Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३०
तत्त्वन्यायविभाकरे
આથી સંવર, નિર્જરા અને મોક્ષ રૂપ ત્રણ તત્ત્વો જીવસ્વરૂપી છે, માટે આ નવ તત્ત્વો જીવ અને અજીવથી જુદા પદાર્થ રૂપે નથી. તો જીવ અને અજીવ-એમ બે પ્રકારો તત્ત્વના છે, એવું કથન છોડીને તત્ત્વોનો નવ પ્રકારનો વિભાગ કેમ આદર્યો છે?
સમાધાન- જીવ અને અજીવના પરસ્પર વિશિષ્ટ સંબંધ રૂપ સંસારના આશ્રવ-બંધ આદિ મુખ્ય હેતુઓનું અને સંસારના વિરામ રૂપ મોક્ષના સંવર-નિર્જરા આદિ મુખ્ય હેતુઓનું હેય-ઉપાદેય રૂપે જો ભેદપૂર્વક જ્ઞાન નહિ હોય, તો શું સાધ્યનું કારણ કે શું ત્યાજયનું કારણ?- એવો વિવેક નહિ હોવાથી સાધ્ય મોક્ષનું જ્ઞાન અસંભવિત થઈ જાય ! માટે સંસારના પ્રધાન હેતુ રૂપ આશ્રવ-બંધ આદિનું હેયતયા અને મોક્ષના પ્રધાન હેતુ રૂપ સંવર-નિર્જરા આદિનું ઉપાદેયતયા જ્ઞાન કરાવવા માટે પૃથ પૃથ તત્ત્વોનું નિરૂપણ કરેલ છે.
શંકા- પુણ્ય આદિ જીવ અને અજીવ સાથે મળેલ હોઈ પુણ્ય આદિમાં ભિન્ન પદાર્થપણાનો અભાવ છે, માટે અર્થાન્તરપણાનો સવાલ ઉડી જાય છે. તથાચ જીવ અને અજીવ સાથે પુણ્ય આદિ મળતાં નથી. માટે પુણ્ય આદિના અર્થાન્તરપણાનો પ્રશ્ન જો ઉપસ્થિત કરવામાં આવે, તો જીવ કે અજીવ પદાર્થથી ભિન્ન પદાર્થની પ્રતીતિનો અભાવ હોઈ અર્થાન્તરપણાનો સવાલ ઉડી જાય છે. આ યુક્તિથી પુણ્ય આદિ જીવ અને અજીવથી ભિન્ન પદાર્થ નથી અને અહીં પુણ્ય આદિ નવ પદાર્થો કહ્યા છે, તો નવ પ્રકારના પદાર્થની સિદ્ધિ કેવી રીતે ?
સમાધાન- પર્યાયની અપેક્ષા ગૌણ કરી દ્રવ્યની વિવક્ષાની પ્રધાનપણાએ જીવ અને અજીવમાં પુણ્ય આદિનો અંતર્ભાવ થાય, છતાં દ્રવ્યની વિવક્ષા ગૌણ કરી પર્યાયની વિવક્ષાના પ્રધાનપણામાં જીવ-અજીવમાં પુણ્ય આદિના અંતર્ભાવનો અસંભવ હોઈ, જીવ-અજીવથી ભિન્નપણાએ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એમ નવ પ્રકારના તત્ત્વો દર્શાવેલ છે.
શંકા- ભલે, જીવ, અજીવ આદિ નવ તત્ત્વોનું પૃથકપણું થાઓ! પરંતુ જીવ, અજીવ આદિ રૂપ ક્રમની રચનામાં શું કારણ છે? અર્થાત્ જીવતત્ત્વ પહેલાં કેમ મૂક્યું? પછીથી અજીવ કેમ? વગેરે ક્રમની રચનામાં શું કારણ છે?
જીવ આદિ તત્ત્વોના ક્રમવિન્યાસના હેતુઓ સમાધાન- આ મોક્ષશાસ્ત્ર છે. આ શાસ્ત્રના અનુસાર જ્યારે શ્રોતાઓની આગળ મોક્ષનો ઉપદેશ કરાતો હોય, ત્યારે (અવધિવાળા) મોક્ષ શબ્દના શ્રવણથી શ્રોતાને આશંકા થાય છે કે- કોનો, કોનાથી અને કયા પ્રકાર વડે મોક્ષ થાય છે?” આવી શ્રોતાની આશંકાના નિરાકરણ માટે જીવનો બંધથી સંવર-નિર્જરા વડે મોક્ષ છે.”-એમ કહેવું જ જોઈએ. તેમજ “કોની સાથે કયા પ્રકાર વડે બંધ ?'- આવો પ્રશ્ન જાગૃત થતાં, અજીવ સાથે આશ્રવ દ્વારા બંધ છે– એમ કહેવું જોઈએ. ‘ત્યાં કેટલા પ્રકારના અજીવો છે? અને શું બધાની સાથે બંધ છે?'- આવો પ્રશ્ન જાગતાં, પાંચ પ્રકારના અજીવો છે અને પુણ્ય અને પાપ રૂપ વિશિષ્ટ કર્મપુદ્ગલોની સાથે જ બંધ છે.'- આવી રીતનું સમાધાન થતાં, સામાન્યથી બંધના કારણોમાં હેયપણાની બુદ્ધિ અને મોક્ષના કારણો પ્રત્યે ઉપાદેયપણાની બુદ્ધિ સુલભ થાય !