________________
આધાકર્મ દોષ
ઇચ્છા પ્રમાણે ભોગ ભોગવવા લાગ્યો. આમને આમ કેટલોક સમય પસાર થઈ ગયો, રાજાને કશીયે ખબર પડી નહિ.
કેટલાક ટાઈમે રાજાને આ વાતની ખબર પડી. એટલે એક દિવસે સુરૂપ જેવો અંત:પુરમાં આવ્યો કે તુરત રાજાએ તેને પકડી લીધો. તેની ખૂબ વિટંબના કરી નગરમાં ફેરવીને મારી નંખાવ્યો.
સુરૂપને મારી નાખવા છતાં રાજાનો ગુસ્સો ઓછો થયો નહિ, એટલે ચરપુરુષોને જણાવ્યું કે “નગરમાં જાવ અને કોણ કોણ સુરૂપની પ્રશંસા કરે છે અને કોણ કોણ સુરૂપની નિંદા-તિરસ્કાર કરે છે તેની તપાસ કરીને મને જણાવો.”
ચરપુરુષો ગુપ્ત વેશમાં નગરમાં ફરવા લાગ્યા તો કેટલાક લોકો બોલે છે કે ધન્ય છે સુરૂપને. જે રાણીઓને અમે જિંદગીમાં કોઈ દિવસ નજરે જોઈ નથી, તે રાણીઓ સાથે ઇચ્છિત ભોગો ભોગવીને પછી મર્યો. મનુષ્યને એકવાર મરવાનું તો આવે છે. સુરૂપ તો ભવ સફળ કરી ગયો.” જ્યારે કેટલાક બોલતા હતા કે સુરૂપ કેવો ? જેણે આલોક અને પરલોક વિરુદ્ધ આચરણ કર્યું. રાજાની રાણીઓ તો માતાતુલ્ય ગણાય. તેમની સાથે ભોગ ભોગવતાં શરમ ન આવી. અંતે ક્રૂર રીતે મરવું પડ્યું. આવા માણસની કોણ પ્રશંસા કરે. એ તો નિંદાને પાત્ર છે.”
ચરપુરુષોએ પ્રશંસા કરનાર અને નિંદા કરનારનાં નામો રાજાને જણાવ્યાં. એટલે રાજાએ સુરૂપની પ્રશંસા કરનારાઓને પકડીને મારી નંખાવ્યા, અને સુરૂપની નિંદા કરનારને માન આપ્યું.
કોઈ સાધુઓ આધાકર્મી આહાર વાપરતા હોય તે જોઈને કોઈ તેમની પ્રશંસા કરે કે ધન્ય છે, આ સુખે જીવે છે. જ્યારે બીજા કહે કે ધિક્કાર છે આમને, કે શાસ્ત્રમાં નિષેધ કરેલા આહારને વાપરે છે. જે સાધુઓ અનુમોદના કરે છે તે સાધુઓને અનુમોદનાનો દોષ લાગે છે, તે સંબંધી કર્મ બાંધે છે. જ્યારે બીજાને તે દોષ લાગતો નથી.
પ્રતિસેવના દોષમાં પ્રતિશ્રવણા, સંવાસ અને અનુમોદના સાથે ચારે દોષો લાગે છે. પ્રતિશ્રવણા દોષમાં સંવાસ અને અનુમોદના સાથે ત્રણ દોષો લાગે છે. સંવાસ દોષમાં સંવાસ અને અનુમોદના બે દોષ લાગે છે. અનુમોદના દોષમાં એક અનુમોદના દોષ લાગે છે. માટે સાધુઓએ આ ચારે દોષોમાંથી કોઈ દોષ ન લાગે તેની કાળજી રાખવી.