ત થાય છે. જેમ હાથી આદિ બલવાન પ્રાણીને મારવા અર્થે વિશેષ પ્રકારનો પ્રયત્ન થાય છે ત્યારે વીર્યનું પ્રવર્તન અત્યંત અધિક થાય છે અને તે વખતે તે વીર્યના અતિશયને અનુરૂપ કષાયો પણ અધિક પ્રવર્તે છે. આથી જ યુદ્ધભૂમિમાં લડતા યોદ્ધાનું શત્રુના નાશને અનુકૂળ અતિશય વીર્ય પ્રવર્તતું હોવાથી અતિશય ક્લિષ્ટ ભાવો થાય છે. વળી અધિકરણના ભેદથી પણ કર્મબંધનો ભેદ થાય છે, જે સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવે છે. II૬/૭ના